મહાવીર જયંતી આજે : ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરીને મહાવીર સ્વામી વિજેતા કહેવાયા

0
15

ધર્મ દર્શન ડેસ્કઃ. માનવ સમાજને અંધકારથી પ્રકાશ તરફ લઇ જતાં ભગવાન મહાવીરનો જન્મ ઈ.સ. પૂર્વે 599 વર્ષ પહેલાં ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં તેરસ તિથિએ લિચ્છિવી વંશમાં થયો હતો. આ વર્ષે મહાવીર જયંતી 6 એપ્રિલ એટલે આજે છે. મહાવીર સ્વામીએ દુનિયાને જૈન ધર્મના પંચશીલ સિદ્ધાંત જણાવ્યાં છે. જેમાં અહિંસા, સત્ય, અપરિગ્રહ, અચૌર્ય (અસ્તેય) અને બ્રહ્મચર્ય છે.

મહાવીર જયંતી કેવી રીતે ઉજવાય છેઃ-
મહાવીર જયંતીના દિવસે સવારથી તેમના અનુયાયીઓમાં ઉત્સવ જોવા મળે છે. જગ્યાએ-જગ્યાએ પ્રભાત ફેરી જોવા મળે છે. વિશાળ સંખ્યામાં વરઘોડા સાથે પાલકીઓ જોવા મળે છે. ત્યાર બાદ સોના અને ચાંદીના કળશથી મહાવીર સ્વામીનો અભિષેક કરવામાં આવે છે. મંદિરની શિખર પર ધ્વજા ચઢાવવામાં આવે છે. આખો દિવસ જૈન ધર્મના ધાર્મિક સ્થળોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ભગવાન મહાવીરની મૂર્તિને વિશેષ સ્નાન પણ કરાવવામાં આવે છે.

વચન અને કર્મથી શુદ્ધ થવું જોઇએઃ-
મહાવીર સ્વામીએ તેમના ઉપદેશોથી જનમાનસને યોગ્ય રાહ બતાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પાંચ મહાવ્રત, પાંચ અણુવ્રત, પાંચ સમિતિ અને છ જરૂરી નિયમોનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો. જે જૈન ધર્મના પ્રમુખ આધાર બન્યાં. જેમાં સત્ય, અહિંસા, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પંચશીલ કહેવામાં આવે છે.

ભગવાન મહાવીર પ્રમાણે સત્ય આ દુનિયામાં સૌથી શક્તિશાળી છે, દરેક પરિસ્થિતિમાં વ્યક્તિએ સાચું બોલવું જોઇએ. તેમણે પોતાની જેમ જ અન્યને પ્રેમ કરવાનો સંદેશ આપ્યો. તેમણે સંતુષ્ટિની ભાવના વ્યક્તિ માટે અતિ આવશ્યક જણાવી છે. જ્યારે બ્રહ્મચર્યનું પાલન મોક્ષ પ્રદાન કરનાર જણાવ્યું છે. તેમના પ્રમાણે આ દુનિયા નશ્વર છે. વસ્તુઓ પ્રત્યે વધારે મોહ જ તમારા દુઃખોનું કારણ છે.

તપથી ઇન્દ્રિયો ઉપર નિયંત્રણઃ-
જૈન ધર્મના સંસ્થાપક ઋષભદેવને માનવામાં આવે છે, પરંતુ વાસ્તવિક રૂપથી જૈન ધર્મને આકાર આપવાનો શ્રેય મહાવીર સ્વામીને જાય છે. જૈન ધર્મને આ નામ પણ મહવીર સ્વામીની જ દેન છે. પોતાની કઠોર તપસ્યા બાદ ઋજુપાલિકા નદીના તટ પર તેમને જ્ઞાન પ્રાપ્તિ થઇ હતી. કઠોર તપસ્યા દરમિયાન તેમણે પોતાની ઇન્દ્રિયો અને પરિસ્થિતિઓ ઉપર અદભુત નિયંત્રણ પ્રાપ્ત કર્યું. ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવાના કારણે તેમને વિજેતા કહેવામાં આવ્યાં. ત્યાર બાદ મહાવીર સ્વામી જિન કહેવાયા અને તેમના અનુયાયીઓને જૈન કહેવામાં આવ્યાં.

સહનશીલતાઃ-
મહાવીર સ્વામીનો જન્મ કુંડલગ્રામમાં થયો છે. તેઓ જન્મથી ક્ષત્રિય હતાં અને બાળપણમાં તેમનું નામ વર્ધમાન હતું. જાતક કથાઓ પ્રમાણે તેઓ ક્ષત્રિય હોવાના કારણે અતિ વીર હતાં અને જ્યારે તેઓ તપસ્યામાં લીન હતાં ત્યારે તેમના ઉપર જંગલી જાનવરોના અનેક હુમલાઓ થયા અને તેમણે સહનશીલતા અને વીરતાથી બધાને પરાસ્ત કર્યાં. તેમના આ જ ગુણના કારણે તેમનું નામ મહાવીર સ્વામી થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here