વિદેશ પ્રેમ : 5 વર્ષમાં 1.77 લાખ સ્ટુડન્ટ અને 1.98 લાખ લોકો રોજગાર માટે વિદેશ ગયા

0
7

છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાંથી અભ્યાસ તેમજ રોજગાર માટે વિદેશ જતા નાગરિકોની સંખ્યામાં સતત વધારો થયો છે. જેમાં 1.77 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે તેમજ 1.98 લાખ લોકો રોજગારી માટે અમેરિકા, કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ગયા છે. જોકે સમગ્ર દેશમાંથી વાત કરીએ તો અન્ય રાજ્યોની સરખામણીમાં છેલ્લા 5 વર્ષમાં સૌથી ઓછા ગુજરાતીઓ વિદેશમાં જઈ સ્થાયી થયા છે, જ્યારે સૌથી વધારે કેરળ, તામિલનાડું તેમજ ઉત્તર પ્રદેશના લોકો વિદેશમાં સ્થાયી થયા છે.

2020માં સૌથી ઓછો લોકો વિદેશ ગયા
તાજેતરમાં જાહેર થયેલા 2016થી 2021 એટલે કે છેલ્લા 5 વર્ષમાં આંકડા અનુસાર, ગુજરાતમાંથી વર્ષ 2016માં 24 હજારથી વધુ, 2017માં 33 હજારથી વધુ, 2018માં 41 હજારથી વધુ, 2019માં 48 હજારથી વધુ ગુજરાતીઓ અભ્યાસ તેમજ રોજગાર માટે વિદેશમાં જઈને વસી ગયા છે. 2020માં કોરોનાને પગલે વિદેશ જનારની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. છેલ્લે 2020માં કોરોના સમયગાળામાં કુલ 23 હજારની આસપાસ લોકો ગુજરાતમાંથી વિદેશ ગયા હતા.

અમેરિકા, કેનેડામાં નવરાત્રી સહિતના ગુજરાતી તહેવારો ધૂમધામથી ઉજવાય છે
અમેરિકા, કેનેડામાં નવરાત્રી સહિતના ગુજરાતી તહેવારો ધૂમધામથી ઉજવાય છે

2021ના શરૂઆતથી ફરી વિદેશ યાત્રા શરૂ
જ્યારે 2021ની શરૂઆતના બે મહિનામાં 6 હજારની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા, કેનેટા, લંડન સહિતના દેશોમાં ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ વચ્ચે પણ 2020 કરતા 2021માં વિદેશ જનાર લોકોની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો છે. જોકે હજુ પણ ભારતમાંથી વિદેશ જઈને વસતા લોકોમાં ગુજરાતીઓ પાછળ છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ 2018-19ના વર્ષમાં વિદેશ જઈને વસનાર ગુજરાતીઓની સંખ્યા વધારે જોવા મળી હતી. બીજીતરફ 2020થી કોરોના મહામારીને પગલે હજરોની સંખ્યામાં લોકો વિદેશથી પોતાના વતન પરત ફર્યા છે. કેટલાકે તો હવે અહીં જ અભ્યાસ તેમજ પોતાનો કોઈ નાનો-મોટો બિઝનેસ શરૂ કરી દીધો છે.

નવરાત્રીના તહેવારોમાં ગુજરાતીઓની સાથે વિદેશીઓ પણ ગરબે ઘૂમતા હોય છે
નવરાત્રીના તહેવારોમાં ગુજરાતીઓની સાથે વિદેશીઓ પણ ગરબે ઘૂમતા હોય છે

વિદેશ જવા માટે સ્ટૂડન્ટ વિઝા ગેટપાસ બન્યો
વિદેશ જવા માટે મોટાભાગના ગુજરાતીઓ કોઈપણ ભોગે ત્યાં પહોંચી જવા આતૂર હોય છે. વિદેશ જવા માટે સ્ટૂડન્ટ વિઝા જાણે ગેટપાસ હોય તેમ દર વર્ષે મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. જોકે, વિદેશ જઈને ત્યાંની વાસ્તવિક સ્થિત જોતા આ વિદ્યાર્થીઓ પારવાર મુશ્કેલીમાં મુકાતા હોય છે. કારણકે, દેવું કરીને આવેલા આ વિદ્યાર્થીઓ ન તો ભારત પાછા આવવા લાયક રહે છે અને ન તો જે તે દેશમાં રહેવા લાયક.

2021માં વિદેશ જનાર લોકોની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો
2021માં વિદેશ જનાર લોકોની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો

આ 5 કારણોથી વિદેશમાં પણ ગુજરાતીઓની બોલબાલા
વિશ્વભરમાં રાજકારણ, વેપાર-ઉદ્યોગથી લઈને કળા-સાહિત્ય સુધીના વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતીઓનો ડંકો છે. આ ગુજરાતીઓ પર ગર્વ કરી શકાય એવા અનેક કારણો છે જેમાં પાંચ મુખ્ય છે.
પહેલું કારણ: ભારતની કુલ વસ્તીમાં ગુજરાતીઓનું પ્રમાણ ભલે 6 % હોય પણ અમેરિકાના કુલ ભારતીયોમાં 20 % ગુજરાતી છે. અમેરિકામાં 9.27 લાખ ગુજરાતીઓ વસે છે.
બીજું કારણ: અમેરિકામાં છેલ્લા 10 વર્ષમાં ગુજરાતી બોલનારા લોકોની સંખ્યામાં 26%થી વધુનો વધારો થયો છે. અમેરિકામાં સૌથી વધુ બોલાતી ભારતીય ભાષાઓમાં બીજા ક્રમે ગુજરાતી છે.
ત્રીજું કારણ: યુએસ-યુકેમાં ગુજરાતીઓની સંખ્યા 22 લાખથી વધુ છે. આ દેશોમાં સૌથી પોપ્યુલર સરનેમમાં 140 ક્રમે ‘પટેલ’ છે.
ચોથું કારણ: અમેરિકામાં આજે 17 હજારથી વધુ મોટેલ અને 12 હજારથી વધુ દવાની દુકાનો ગુજરાતીઓની માલિકીની છે. 1940માં અમેરિકામાં મૂળ દક્ષિણ ગુજરાતના કાનજી પટેલે મોટેલ શરૂ કરી હતી. આજે USમાં 40 ટકા મોટેલ ગુજરાતીઓની છે.
પાંચમુ કારણ: વિશ્વભરના દેશોમાં ફેલાયેલા ગુજરાતીઓ પાસે 58 લાખ કરોડ રૂપિયાથી વધુ ધન છે તથા ભારતના અબજોપતિઓની યાદીમાં સૌથી વધુ એટલે કે 58 ગુજરાતી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here