લૉકડાઉન ઈફેક્ટ : આર્થિક તંગીને કારણે ‘બિગ બોસ’ ફૅમ પ્રીતમ સિંહે મુંબઈ છોડવું પડ્યું હતું

0
12

કોરોનાવાઈરસને કારણે લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું અને તેને કારણે માત્ર સામાન્ય લોકોને જ નહીં, પરંતુ ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલા લોકોને પણ આર્થિક ફટકો પડ્યો છે. ‘બિગ બોસ’ ફૅમ પ્રીતમ સિંહે પણ આર્થિક કટોકટીનો સામનો કરવો પડ્યો હતો. હાલમાં જ પ્રીતમે કહ્યું હતું કે લૉકડાઉનને કારણે તેના અનેક પ્રોજેક્ટ્સ અટકી પડ્યા હતા. આ જ કારણે તેણે ડિપ્રેશન તથા આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, તેણે એમ પણ કહ્યું હતું કે એક સમયે તેણે મુંબઈ પણ છોડી દીધું હતું.

આર્થિક સ્થિતિ ઘણી જ ખરાબ થઈ ગઈ હતીઃ પ્રીતમ સિંહ
પ્રીતમ સિંહે કહ્યું હતું, ‘2019માં મેં રેડિયો જૉકીની નોકરી છોડી દીધી હતી. તે સમયે મને ટીવી પર અઢળક કામ મળતું હતું. આ સાથે જ એન્કરિંગની પણ ઑફર્સ આવતી હતી. મને લાગ્યું કે મારું ભવિષ્ય ઉજ્જવળ છે. આથી જ મેં નોકરી છોડવાનો નિર્ણય કર્યો હતો. જોકે, 2020ની શરૂઆતમાં કોરોનાને કારણે સ્થિતિ વણસી ગઈ હતી. મારી હાલત ઘણી જ ખરાબ થઈ ગઈ હતી. મેં જે પ્લાનિંગ કર્યું, તે બધું જ નિષ્ફળ ગયું અને તમામ પૈસા અટવાઈ ગયા. હું તે સમયે ગંભીર રીતે ડિપ્રેશનનો શિકાર બન્યો હતો. ઘરમાં હું એકમાત્ર કમાનાર વ્યક્તિ છું. તે સમયે હું તેવી મનોસ્થિતિમાં હતો કે મને સતત મારા પરિવાર માટે જ ડર રહેતો હતો.’

પ્રીતમ મુંબઈ છોડીને પરિવાર સાથે નાગપુર જતો રહ્યો હતો
પ્રીતમે આગળ કહ્યું હતું, ‘સૌથી સારી વાત એ છે કે હું સેલિબ્રિટી હોવાનો ભાર લઈને ચાલ્યો જ નથી. હું થોડા મહિને મુંબઈ છોડીને પરિવાર સાથે નાગપુર જતો રહ્યો હતો. અહીંયા મેં મજબૂરીમાં મારું કામ શરૂ કર્યું હતું. મેં અહીંયા એક હોટલ શરૂ કરી હતી. અહીંયા હું જ કુક, વેટર હતો. જાતે જ વાસણો ઘસતો હતો. તંદૂરમાં ચિકન પણ બનાવતો હતો. આટલું જ નહીં ક્યારેક તો હું જ ડિલિવરી માટે પણ જતો હતો. મને આ બધું કરવામાં ક્યારેય શરમ આવી નહોતી. પરિસ્થિતિ થોડી સુધરી પણ પછી પાછું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. મારે હોટલ બંધ કરવી પડી. એક વર્ષ નાગપુરમાં રહ્યા બાદ હું પાછો મુંબઈ આવી ગયો હતો. આ દરમિયાન એકાદ-બે શોમાં કામ કર્યું, પરંતુ આર્થિક સ્થિતિ માટે હોટલ પર જ નિર્ભર હતો. મેં મારી તમામ બચત તેમાં લગાવી દીધી હતી. એક વર્ષથી વધુ સમય થઈ ગયો, ઈન્ડસ્ટ્રી બંધ છે અને કામ નથી તો પૈસા ક્યાંથી આવશે?

પત્ની સાથે પ્રીતમ
પત્ની સાથે પ્રીતમ

પ્રીતમ ભગવાન હનુમાનજીનો ભક્ત
પ્રીતમે એમ પણ કહ્યું હતું કે આ ખરાબ સમયમાં તે વધુ આધ્યાત્મિક થયો છે. પ્રીતમના મતે, ‘હું ભગવાન હનુમાનજીનો ઘણો જ મોટો ભક્ત છું. તેમનું નામ લેવા માત્રથી મને સારું ફિલ થાય છે. હવે મને કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન નથી. દરેક સ્થિતિમાં જાતને સંભાળવાની હિંમત છે. હવે હું બહુ જ પોઝિટિવ થઈ ગયો છું. પોઝિટિવિટીએ મારી દુનિયા બદલી નાખી છે.’ ઉલ્લેખનીય છે કે પ્રીતમને ‘પ્રીતમ પ્યારે’ના નામથી ઓળખવામાં આવે છે. તે ‘બિગ બોસ 8’ના ફાઈનલિસ્ટમાંથી એક હતો. આ શો ગૌતમ ગુલાટી જીત્યો હતો. પ્રીતમે 25 લાખ રૂપિયા લેવાની ઓફર સ્વીકારીને શો છોડી દીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here