મહારાષ્ટ્ર : એક્ટિવ કેસ 67 હજારને પાર, આ છેલ્લા 15 દિવસમાં બે ગણા થયા

0
5

દેશમાં કોરોનાના કેસમાં ઝડપી વધારાએ ફરીથી ચિંતા વધારી છે. કોરોનાના સૌથી વધુ દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. અહીં શુક્રવારે 8,333 નવા કેસ નોંધાયા હતા. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે અહીં આઠ હજારથી પણ વધુ દર્દી કોરોના પોઝિટિવ મળ્યા છે. અહીં એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 15 દિવસમાં જ બે ગણી થઈ ગઈ છે. શનિવારે આ આંકડો 67,608 થયો હતો, જ્યારે 11 ફેબ્રુઆરીએ તે 30,265 હતો.

સૌથી વધુ એક્ટિવ કેસમાં મહારાષ્ટ્ર ફરી એકવાર કેરળને પાછળ છોડી ગયું છે. હવે કેરળમાં 51,390 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. 24 જાન્યુઆરીએ આ સંખ્યા સૌથી વધુ 72,887 હતી.

24 કલાકમાં 16 હજારથી વધુ નવા દર્દીઓ મળ્યા

શુક્રવારે દેશમાં 16 હજાર 19 લોકોને કોરોના પોઝિટિવ મળ્યા હતા. 12 હજાર 361 લોકો સાજા થયા અને 109 લોકોનાં મૃત્યુ થયાં હતાં. અત્યારસુધીમાં 1 કરોડ 10 લાખ 79 હજારથી વધુ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 1 કરોડ 7 લાખ 61 હજારથી વધુ લોકો સાજા થઇ ચૂક્યા છે. જ્યારે 1 લાખ 56 હજાર 970 દર્દી મૃત્યુ પામ્યા છે. 1 લાખ 56 હજાર 413 દર્દીઓની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

કોરોનાં અપડેટ્સ

ગૃહ મંત્રાલયે કોરોનાની જૂની ગાઇડલાઇન્સને જ 31 માર્ચ સુધી જ અમલી બનાવવાનો નિર્ણય લીધો છે, જે દ્વારા કન્ટેન્મેન્ટ ઝોનમાં નજર રાખવામાં આવશે. લોકો ભીડમાં એકઠા નહીં થઈ શકે. કોરોના સંક્રમિતના સંપર્કમાં આવતા લોકોને ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આ સાથે અનેક પોઈન્ટ પણ સામેલ છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને વેક્સિનેશન વધારવા માટે પણ જણાવ્યું છે.

રાજસ્થાનમાં મહારાષ્ટ્ર અને કેરળથી આવતા લોકોએ RT-PCR ટેસ્ટ નેગેટિવ હોવાનો રિપોર્ટ બતાવવો જરૂરી રહેશે. આ બંને રાજ્યોમાં કોરોનાના એક નવા સ્ટ્રેનના દર્દી મળી આવ્યા બાદ રાજસ્થાન સરકારે આ નિર્ણય લીધો છે, જ્યારે શાળાના વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાવાથી પણ સરકારની ચિંતા વધારો થયો છે.

દેશનાં 18 રાજ્યમાં કોરોનાનો નવો સ્ટ્રેન ફેલાયો છે. આ સ્ટ્રેન યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી આવેલા છે. એના અત્યારસુધીમાં 194 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે દેશમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખતાં આ તમામ 18 રાજ્યોએ દેખરેખ શરૂ કરી દીધી છે. નેશનલ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ (NCDC)એ આ રાજ્યોમાંથી નવા સ્ટ્રેન સાથે સંકળાયેલા દર્દીઓ વિશે માહિતી અને તેમના સંપર્કમાં આવેલ લોકો વિશે પૂછ્યું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે આ 194 લોકોમાંથી 187 લોકોમાં યુકેનો સ્ટ્રેન મળ્યો છે. 6 દક્ષિણ આફ્રિકન અને એક બ્રાઝિલિયન સ્ટ્રેન છે. આરોગ્ય મંત્રાલયે આ તમામ રાજયોને ઇન્ટરનેશનલ પેસેન્જરનું મોનિટરિંગ વધારવા પણ જણાવ્યું છે. તેમાં મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, આસામ. પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, પંજાબ જેવાં રાજ્યો સામેલ છે.

