મહુવા: મહુવા તાલુકાના ઉમરા ગામે ગાયકવાડી સમયમાં 1939-40માં ડેમ બનવાયો હતો. અહીં મધર ઈન્ડિયા ફિલ્મનું શૂટિંગ કરાયું હતુ જેથી આ ડેમનું નામ મધર ઈન્ડિયા ડેમ પડ્યું હતુ. ઉપરવાસમાં વરસાદના પરિણામે અંબિકા નદી બે કાંઠે છલકાઈ હતી જેના પરિણામે મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલ આ ડેમ સીઝનમા પ્રથમ વાર છલકાઈ ઉઠ્યો હતો.
ચીખલીમાં 24 કલાકમાં સાત ઈંચ વરસાદ નોંધાયો
નવસારી જિલ્લાના ચીખલીમાં 7 ઈંચ, ખેરગામમાં 5 અને જલાલપોરમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો જ્યારે સુરત જિલ્લાના મહુવામાં 2 ઇંચ, તાપી જિલ્લાના કુકરમુંડામાં 2 ઇંચ અને ડાંગ જિલ્લામાં પણ લગભગ 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં એક માત્ર ભાવનગરમાં વરરસાદ પડ્યો હતો. છોટા ઉદેપુરમાં પોણા ચાર ઇંચ, લીમખેડામાં સાડા ત્રણ અને ગરબાડામાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો.
જેસાવાડાથી ગરબાડાનો સંપર્ક તૂટ્યો
ગરબાડા તાલુકાના દાદુર ગામે ધોધમાર વરસાદને કારણે મુખ્ય જિલ્લા માર્ગની એક ભાગની માટી વહાવી ગયો હતો. આ રસ્તા નીચેથી ધરતી સરકી જતાં તે હવામાં અદ્ધરતાલ જોવા મળ્યો હતો. ગરબાડાથી જેસાવાડાને જોડતા દાદુર ગામે આવેલા માર્ગનું બે વર્ષ પહેલાં વાઇન્ડનિંગ કરાયું હતું ત્યાર બાદ 9 માસ પહેલાં જ તેનું રીકાર્પેટિંગ કરાયું હતું. આ માર્ગ ઉપરથી દરરોજ 500 જેટલા વાહનો પસાર થયા છે. રસ્તા નીચેની માટી ધોવાઇ જતાં દાદુર ગામના વિદ્યાર્થીઓ શાળાએ જઇ શક્યાં ન હતાં અને દાદુર, નાંદવા સહિતના ગામોમાં ભણાવવા આવતાં શિક્ષકો પણ શાળાએ પહોંચી શક્યા ન હતાં. માર્ગ તુટવાનો કારણે નાંદવા, કામાવીરા, રોઝી, અભલોડ, ગરબાડા, ગાંગરડી સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. આ સાથે લોકોને પાંચ કિમીનો ધક્કોખાઇને ગાંગરડી અને જેસાવાડા ગામે જવું પડ્યું હતું. ઘટના પગલે આર એન્ડ બી સ્ટેટ દ્વારા માર્ગના સમારકામની કામગીરી શરૂ કરી હતી. તુટલા માર્ગ વચ્ચે મોટો પાઇપ નાખવામાં આવતા લોકોએ રાહતનો શ્વાશ લીધો હતો. ઉલ્લેખનિય છે કે, માર્ગનું વાઇન્ડનિંગ કરતી વખતે જ પાઇપ નાખવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. જોકે, તેમની અવગણના કરાઇ હતી. હવે માર્ગ તુટી જતાં અંતે પાઇપ નાખવાની ફરજ પડી હતી.