ભાવનગર : વલ્લભીપુરના લોલીયાણા ગામની મહિલાનું શંકાસ્પદ કોંગો ફિવરથી મોત

0
0

ભાવનગર: ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં શંકાસ્પદ કોંગો ફિવરથી મહિલાનું મોત નીપજ્યું છે. ભાવનગર જિલ્લાનાં વલ્લભીપુર તાલુકાના લોલીયાણા ગામની મહિલાને તાવ આવતાં સર ટી. હોસ્પિટલમાં કોંગો ફિવરનાં શંકાસ્પદ કેસ તરીકે સારવાર શરૂ કરાઇ હતી. આ મહિલાનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે વલ્લભીપુર તાલુકાનાં દાત્રાટીપા ગામનાં 42 વર્ષનાં દર્દીનો એક કેસ કોંગો ફિવર પોઝિટીવ આવ્યો હતો અને આ દર્દી હાલ અમદાવાદ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

ભાવનગરમાં અત્યાર સુધીમાં કોંગો ફિવરથી 7ના મોત

32 વર્ષની મુસ્લિમ મહિલાને કોંગો ફિવરની શંકાને લઇને તા.28ના રોજ ભાવનગરની સર ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર ચાલુ હતી તે દરમિયાન તેના રિપોર્ટ માટેના નમૂના લઇને પુના લેબોલેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા. તે દરમિયાન તા.30ના રોજ તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. તેથી હાલ આ દર્દીનું મોત શંકાસ્પદ કોંગો ફિવરના દર્દી તરીકે થયું છે. પરંતુ તેને કોંગો ફિવર હતો કે કેમ તે રિપોર્ટ આવ્યા બાદ કહી શકાશે તેમ સર ટી. હોસ્પિટલના સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોંગો ફિવરથી 7ના મોત થયા છે. સૌરાષ્ટ્રમાં ભાવનગરમાં કોંગો ફિવરની અસર વધુ જોવા મળી છે. ભાવનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોંગો ફિવરની વધુ અસર જોવા મળી રહી છે. કોંગો ફિવર ઇતરડી કરડવાથી થાય છે.

ગઇકાલે રાજકોટમાં બે વર્ષની બાળાનું તાવમાં મોત

મૂળ મધ્યપ્રદેશના અને છેલ્લા થોડા સમયથી રાજકોટમાં જુદી જુદી નવી બનતી ઇમારતોમાં મજૂરીકામ કરી પેટિયું રળતા દિનેશભાઇ ધીરુભાઈ ભુરીયા નામના આદિવાસી પ્રૌઢ હાલ અયોધ્યા ચોક પાસે નવી બનતી બિલ્ડીંગ સિતારા હાઈટ્સમાં મજૂરીકામ કરતા હતાં અને ત્યાં જ રહેતા હતાં. તેમની બે વર્ષીય દીકરી સોનલને છેલ્લા પાંચેક દિવસથી તાવ આવતો હોવાથી નજીકમાં આવેલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં બાળકીનું મોત તાવથી થયું હોવાનું જાણવા મળ્યું છે. ચાર ભાઈઓની એકની એક બહેનના મોતથી આદિવાસી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

વરસાદ બાદ રોગચાળો વકર્યો, ડેંગ્યુના કેસમાં વધારો નોંધાયો

વરસાદે વિરામ લેતાં જ રોગચાળો વકર્યો છે. વરસાદી પાણી, ગંદકી તેમજ ખુલ્લા પાણીના ખાબોચીયામાંથી ઉદભવતા મચ્છરોના કારણે રોગચાળો વકર્યો છે અને ડેંગ્યુના કેસમાં પણ વધારો થયો છે. દર વર્ષ કરતાં આ વર્ષે ડેંગ્યુનાં કેસમાં નોંધપાત્ર સંખ્યામાં વધારો નોંધાયા છે. તબીબોના જણાવ્યા અનુસાર ડેંગ્યુ હેમરેઝીક શોકસીન્ડ્રોમ્સ મચ્છર કરડવાથી થાય છે. તેને એડીસ ઇજીપ્ત મોસ્કયુટોર તરીકે ઓળખવામાં આવે છે. દિવસના સમય દરમ્યાન આ મચ્છર કરડતા હોય છે. તબીબોએ વધુમાં જણાવ્યું હતું કે ડેંગ્યુ હેમરેઝીક શોક સીન્ડ્રોમ્સનો ભોગ બનનાર દર્દીને પ્રથમ તો સામાન્ય ડેંગ્યું થયો હોય તેવું લાગે છે. પરંતુ આ લક્ષણો ધરાવતા દર્દીઓને 24 કલાકમાં પ્લેટલેટ કાઉન્ટમાં એકથી દોઢ લાખનો અચાનક ઘટાડો થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here