મહેસાણા : પ્રેમ પ્રકરણમાં મીઠાના યુવકની ગળે તિક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી હત્યા

0
16

મહેસાણાઃ વિજાપુર તાલુકાના ડાભલા- મહાદેવપુરા ગામની સીમમાં રવિવારે કપાસના ખેતરમાંથી મહેસાણા નજીકના મીઠા ગામના યુવાનની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ તપાસમાં યુવકને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો હોવાનું બહાર આવ્યું છે. પરિવારે મૃતક યુવાનને એક પરિણીતા સાથે પ્રેમસંબંધ હોઇ તેના પતિ, ભાઇ, પિતા સહિતે હત્યા કરી હોવાની આશંકા સાથે મૃતકના ભાઇએ વસઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ડાભલા-મહાદેવપુરા ગામની સીમમાં કપાસના વાવેતરવાળા ખેતરમાં 25થી 30 વર્ષના યુવાનની લાશ પડી હોવાની જાણ ખેતર માલિકે ગામના આગેવાનને અને તેમણે વસઇ પોલીસને કરી હતી. જેને પગલે પીએસઆઇ જી.એ. સોલંકી સ્ટાફ સાથે સવારે 11 વાગે ઘટના સ્થળે દોડી ગયા હતા. દરમિયાન સોશ્યલ મીડિયામાં મૃતકનો ફોટો વાયરલ થતાં તે મહેસાણા તાલુકાના મીઠા ગામનો વિશાલ લાલજીભાઇ નાયી હોવાની ઓળખ થઇ હતી. મૃતકના મોટાભાઇ નરેન્દ્રકુમાર નાયી સહિત પરિવારજનો મહાદેવપુરા સીમમાં દોડી ગયા હતા.

પોલીસે જણાવ્યું કે, મૃતકના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારનો ઘા છે. મૃતકના ભાઇએ આ હત્યામાં ત્રણ જણા સામે શક દર્શાવ્યો છે. જેમાં વિશાલને પ્રાંતિજના રામપુરા ગામની પરિણીતા સાથે પ્રેમસંબંધ હોવાની જાણ તેના પરિવારને થઇ હોઇ તેના વિજાપુરના હાથીપુરા રહેતા પિતા અને ભાઇ તેમજ યુવતીના પતિએ હત્યા કર્યાની આશંકા દર્શાવી હતી. ઘટના અંગે મૃતકના ભાઇ નરેન્દ્ર નાયીની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધી લાશનું વિજાપુર સિવિલમાં પેનલ પીએમ કરાયું હતું.

પોલીસ ડોગ લાશથી રોડ પર જઇને અટકી ગયો
વસઇ પોલીસે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલની ટીમે સ્થળ પરથી બ્લડ સેમ્પલ લીધા હતા. ઘટના સ્થળેથી મોજા મળી આવ્યા હતા. જ્યારે પોલીસ ડોગ લાશથી રોડ પર જઇને અટકી ગયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here