મહારાષ્ટ્રના રત્નાગીરીમાં આવેલ તવરે ડેમ તૂટવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. આ ડેમ નીચે આવેલ 7 ગામોમાં પાણી ફરી વળ્યાં છે. આ ઘટનામાં અંદાજે 23 જેટલા લોકો લાપતા થઇ ગયા છે જ્યારે બે લોકોનાં મોત નિપજ્યાં છે આ ઘટનાની જાણકારી મળતા જિલ્લા પ્રશાસને રાહત અને બચાવ કામીગીરી હાથ ધરી છે. જિલ્લા પ્રશાસનની રાહતની ટીમને બે પુરૂષના મૃતદેહ મળી આવ્યાં છે. ઘટનાસ્થળ પર એનડીઆરએફની ટીમને મોકલવામાં આવી છે.મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ડેમના પાણીનું સ્તર એકદમ વધી ગયું. ઉલ્લેખનીય છે રવિવારથી મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એક મળતાં અહેવાલ મુજબ ડેમમાંથી પાણી બહાર આવતાં ડેમની આસપાસ બનેલા 12 ઘર તણાઇ ગયા હતા. આ જ ઘરમાં રહેનારા લોકો લાપતા થયા હોવાની આશંકા છે.
જો કે બચાવ અને રાહતની ટીમ દ્વારા જણાવામાં આવ્યું છે કે આ લોકો નીચેના વિસ્તારોમાંથી મળે તેવી શક્યતા છે. જો કે આ ઘટનામાં કેટલું નુકસાન થયું હશે તે અંગે કોઇ ચોક્કસ માહિતી પ્રાપ્ત થઇ નથી. મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં રવિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી મુશળધાર વરસાદના કારણે અત્યાર સુધીમાં 38 લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 75 લોકો ઘાયલ થયા છે. જેમાં મુંબઇ, ઠાણે અને પૂણેમાં દિવાલ ધરાશયીથી મૃતકોની સંખ્યાનો પણ સમાવેશ છે.