મધ્યપ્રદેશ : વેક્સિનના 2 ડોઝ લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા, 3 દિવસમાં તાવ પણ ઊતરી ગયો

0
7

મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાં સ્થિત ગાંધી મેડિકલ કોલેજના પેથોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉકટર પુનિત ટંડને વેક્સિનના બે ડોઝ લગાવ્યા. એન્ટિબોડીઝ પણ બન્યા, પરંતુ કોરોના ટેસ્ટ કરાવતાં તેઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જોકે ડૉ. ટંડન થોડાક જ સમયમાં કોરોના સંક્રમણથી સાજા થઈ ગયા હતા અને કહ્યું હતું કે વેક્સિન લીધા પછી સંક્રમણની અસર પણ સામાન્ય થઈ જાય છે અને રિકવરી પણ ઝડપી જોવા મળે છે.

મેં વેક્સિનના બન્ને ડોઝ લીધા

ડૉકટર ટંડને કહ્યું હતું કે મને કેન્સર ડાયગ્નોસિસમાં રસ છે અને એમાં હું લોન્ગ ટાઈમ રનર છું. મેં કોવિડ મહામારીની શરૂઆતથી જ સેંકડો આરોગ્યકર્મીઓને મહામારી સામે લડતા જોયા છે. બસ, હું એ વાતની રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે સાયન્ટિસ્ટ્સ આ વાયરસ સામે લડવા માટે રસી બનાવે. આ દિવસ પણ આવી ગયો, જ્યારે રસી બની પણ ખરી અને સરકારે ફ્રન્ટલાઈન હેલ્થવર્કરને રસી લેવા માટે જાહેરાત પણ કરી દીધી હતી. 15 જાન્યુઆરી મને ખબર પડી ને વેક્સિનેશનની પહેલી યાદીમાં મારું નામ પણ સામેલ છે. 16 જાન્યુઆરી 2021ના રોજ મેં વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો અને ત્યાર પછી 24 ફેબ્રુઆરીએ બીજો ડોઝ લીધો.

મને અચાનક સાંજે શરદી થઈ ગઈ

મેં પહેલા ડોઝથી લઈને બીજા ડોઝ વચ્ચેના 3 સપ્તાહ દરમિયાન એન્ટિબોડી ટેસ્ટ કરાવ્યો હતો. બીજા ડોઝ પછી એન્ટિબોડી પણ બનવા લાગ્યા હતા. 30 માર્ચ એટલે કે વેક્સિનના બીજા ડોઝ લીધાને 35મા દિવસે સવારે 10 વાગે મેં લોન્ગ રનિંગ પર જવાનો પ્લાન કર્યો. 6 કિમી રનિંગ કર્યા પછી મને થકાવટનો આભાસ થયો. જ્યારે મેં હાર્ટબીટ્સ માપ્યા તો એ 144/મિનિટ હતા, જ્યારે સામાન્ય રીતે મારા હાર્ટ બીટ્સ 10-12 BPM ઓછી હોય છે. જોકે તેમ છતાં હું કામ પર નીકળી ગયો હતો. સાંજે ઘરે આવતાંની સાથે મને શરદી થઈ અને થોડાક સમય પછી એટલે બીજા દિવસે મને તાવ આવ્યો. જેથી મેં મારો કોવિડ ટેસ્ટ કરાવ્યો અને રિઝલ્ટે મને પણ અચંબામાં મૂકી દીધો હતો.

મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પરંતુ ત્રીજા દિવસે તાવ ઊતરી ગયો

‘હું કોરોના સંક્રમિત હતો, મારી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો’, મને થયું કે મારામાં એન્ટિબોડી પણ બની ગયા છે, તો કેમ આમ થયું હશે? પછી મને વિચાર આવ્યો કે વેક્સિનેશન દરમિયાન મને એમ નહોતું કહેવાયું કે રસી લીધા પછી તમને કોરોના નહીં થાય. મારા ઘરમાં અન્ય સભ્યોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. મેં 2-3 દિવસ પેરાસિટામેલ લીધી તો ત્રીજા દિવસના અંતસુધીમાં તો હું સાજો થઈ ગયો હતો. મને અશક્તિ કે કોઈપણ પ્રકારની બીજા તકલીફો નહોતી. ટેસ્ટ રિપોર્ટ અને સીટી સ્કેન પણ સામાન્ય આવ્યા હતા. 4 દિવસ પછી જ્યારે મેં મારો રિપોર્ટ કરાવ્યો તો એ નેગેટિવ આવ્યો હતો, પરંતુ હા, મારા સ્વાદની અને સૂંઘવાની ક્ષમતા પર થોડી અસર જણાઈ રહી હતી. હું અત્યારે પણ ક્વોરન્ટીન નિયમોનું પાલન કરી રહ્યો છું અને સતત ડોકટરોના સંપર્કમાં છું.

વેક્સિનેશન બાદ પણ તમામ ગાઇડલાઇન્સને અનુસરો

મારો અનુભવ છે કે વેક્સિન લીધા પછી સંક્રમણ થઈ શકે છે, પરંતુ વિશ્વાસ કરો કે વેક્સિનેશન બાદ સંક્રમણની અસર એકદમ સામાન્ય હશે. મારું જ ઉદાહરણ લઈ લો, 7મા દિવસે તો મારો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ વેક્સિન ગંભીર સંક્રમણથી બચાવવા માટે સક્ષમ છે. આની સાથે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પણ એટલું જ જરૂરી છે. મારી શીખ તો મને આમ જ કહે છે કે તમામ ગાઈડલાઈન્સનું પાલન કરીને ચાલવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here