દેશભરમાં 27 અને 28 ફેબ્રુઆરીએ વેક્સિનેશન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું હતું કે આ દિવસોમાં Co-Win મોબાઇલ એપ્લિકેશનને સામાન્ય લોકો માટે અપડેટ કરવામાં આવશે. આ મોબાઇલ એપ્લિકેશન દ્વારા સામાન્ય લોકો વેક્સિનેશન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે.

દેશમાં કોરોના વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત 1 માર્ચથી થશે. 10 હજાર સરકારી કેન્દ્રો અને 20 હજાર ખાનગી હોસ્પિટલોમાં વેક્સિન આપવામાં આવશે. આમાં 45 વર્ષથી વધુના બીમાર લોકો અને 60 વર્ષથી ઉપરના બધા જ લોકોને વેક્સિન આપવામાં આવશે.

જો આ વય જૂથના લોકો સરકારી કેન્દ્રોમાં જાય છે, તો તેમના માટે વેક્સિન મફત હશે, પરંતુ તેમને ખાનગી હોસ્પિટલોમાં રૂપિયાની ચુકવણી કરવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાનગી હોસ્પિટલ વેક્સિન ડ્રાઇવ દરમિયાન ઓપરેશનલ ફી તરીકે 100 રૂપિયા સુધીનો ચાર્જ લઈ શકે છે. જોકે ખાનગી હોસ્પિટલો દ્વારા વેક્સિનના ચાર્જ અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી.

એંપોવર્ડ ગ્રુપના ચેરમેન આર.એસ. શર્માએ જણાવ્યું છે કે 60 વર્ષથી વધુ વયના લોકો માટે કોઈ વધારાના દસ્તાવેજોની જરૂર નથી. તેમને આધારકાર્ડ દ્વારા પોતાની ઓળખ સાબિત કરવાની રહેશે. 45થી 60 વર્ષ સુધીના લોકોએ તેમની માંદગીનું પ્રમાણપત્ર બતાવવું પડશે.

6 રાજ્યની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર

શુક્રવારે રાજ્યમાં 8,333 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 4936 લોકો સાજા થયા અને 48 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 21 લાખ 38 હજાર 154 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. આમાં 20 લાખ 17 હજાર 303 લોકો સાજા થઇ ચૂક્યા છે, જ્યારે 52 હજાર 43 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. 67 હજાર 608 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. કેરળ

રાજયમાં શુક્રવારે 3,671 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 4142 લોકો સાજા થયા અને 14 લોકો મૃત્યુ પામ્યા હતા. અત્યારસુધીમાં 10 લાખ 52 હજાર 358 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાં 9 લાખ 96 હજાર 514 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4135 દર્દી મૃત્યુ પામ્યા છે. 51 હજાર 390 દર્દીઓ હજી સારવાર હેઠળ છે.

3. મધ્યપ્રદેશ

શુક્રવારે રાજ્યમાં 332 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 246 લોકો સ્વસ્થ થયા અને 3 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 61 હજાર 13 લોકોને સંક્રમણ લાગી ચૂક્યું છે. એમાંથી 2 લાખ 54 હજાર 633લોકો સ્વસ્થ થયા છે અને 3862 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 2,518 દર્દી સારવાર લઈ રહ્યા છે.

4. દિલ્હી

દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે 256 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. 193 લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યારસુધીમાં અહીં 6 લાખ 38 હજાર 849 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 6 લાખ 26 હજાર 712 લોકો સાજા થયા છે, જ્યારે 10 હજાર 906 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં એવા 1231 દર્દી છે જેની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત

શુક્રવારે રાજ્યમાં 460 લોકોને કોરોના ચેપ લાગ્યો હતો. 315 લોકો સાજા થયા. અત્યારસુધીમાં 2 લાખ 69 હજાર 31 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 2 લાખ 62 હજાર 487 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4408 દર્દીનાં મોત થયાં છે. અહીં 2136 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

6. રાજસ્થાન

રાજયમાં શુક્રવારે 149 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 125 લોકો સાજા થયા અને એકનું મૃત્યુ થયું હતું. અત્યારસુધીમાં 3 લાખ 20 હજાર 78 લોકોને કોરોના સંક્રમણ લાગી ચૂક્યું છે. તેમાં 3 લાખ 16 હજાર 61 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2786 દર્દીઓ મૃત્યુ પામી ચૂક્યા છે. 1231 દર્દી હજી સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here