ધ્રાંગધ્રા : લોભામણી સ્કીમ આપી ખાતેદારો સાથે 9.71 લાખની ઠગાઈ કરી : યુવાનિધિ બેન્કના MD સહિત 9 સામે ફરિયાદ

0
5

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલી અને રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા માન્યતા પ્રાપ્ત યુવાનિધિ કંપની નામની પ્રાઇવેટ બેંક ખોલી ખાતેદારોને અલગ અલગ જાતની લોભામણી અને વધારે વ્યાજની સ્કીમો આપીને કરોડો રૂ.નું રોકાણ કર્યા બાદ આ બેંક દ્વારા ખાતેદારોને ચુંકવણુ ન કરાતા ધ્રાંગધ્રા શહેરની છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ આ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર સહિત કુલ નવ શખ્સો સામે ધ્રાંગધ્રા સીટી પોલિસ સ્ટેશનમાં રૂ. 9.71 લાખની છેતરપિંડીની પોલિસ ફરિયાદ દાખલ કરાતા આ મુદો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

યુવાનિધિ કંપનીએ મીની બચત બેંકની શાખા શરૂ કરી હતી

સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા શહેરની યુવાનિધિ કંપની નામની રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની માન્યતા પ્રાપ્ત મીની બચત બેંકની શાખા શરૂ કરવામાં આવી હતી. અને આ યુવાનિધિ બેંકમાં સેવીંગ, ડેઇલી, મંથલી, રિકરીંગ, ફિક્સ ડિપોઝીટ અને એકથી પાંચ વર્ષની ડિપોઝીટ સ્કીમમાં ધ્રાંગધ્રા શહેરના અને ગ્રામ્ય વિસ્તારના 350 જેટલા લોકોએ પોતાની જીંદગીભરની કમાણીનું રોકાણ કર્યું હતુ. થોડા સમય સુધી તો આ બેંક દ્વારા ખાતેદારોને સમયસર રીફંડ આપવામાં આવ્યું હતુ અને બે વર્ષ બાદ ચુકવણું નહીં કરી બેંકને ખંભાતી તાળા લગાવી દેવામાં આવ્યા હતા.

ટૂંકા સમયગાળામાં પોતાની રકમ મળી જશે એવી સાંત્વના આપી હતી

આ બેંકના ખાતેદારો અમદાવાદ મેઇન ઓફિસમાં ધરમધક્કા ખાતા તેઓને ટૂંકા સમયગાળામાં પોતાની રકમ મળી જશે એવી સાંત્વના આપવામાં આવી હતી. પરંતુ આ વાતને પણ ખુબ સમય વિતવા છતાં ભોગ બનેલા આ બેંકના ખાતેદારોએ કંટાળી જઇને ધ્રાંગધ્રા સીટી પોલિસ સ્ટેશને પુરાવાઓ સાથે ફરિયાદ નોંધાવી હતી. હાલમાં તો ધ્રાંગધ્રા શહેરની ભાર્ગવી સોસાયટીમાં રહેતા શોભનાબેન લાલજીભાઇ પનારાએ પોતાના અને અન્ય લોકોના મળીને રૂ. 9,71,433 રોકાણ કરેલા પરત ન ચુકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની આ બેંકના મેનેજિંગ ડાયેરેક્ટર (એમ.ડી.) સહિત કુલ નવ શખ્સો સામે ધ્રાંગધ્રા સીટી પોલિસ મથકમાં ફરિયાદ દાખલ કરતા આ મુદો ટોક ઓફ ધ ધ્રાંગધ્રા ટાઉન બનવા પામ્યો હતો.

ફરિયાદમાં નોંધાયેલા આરોપીઓના નામ

1) અતુલ સિંઘ ( ચીફ મેનેજિંગ ડાયરેક્ટર )
2) સુરેન્દ્રસિંહ રાજપૂત ( મેનેજિંગ ડાયરેક્ટર )
3) રવિન્દ્રસિંઘ ( મેનેજિંગ ડાયરેક્ટર )
4) મેહૂલ વ્યાસ ( મેનેજિંગ ડાયરેક્ટર )
5) રાકેશરાય ( એચઓડી )
6) પી.કે.સિંઘ ( સી.ઓ. )
7) અંજલી તોમર ( કેશિયર કમ ક્લાર્ક )
8) સુશીલ શ્રીવાસ્તવ ( ડેપ્યુટી એમ.ડી. )
9) અજીત શ્રીવાસ્તવ ( કેશિયર )

જી.પી.આઇ.ડી.એક્ટ હેઠળ કાર્યવાહી કરી તમામ ખાતેદારોના નિવેદનો લેવાશે : રાજેન્દ્ર બી.દેવધા ( ડીવાયએસપી- ધ્રાંગધ્રા )

આ કેસના આરોપીઓની મિલ્કતોની વિગતો એકત્ર કરી કોર્ટને સોંપી નામદાર કોર્ટના હુકમ બાદ મિલ્કત જપ્ત કરી એ જપ્ત કરેલી મિલ્કતની હરાજીમાંથી ભોગ બનનારા ગ્રાહકોના નાણા ચુકવી શકાય એ પ્રકારનો જી.પી.આઇ.ડી.એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આ કેસમાં ભોગ બનનારા તમામ ગ્રાહકોના નિવેદનો લઇ આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની અટક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.