દશેરા : સુરત : ફાફડા-જલેબી માટે લાઈનો, ફાફડાના ભાવમાં પ્રતિકીલોએ રૂપિયા 20નો વધારો.

0
3

આજે દશેરા પર્વને લઇ શહેરની તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી જ ફાફડા-જલેબીની ખરીદી માટે ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી છે. દશેરાના પર્વે ચાલી આવતી વર્ષો જૂની પરંપરા આ વર્ષે પણ અવિરતપણે જોવા મળી છે. કોરોનાની મહામારી વચ્ચે પણ ચાલુ વર્ષે દશેરા પર્વની ઉજવણી કરવા સુરતીએ વહેલી સવારથી ફાફડા જલેબીની જ્યાફ્ટ માણવા ફરસાણની દુકાનો પર દોટ મૂકી હતી. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકોમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું વેપારીઓ કહી રહ્યા છે. દુકાનદારોનાના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે 4 કરોડના ફાફડા-જલેબી વેચાણનો અંદાજ મૂકવામાં આવ્યો છે. જે ગત વર્ષે 6-7 કરોડનું વેચાણ હતું.

સવારે 6 વાગ્યાથી લાઈનો લાગી

દર વર્ષે દશેરા પર્વ નિમિત્તે સુરતીલાલાઓ લાખો-કરોડો રૂપિયાના ફાફડા જલેબી આરોગી જાય છે. આ વર્ષે ભલે કોરોનાની મહામારી હોય પરંતુ સુરતીઓ એકેય અવસર મનાવવામાં કયારેય ચૂકતા નથી. જ્યાં આજ રોજ દશેરા પર્વ નિમિતે શહેરમાં ફરસાણની દુકાનો પર વહેલી સવારથી ફાફડા જલેબીની ખરીદી માટે ગ્રાહકીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારના છ વાગ્યાથી ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળી છે.

ફાફડા-જલેબી પેકિંગમાં જ આપવામાં આવી રહી છે
(ફાફડા-જલેબી પેકિંગમાં જ આપવામાં આવી રહી છે)

 

ફાફડાના ભાવમાં પ્રતિકીલોએ રૂપિયા 20નો વધારો

કોરોનાની મહામારી વચ્ચે દુકાનો પર સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન થાય તે માટે સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. આ વર્ષે સીંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. જેના પગલે માત્ર ફાફડાના ભાવમાં પ્રતિકીલોએ રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે શુદ્ધ ઘીની જલેબીના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.દર વર્ષે દશેરા પર્વે ફાફડા જલેબીની જ્યાફ્ત માણવાની પરંપરા ચાલી આવી છે. જેનું ચલણ ચાલુ વર્ષે પણ જોવા મળી રહ્યુ છે.

ફાફડાના ભાવમાં વધારો અને જલેબીના ભાવમાં વધારો કરાયો નથી
(ફાફડાના ભાવમાં વધારો અને જલેબીના ભાવમાં વધારો કરાયો નથી)

 

પેકિંગમાં ફાફડા-જલેબીનું વેચાણ

ગાઈડલાઈન મુજબ પેકિંગ કરી વેચાણ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જેના પગલે ફરસાણની દુકાનો પર ગ્રાહકોને પેકિંગમાં ફાફડા-જલેબી આફવામાં આવી રહી છે. વહેલી સવારથી જ ફાફડા અને જલેબીનું વેચાણ શરૂ થઈ ગયું છે. દુકાનદાર હાથમાં ગ્લવ્સ અને માસ્ક પહેરી લોકોને વસ્તુ આપી રહ્યા છે.

15-20 હજાર કિલો જલેબી અને 20-35 હજાર કિલો ફાફડા વેચાણની શક્યતા

સુનિલ ભજીયાવાળા(દુકાનદાર)એ જણાવ્યું હતું કે, આજે દશેરાના પર્વને લઈ સુરતમાં લગભગ 15-20 હજાર કિલો જલેબી અને 20-35 હજાર કિલો ફાફડા વેચાઈ જાય તો નવાઈની વાત ન કહેવાય. સુરતમાં લગભગ 400 જેટલી ફરસાણની દુકાનો છે અને 600 જેટલી આજના દિવસ માટે વેપાર કરતા લોકોની ગણતરી કરીયે તો લગભગ 4 કરોડથી વધારેની કિંમતના ફાફડા જલેબી ખવાય જતા હોય છે.