અભૂતપૂર્વ જનતા કર્ફ્યૂ : આજથી બુધવાર સુધી લોકડાઉન દુકાન, ઓફિસ ખુલ્લી રાખનારાને સીધા જેલમાં ધકેલી દેવાશે

0
15

અમદાવાદઃ કોરોના વાઈરસનો ફેલાવો રોકવા જનતા કર્ફ્યૂને લીધે સમગ્ર અમદાવાદ જડબેસલાક બંધ રહ્યું હતું. 1960માં અપાયેલા જનતા કર્ફ્યૂના એલાનમાં આવી સ્થિતિ જોવા મળી હતી. 60 વર્ષ પછી અમદાવાદીઓએ આવું બંધ જોયું. શહેરના રોડ પર વાહન અને માણસોની જગ્યાએ કબૂતરની વસતી જોવા મળી હતી. શિવરંજની પાસેની આ તસવીર શહેરના દરેક વિસ્તારમાં રહેલા બંધનું પ્રતિબિંબ પાડે છે. જનતા કર્ફ્યૂ પછી હવે 25 માર્ચ સુધી શહેરને લોક ડાઉન કરાશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીએ કહ્યું કે, સોમવારથી શહેરના તમામ બજારો અને દુકાનો બુધવાર સુધી બંધ રહેશે. તેમણે ચેતવણી આપી હતી કે, દુકાન કે ઓફિસ બંધ નહીં કરનારા સામે પોલીસ ફરિયાદ કરી સીધા જેલમાં ધકેલી દેવામાં આવશે. દુકાનો અને બજારો ખૂલે નહીં તેની તકેદારી રાખવા કે ખૂલેલી દુકાનો-બજારો બંધ કરાવવા કોર્પોરેશને 400 ટીમ બનાવી છે જે શહેરભરમાં ગોઠવાઈ જઈ કડકાઈથી અમલ કરાવશે.

કોરોના સેનાનીઓને થાળી, તાળી અને શંખનાદથી વધાવી લેવાયાં
સાંજે પાંચના ટકોરે જ શહેરના એકે એક ફ્લેટ, સોસાયટી, હાઈરાઈઝ બિલ્ડિંગોથી માંડી પોળોમાં કોરોના સામે લોકોને રક્ષણ આપતાં મેડિકલ કર્મીઓને વધાવી લેવાયા હતા. બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં લોકોએ બાલ્કનીમાં આવી થાળી-તાળીના નાદથી સલામી આપી હતી.

110 વિસ્તારમાં 4 કરોડ લિટર એન્ટિ વાયરલ દવાનો છંટકાવ

કોરોનાના વાઈરસનો નાશ કરવા મ્યુનિ.એ ફાયરના સાધનોથી શહેરના 110 સ્થળે 4 કરોડ લિટર એન્ટિ વાયરલ દવાનો છંટકાવ કર્યો હતો. ફાયર ટેન્ડરની પાઈપ સાથે બ્લોઅરની 16 નોઝલ 100 કિલો પ્રેશરથી અઢી મિનિટમાં 40 લિટર દવા છંટાઈ હતી. એક ફાયર ટેન્ડરમાં 10થી 15 હજાર લિટર પાણીમાં દવા ઉમેરાઈ હતી. નહેરુનગરથી અભિયાન શરૂ થયું હતું.

સ્પીપા-સ્પોર્ટ્સ હોસ્ટેલમાં હોબાળો

શનિવારે મધરાતે આવેલી વિવિધ ફલાઈટના કુલ 591 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જે પૈકી 242 લોકોનું કોરન્ટાઈન ક્વોરન્ટાઈનમાં મૂકી દેવાયા હતા. આમાંંથી 100 લોકોને સ્પીપા ખાતે જ્યારે અન્યોને નિકોલની સ્પોર્ટ્સ હોસ્ટેલમાં ખસેડાયા હતા. આ બંન્ને સ્થળે પૂરતી સુવિધા નહીં હોવાથી વિદેશથી આવેલા લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પૂરતી વ્યવસ્થાની માંગ કરી હતી. આ પછી મ્યુનિ.દ્વારા અહીં વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હતું.

પાલડીઃ મ્યુનિ.ના કન્ટ્રોલ રૂમમાંથી જનતા કર્ફ્યૂનું સતત મોનિટરિંગ

પાલડીમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના કન્ટ્રોલ રૂમમાંથી જનતા કર્ફ્યૂ દરમિયાનની પરિસ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. જેથી જરૂરી સૂચના આપી શકાય.

પ્રવેશ નિષેધઃ કાલુપુર ચોખા બજારમાં રોડની બંને બાજુ હાથલારીને આડશ બનાવી બંધ પાળવામાં આવ્યો

જનતા કર્ફ્યૂને લીધે અમદાવાદના નાના-મોટા બજારો સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. કાલુપુર ચોખા બજારમાં ચોખાની ગુણો લાવવા-લઈ જવા ઉપયોગમાં લેવાતી લારીઓ બજારની બંને બાજુ આડી મૂકી દઈ બજાર સંપૂર્ણ બંધ હોવાનું પ્રતીક કરાવવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here