વ્યવસ્થા : રાજ્યની તમામ RTOમાં આગામી રવિવારે લાઈસન્સ સહિતની કામગીરી ચાલુ રહેશે

0
18

ગાંધીનગર: રાજ્યમાં નવા વ્હીકલ એક્ટનો અમલ કરવામાં આવ્યો છે ત્યારે વાહનચાલકોને લાઈસન્સથી લઇને વાહન રજિસ્ટ્રેશનમાં તકલીફ પડે નહીં તેટલા માટે આગામી રવિવાર તા. 22 સપ્ટેમ્બરે તમામ આરટીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. આગામી રવિવારે વાહનચાલકોનો કેવો પ્રતિસાદ મળે છે તેના આધારે દર રવિવારે આરટીઓ કાર્યરત રાખવી કે નહીં તેનો નિર્ણય લેવાશે તેમ વાહન વ્યવહાર વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. જયારે ફોર વ્હીલ લાઈસન્સ માટે ઓટોમેટિક ગીયરવાળી કારને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે મંજૂરી આપવામાં આવશે અને તેનો સત્તાવાર અમલ નજીકના ભવિષ્યમાં થશે તેમ વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરે જણાવ્યું હતું.

દર રવિવારે આરટીઓ કચેરીઓ ખુલ્લી રાખવી કે નહીં તેનો નિર્ણય કરાશે
રાજ્યની તમામ આરટીઓમાં સર્વર પ્રોબ્લેમ અને વાહનચાલકોની ભીડના કારણે બેકલોગ વધી ગયો હોવાથી આગામી રવિવારે તા. 22મી સપ્ટેમ્બરે રાજ્યની તમામ આરટીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો હોવાનું વાહન વ્યવહાર કમિશનર રાજેશ મંજુએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હજુ દર રવિવારે તમામ આરટીઓ ખુલ્લી રાખવી કે નહીં તેનું આયોજન છે,પણ નક્કી કર્યુ નથી. આગામી રવિવારે વાહનચાલકોની કેટલી ભીડ રહેશે તેના આધારે કેટલો સમય દર રવિવારે આરટીઓ કચેરીઓ ખુલ્લી રાખવી તેનો નિર્ણય કરાશે. જયારે વાહન વ્યવહાર વિભાગના અગ્રસચિવ સુનયના તોમરે જણાવ્યું હતું કે, ઓટોમેટિક કારથી લાઈસન્સ માટે ટેસ્ટ આપી શકાશે, પણ તેનો અમલ કયારથી કરવો તેનો વિધિવત્ત પરિપત્ર નજીકના ભવિષ્યમાં વાહન વ્યવહાર વિભાગ કરશે.

RTO કચેરીમાં થતી વાહનચાલકોની ભારે ભીડને કારણે નિર્ણય
નવા મોટર વ્હીકલ એક્ટ બાદ રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં વાહન ચાલકોની ભીડ વધી ગઈ છે. અત્યાર સુધી ઘણા વાહનચાલકો વાહન અંગેના પૂરતા દસ્તાવેજ વિના જ વાહન ચલાવતા હતા. આથી એ તમામ આરટીઓમાં પહોંચતા ભીડ થાય છે.આરટીઓમાં આરસી બુક, ડ્રાઈવિંગ લાઈસન્સ, ફિટનેસ વગેરેના જરૂરી કામકાજ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો લાગી છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ વિજય રૂપાણી સરકારે રાજ્યના લોકોને નવા મોટર વ્હીકલ એક્ટના અમલ બાબતે આંશિક રાહત આપી હતી. સરકારની જાહેરાત પ્રમાણે નવા મોટર વ્હીકલ એક્ટના અમલની મુદત 15 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here