મચ્છુ ડેમ હોનારતને 41 વર્ષ પૂર્ણ, આજે પણ આ તસવીરો જોઈને આંખમાં આવી જશે આંસુ!

0
11

કદાપિ ન વિસરી શકાય તેવું મોતનું તાંડવ! યાદ કરતા આંખો ભીની થઇ જાય

મોરબી શહેરના ઇતિહાસમાં સૌથી વધુ કાળા ઇતિહાસ તરીકે ઓળખાતી. 11 ઓગસ્ટ 1979ની મરછુ જળપ્રલય દુર્ઘટનાની આજે વરસી છે. મોરબીને આંખના પલકારામાં સ્મશાન ભૂમિ બનાવીને ભારે વિનાશ લીલા વેરનાર મચ્છુની એ ઘટનાને યાદ કરીને આજે પણ લોકો ધ્રુજી જાય છે.

11 ઓગસ્ટ 1979ના એ દિવસે મોરબીમાં જનજીવન સામાન્ય હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદને કારણે મહાકાય મરછુ-2 ડેમ તૂટવાની સાથે મોરબીમાં મોતનું તાંડવ સર્જાયું. આજે આ ઘટનાને 41 વર્ષ પૂરા થયા છે. ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ જે ઘટનાને આજની તારીખે ભૂલ્યા નથી.

આજે 41 વર્ષ વીતી ગયા હોવા છતાં પણ હોનારતની તારીખ આવતા લોકોની આંખમાં આસુ આવી જાય છે. મોરબીમાં દર વર્ષે આ દિવસે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે કાર્યક્રમ મોફૂક રાખવામાં આવ્યો છે.

જળપ્રલયની ભયાનક ઘટના જેની યાદ માત્રથી આજની તારીખે લોકોના શરીરમાંથી કંપારી છૂટી જય છે જો કે, મોરબીના જળ હોનારતમાં માનવ મૃત્યુનો સાચો આંકડો તો આજની તારીખે બહાર આવ્યો નથી અને મચ્છુ ડેમમાંથી નીકળેલ પાણી મોરબી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યું હોવાથી હજારોની સંખ્યામાં લોકો મચ્છુના ધસમસતા પાણીમાં તણાઈ ગયા હતા અને મોતને ભેટયા હતા.

આટલું જ નહિ ગાય, ભેસ સહિતના દુધાળા પશુઓ ઉપરાંત અન્ય હજારો અબોલ જીવના પણ પાણીમાં તણાઈ જવાથી મોત નીપજતા શેરી ગલ્લીઓ તો ઠીક વીજપોલ ઉપર, મકાનની છત ઉપર, વૃક્ષની ડાળીઓ ઉપર જ્યાં નજર કરો ત્યાં લટકતી લાશો જ જોવા મળતી હતી.

સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર ઉપર લટકતી માનવ લાશો, હજારો જાનવરોના કોહવાય ગયેલા મૃતદેહો, ધ્વસ્ત થયેલા હજારો મકાનો, સ્વજનો તથા પોતાનું સર્વસ્વ ગુમાવી ચૂકેલા હજારો મોરબી વાસીઓની આંખમાં ડોકાતો ભય, નજર સામેથી ન હટતા પ્રલયના બિહામણા દ્રશ્યો, ડૂબી ગયેલા અને દબાઈને દટાઈ ગયેલા પરિવારજનોને બચાવવા માટેની આખરી ક્ષણની ચીચીયારીઓના દર્દનાક અવાજોથી મોરબી એક ખોફનાક સન્નાટાનું શહેર બનીને રહી ગયું.

જળહોનારતની ભયાનકતા અને તબાહીનું શબ્દોમાં વર્ણન કરવું અશકય છે. હોનારતમાં પોતાના સ્વજનને નજર સમક્ષ ગુમાવનાર પરિવારજનો ઘટનાને આજે પણ યાદ કરે છે ત્યારે તેમની આંખો ભીની થઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here