સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

0
20

અમદાવાદ- વહેલી સવારથી જ સમગ્ર ગુજરાતમાં વીજળીના કડાકાની સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આ સાથે કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની પણ સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હાલ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ૧૦૦ ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે અને વરસાવાનું અવિરત આવવાનું ચાલુ છે.

અમદાવાદમાં ૩ ઈંચ વરસાદ

અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. સમગ્ર રાત્રિ દરમિયાન ધીમી-ધારે વરસાદ વરસ્યા બાદ સવારથી જ અમદાવાદ પર મેઘરાજા જાણે કે મન મુકીને વરસી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે જ અમદાવાદમાં ૩ ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.

શહેરના એસજી હાઈવે, સેટેલાઈટ, જોધપુર, રાણીપ, ગોતા, શિવરંજની, વટવા, જીવરાજ પાર્ક, વેજલપુર, મણિનગર, રામોલ, સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના સરસપુરમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી ગયા હતા. જશોદાનગરથી એસપી રિંગ રોડ નિરમા સુધી અડધો પાણીમાં છે.

વડોદરામાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો

વડોદરા શહેરમાં રાત્રી દરમિયાન ૪ ઇંચ સુધી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વડોદરા શહેર સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે. આ સાથે જ વડોદરા શહેરના કેટલાક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અમદાવાદમાં ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે.

આજવા ડેમની સપાટીમાં વધારો થતાં વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે. કેચમેન્ટ એરિયામાં ભારે વરસાદને પગલે આજવા ડેમની સપાટી હાલ ૨૧૨.૭૫ ફૂટ ઉપર પહોંચી છે. અને વિશ્વામિત્રી નદીની સપાટી ૧૨.૭૫ ફૂટ ઉપર પહોંચી છે. ભારે વરસાદના કારણે એમ.જી. રોડ, રાવપુરા, દાંડિયા બજાર, અલકાપુરી, આજવા રોડ, કારેલી બાગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

મહેસાણા

મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. મહેસાણામાં સતત વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે સોમવારે પણ વરસાદ યથાવત રહેતા લોકોને અસહ્ય ઉકળાટથી રાહત મળી હતી.

અરવલ્લીમાં ૨ ઈંચ વરસાદ વરસ્યો

અરવલ્લી જિલ્લામાં રાતભર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં મોડાસા મેઘરજમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. ધનસુરામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ભિલોડા અને માલપુરમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. બાયડમાં પણ આજે સવારતી વરસાદ વરસી રહ્યો છે.

સુરત પણ વરસાદની કહેરમાં

સુરતમાં આજે ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે. સમગ્ર જિલલામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના બારડોલી, કામરેજ, માંડવી સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. બારડોલી પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪ ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. બારડોલીના સુગર મીલ નજીક આવેલ રેલવે અંડરપાસમાં પાણી ભરાયા છે. તો મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા છે.

વલસાડના ઉંમરગામ તાલુકામાં સતત નવમાં દિવસે વરસાદ

વરસાદની આ સ્થિતિ વલસાડમાં પણ યર્થાવત જોવા મળી છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત નવમા દિવસે મેઘમહેર જોવા મળી રહી છે. તાલુકાના તમામ ચેકડેમ અને નદીનાળા છલકાયા ગયા છે. સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળતા રસ્તાઓ ધોવાયા છે, તેમજ વાહનચાલકોએ પરેશાની વેઠવી પડી રહી છે.

છોટાઉદેપુરમાં ૩ ઈંચ વરસાદ

છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં બોડેલી, સંખેડામાં ત્રણ ઈંચથી વધુ, નસવાડીમાં પોણા બે ઈંચની આસપાસ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના વરસાદના આંકડા

બોડેલીમાં-૭૫ મિ.મી., નસવાડીમાં ૫૦ મિ.મી., પાવી જેતપુરમાં ૫૦ મિ.મી. વરસાદ ખાબક્તો છે. આ ઉપરાંત છોટાઉદેપુર અને કવાંટમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

ઢાઢર નદી બે કાંઠે થઇ

ભારે વરસાદને પગલે વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદી હાલ બે કાંઠે વહી રહી છે. જેને પગલે કંટેશ્વર ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here