દિયોદર: લાખણી તાલુકાના આગથળા ગામે અઢી વર્ષ અગાઉ દારૂ પીધેલી હાલતમાં પતિ ઘરે આવતા પત્નીએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને કેરોસીન છાંટી જીવતી સળગાવતા પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન કોર્ટમાં મંગળવારે દિયોદર ખાતે ચાલી જતા મૃતકના ડીડી અને પુરાવાના આધારે ન્યાયાધીશ દ્વારા પતિને આજીવન કેદ અને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવતા કોર્ટ સંકુલમાં સન્નાટો છવાયો હતો.
આ અંગેની વિગત અનુસાર લાખણી તાલુકાના આગથળા ગામે 15 ફેબ્રુઆરી-2017 ના રોજ પરેશજી પ્રધાનજી ઠાકોર આગથળા ગામે પોતાના ઘરે દારૂ પીધેલી હાલતમાં આવ્યા હતા. આ અંગે તેમના પત્ની રેખાબેન દ્વારા ઠપકો આપતા પરેશજીએ ઉશ્કેરાઈ જઇ રેખાબેનને કેરોસીન છાંટી સળગાવી દિધી હતી. જેથી રેખાબેનને સારવાર અર્થે ડીસા તેમજ મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મામલતદાર રૂબરૂ મરણોત્તર રેખાબેનનું ડીડી લેવામાં આવ્યું હતું. આ અંગે આગથળા પોલીસ મથકે પતિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
જે અંગેનો કેસ એડિશનલ સેશન કોર્ટ દિયોદર ખાતે મંગળવારે ચાલી જતા સરકારી વકીલ ડી.વી.ઠાકોરની દલીલો તથા મૃતકના ડાઇંગ ડેકલેરેશન તથા મૃતકની માતાની જુબાની ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન્સ જજ જે.એન.ઠક્કર દ્વારા આરોપી પતિ પરેશજી પ્રધાનજી ઠાકોરને આ ગુનામાં કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને પાંચ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે દિયોદર કોર્ટ સંકુલમાં સન્નાટો છવાયો હતો.