અમદાવાદ : AMC કડક થતાં કોરોના ટેસ્ટિંગ માટે લાંબી લાઈનો, વસ્ત્રાપુરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા.

0
16

અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારના પગલે નાના મોટા બજારોમાં લોકોનો ઘસારો જોવા મળે છે. આ સમયે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અથવા સંપર્કમાં આવે તો કોરોનાંનો ગ્રાફ વધી શકે છે. તેવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હવે દુકાનદારો અને કર્મચારીઓના ટેસ્ટ કરવા સુચના આપી છે. પરંતુ આ બધી કવાયત બાદ પણ ટેસ્ટ માટે લાંબી લાઈન લાગી પણ આ જગ્યાએ ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી.

શહેરમાં વિવિધ જગ્યાએ ટેસ્ટિંગ

દિવાળીમાં લોકો નાની-મોટી ખરીદી કરવા માટે ઘરેથી નીકળે છે પણ તેઓ જ્યાં જાય છે, જે દુકાન કે ખરીદીના સ્થળ પર હાજર લોકો કોરોના સંક્રમિત હોય તો હજારો લોકો તેના ભોગ બની શકે છે. આ બધાની વચ્ચે AMCએ શહેરમાં આવા બજારો અને દુકાનોમાં કામ કરતા લોકોને ટેસ્ટ કરવા સૂચના આપી છે. શહેરમાં અલગ અલગ સ્થળે આ રીતે ટેસ્ટ કરવા માટે લોકો જઇ રહ્યા છે. શહેરમાં કોર્પોરેશન દ્વારા પણ રેપીડ ટેસ્ટ માટે ડોમ બનાવીને તાત્કાલિક રિપોર્ટ આપવામાં આવે છે.

વસ્ત્રાપુરમાં રેપીડ ટેસ્ટ કરાય છે

શહેરના વસ્ત્રાપુર તળાવ પાસે આ રીતે કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. પણ ત્યાં ટેસ્ટ કરવા માટે લાંબી લાઈન લાગેલી છે. આ લાઈનમાં અંદાજે 50 જેટલા લોકો ઉભા છે. જ્યાં લાઈનમાં કોઈ પણ કોરોના સંક્રમિત હોઈ શકે છે. પણ અહીંયા લોકો ડિસ્ટન્સ રાખવાના બદલે એકબીજાને લગોલગ ઉભેલા દેખાય છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાનો આંકડો 43,397 પર પહોંચ્યો

અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યા બાદ હવે કેસ ઘટવા લાગ્યા છે. ગઈકાલે 5 વાગ્યા સુધીમાં શહેર અને જિલ્લામાં કુલ 175 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 242 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 5 નવેમ્બરની સાંજથી 6 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 160 અને જિલ્લામાં 15 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 2 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 228 અને જિલ્લામાં 14 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 43,397 થયો છે. જ્યારે 38,630 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,915 થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here