Tuesday, September 21, 2021
Homeમહારાષ્ટ્ર : જૂનથી અત્યારસુધીમાં ચોમાસામાં વિવિધ દુર્ઘટનામાં 228 લોકોનાં મૃત્યુ
Array

મહારાષ્ટ્ર : જૂનથી અત્યારસુધીમાં ચોમાસામાં વિવિધ દુર્ઘટનામાં 228 લોકોનાં મૃત્યુ

મહારાષ્ટ્રમાં આ વર્ષે જૂનથી અત્યારસુધીમાં ચોમાસામાં થયેલી વિવિધ દુર્ઘટનામાં 228 લોકોનાં મૃત્યુ થયાં છે. આ પૈકીના 28 લોકોનાં મૃત્યુ છેલ્લા 24 કલાકમાં થયાં છે, જ્યારે 149 લોકોનાં મૃત્યુ છેલ્લા 72 કલાક દરમિયાન થયાં છે.

આજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે જે જિલ્લાઓમાં ભયંકર વિનાશ થયો છે એમાંથી એક સતારા જિલ્લાના કોયનાનગર વિસ્તારની મુલાકાત કરવાના છે. CM ઓફિસના જણાવ્યા મુજબ, રાજ્યના 21 જિલ્લા હાલના સમયમાં ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. એને જોતાં ઉદ્ધવે 27 જુલાઈએ પોતાનો જન્મદિવસ ન ઊજવવાનો નિર્ણય કર્યો છે.

ઉદ્ધવ પૂર અસરગ્રસ્તોને મળશે
મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું હતું કે સતારા જિલ્લામાં ભારે વરસાદને કારણે પાટણ ભૂસ્ખલન થયું છે. આ સિવાય આંબેઘર અને મીરગાંવ પરિસરમાં પથ્થર ખસવાના સમાચાર છે. અહીં થયેલા નુકસાનની મુલાકાત લેવા માટે ઉદ્ધવ પુણેના કોયનાનગર વિસ્તારમાં હેલિકોપ્ટરથી રવાના થશે.

એ પછી તેઓ 11.40 વાગ્યે કોયનાનગર જિલ્લા પરિષદ પ્રાથમિક સ્કૂલમાં બનેલા રિલીફ કેમ્પમાં જઈને અસરગ્રસ્તોને મળશે. મુખ્યમંત્રી 12.15 વાગ્યે જિલ્લા પ્રશાસનની એક મહત્ત્વપૂર્ણ બેઠક પણ લેશે.

તલીયે ગામમાં અત્યારસુધીમાં 53 મૃતદેહ મળ્યા, 32 હજી પણ કાટમાળમાં દબાયેલા
આ દરમિયાન રાયગઢના તલીયે ગામમાં 22 જુલાઈની સાંજે 5 વાગ્યે થયેલા ભૂસ્ખલન પછી સતત પાંચમા દિવસે પણ રાહત અને બચાવ અભિયાન ચાલુ છે. NDRF, SDRF, TDRFની ટીમ સ્થાનિક લોકોની સાથે મળીને રાહતકાર્યમાં લાગી છે.

સોમવાર સવારે સુધીમાં 53 લોકોના મૃતદેહ મળ્યા છે. હજી પણ 32 લોકો કાટમાળની નીચે દબાયેલા છે. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે, તેમ તેમના જીવતા રહેવાની આશા ઘટી રહી છે. વરસાદ અને કીચડને કારણે અહીં બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી છે.

સૌથી વધુ મૃત્યુ રાયગઢમાં
મહારાષ્ટ્રમાં છેલ્લા 72 કલાક દરમિયાન 149 લોકોનાં મૃત્યુ થયાં છે. એમાં સૌથી વધુ 60 લોકોનાં મૃત્યુ રાયગઢ જિલ્લામાં જ થયા છે. આ સિવાય સતારામાં 41, મુંબઈ ઉપનગરમાં 4, સિંધુદુર્ગમાં 2, કોલ્હાપુરમાં 7, પુણેમાં 2, રત્નાગિરિમાં 21 અને થાણેમાં 12 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સિવાય જૂનથી અત્યારસુધીમાં લગભગ 100 લોકો ગુમ થયા છે.

NDRFની 25 ટીમ, નેવીની 5, આર્મીના 3, કોસ્ટ ગાર્ડની 2 ટીમ અને SDRFની 4 ટીમ હાલ પણ રાહત અને બચાવકાર્યમાં લાગેલી છે. આ એજન્સીઓ અત્યારસુધીમાં લગભગ 2.29 લાખ લોકોને બચાવીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. પૂરમાં 3,248 પશુનાં મૃત્યુ થયાં છે.

આ મોન્સૂનમાં 34 ટકા વધુ વરસાદ
મહારાષ્ટ્રમાં જૂન મહિનાની શરૂઆતથી લઈને અત્યારસુધીમાં લગભગ 34 ટકા વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 25 જુલાઈ સુધી મહારાષ્ટ્રમાં મોન્સૂનનો 469.8 મિમી વરસાદ થવાની શક્યતા હતી, જોકે વાસ્તવિક રીતે 34 ટકા એટલે કે 629.7 મિમી વરસાદ રેકોર્ડ થયો છે.

ઘાયલોને ઝડપથી સારવાર આપવાનો નિર્દેશ
રાજ્ય સરકાર તરફથી રાજેશ ટોપેએ સ્વાસ્થ્ય ઓથોરિટીને ઝડપથી ઘાયલ થયેલા લોકો સુધી સારવાર પહોંચાડવાના નિર્દેશ આપ્યા છે. પૂરથી ખરાબ રીતે પ્રભાવિત સિંધુદુર્ગ, કોલ્હાપુર, સાંગલી, સતારામાં તમામ જરૂરી સારવારના નિર્દેશ પણ સ્વાસ્થ્ય વિભાગ તરફથી આપવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments