લોકડાઉન 4.0 – રાજ્યમાં આવતીકાલથી સવારે 8થી સાંજે 6 સુધી એસટી સેવા શરૂ થશે, સમય કરતા 30 મિનિટ વહેલું પહોંચવું પડશે

0
0

અમદાવાદ અને સુરત સિવાયના અન્ય જિલ્લાઓમાં એસટી સેવા શરૂ થશે
સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં બસ ચાલુ થશે
મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો તેને બસમાં બેસવા દેવામાં આવશે નહીં
દરેક ટ્રીપ પછી બસને ફરજિયાત સેનેટાઇઝ કરવામાં આવશે

ફાઇલ તસવીર

સીએન 24, ગુજરાત

અમદાવાદ. લોકડાઉન 4માં રાજ્ય સરકારે કેટલીક છૂટછાટ આપી છે. ત્યારે એસટી બસને પણ તેમાં અમદાવાદ અને સુરત સિવાયના અન્ય જિલ્લાઓમાં મંજૂરી આપવામાં આવી છે. આ મામલે એસટીએ જણાવ્યું છે કે, બુધવારથી સમગ્ર રાજ્યમાં એસટી બસ ચાલુ કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ સમગ્ર રાજ્યમાં બસ સેવા ચાલુ રહેશે. જેમાં પાંચ જેટલા ઝોનમાં આ સેવા શરૂ કરવામાં આવશે. હાલ અમદાવાદ જિલ્લા સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં બસ સેવા શરૂ કરવામાં આવશે. ગાંધીનગરથી અમદાવાદ અને આંતરરાજ્ય બસ સેવા સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોન, કચ્છ ઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન અને મધ્ય ગુજરાત એમ પાંચ ઝોનમાં વહેંચવામાં આવી છે. જેમાં મોટી બસમાં 30 મુસાફરો અને મિની બસમાં 18 મુસાફરો મુસાફરી કરી શકશે.

પાંચ ઝોનમાં બસ સેવા ચાલુ થશે
રાજ્યના પાંચ ઝોનમાં એસ.ટી. સેવા શરૂ કરવામાં આવશે. જેમાં ઉત્તર ઝોનમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરનો સમાવેશ થશે. મધ્ય ઝોનમાં ખેડા, પંચમહાલ, મહીસાગર, વડોદરા, દાહોદ, આંણદ, છોટાઉદેપુર વગેરે જિલ્લામાં બસ દોડશે. દક્ષિણ ઝોનમાં સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, નર્મદા જિલ્લામાં બસ સેવા કાર્યરત થશે. સૌરાષ્ટ્ર ઝોનમાં રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, બોટાદ, ભાવનગર, અમરેલી, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથમાં બસ સેવા ચાલુ કરવામાં આવશે. તેમજ કચ્છ ઝોનમાં ભુજથી ઉત્તર ઝોન અને સૌરાષ્ટ્ર ઝોનના મુખ્ય શહેરોને બસથી જોડી તેનું સંચાલન કરવામાં આવશે.

બસમાં 60 ટકા મુસાફરો જ બેસશે
આ ઉપરાંત તકેદારીના ભાગરૂપે તમામ બસ સ્ટેન્ડ પર થર્મલ સ્કેનર દ્વારા મુસાફરોનું તાપમાન માપવામાં આવશે. તમામ મુસાફરોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. જો કોઇ મુસાફરે માસ્ક નહીં પહેર્યું હોય તો તેને બસમાં બેસવા દેવામાં આવશે નહીં. કોઇ પણ પ્રવાસી બસમાં બેઠાં પછી બારીમાંથી બહાર થૂંકી શકશે નહીં અથવા પાનની પીચકારી મારી શકશે નહીં.

ઓનલાઇન ટિકિટ બુક કરાવવા અપીલ
મુસાફરો વધુમાં વધુ ઈ-ટિકિટ અથવા મોબાઈલ ટિકિટ મારફતે મુસાફરી કરે તે માટે રાજ્ય સરકારે અપીલ કરી છે. તેમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ન પડે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે રીતે બસ સ્ટેન્ડના ટિકિટ કાઉન્ટર પરથી તેમજ બસમાં કંડક્ટર પાસેથી પણ ટિકિટ મેળવી શકશે. મુસાફરે સવારીના 30 મિનિટ પહેલા બસ સ્ટેન્ડ પર પહોંચવું પડશે. બસમાં માત્ર 60 ટકા મુસાફરો જ મુસાફરી કરી શકશે અને દરેક ટ્રીપ પછી બસને યોગ્ય રીતે સેનેટાઇઝ કરવામાં આવશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here