મહુવા : સરકારી જંગલોમાં ઇમારતી તેમજ જલાઉ લાકડાઓની બેફામ ચોરી

0
11

મહુવા રેંજમાં આવેલા સરકારી જંગલોમાં ઇમારતી તેમજ જલાઉ લાકડાઓની બેફામ ચોરી થઈ રહી છે. જંગલ ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોય તેમ જણાઈ રહ્યું છે. વન વિભાગ આવા લાકડાચોરોને અટકાવાની જગ્યાએ ખેડૂતોના માલિકીના પરવાનગી વિના કપાતા વૃક્ષો પર વોચ રાખી રહ્યું હોવાની અટકળો ઉઠી રહી છે. બે દિવસ અગાઉ સરભોણ પૂણી રોડ પર માલિકીના સાગનાં વૃક્ષ કાપી વાહન કરતાં ટેમ્પો ચાલકને અટકાવી મહુવાના ઇ. આરએફઑએ ટેમ્પો ચાલકને બંદૂક બતાવી પોતાની બહાદુરી બતાવી હોવાની પણ ચર્ચા છે.

બીજી તરફ મહુવા રેંજમાં આવતા શીકેર ગામના જંગલોમાં ઇમારતી લાકડાઓ તેમજ અન્ય ખેર જેવા વૃક્ષો મોટી સંખ્યામાં કપાઈ રહ્યા હોવાનું જાણવા મળેલ છે અને વનવિભાગ મુક પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે. બીજી તરફ ખેડૂતોના ખેતરના પાકને અડચણ રૂપ ખેતરના સેઢા પર ઉગાડેલા વૃક્ષો ખેડૂત વગર પરવાનગીએ કપાવી નાખે તો એવા વૃક્ષો સામે વન વિભાગ તરત હરકતમાં આવી કેસ કરવાનું ચૂકતું નથી. હાલમાં જ મહુવા રેન્જના આર.એફ.ઑ દ્વારા સરભોણ પૂણી રોડ પર આવેલી નહેર નજીક મોડી સાંજે ખેડૂતનો સાગી લાકડાનો જથ્થો વહન થતો અટકાવવા રેડ કરી હતી.

વન વિભાગની રેડ જોઈ ટેમ્પો ચાલક ઊભો રાખી દીધો હોવા, છતાં ચર્ચા મુજબ આર.એફ.ઑએ ચાલકને બંદૂક બતાવી ભાગ્યો તો ગોળી મારી દઇશ એમ કહી ધમકાવ્યો હોવાનું જાણવા મળેલ છે. આટલો જ રોફ અધિકારી સરકારી જંગલને કપાતું અટકાવવામાં કરે તો જંગલની જાળવણી થઈ શકે.

બીજી તરફ શિકેરમાં મોટાપાયે જંગલનો સફાયો

પોતાની માલિકીની જગ્યામાં નડતરરૂપ વૃક્ષો કાપનારાને વન ખાતું દબડાવી રહ્યું છે તો બીજી તરફ તસ્કરો શિકેરમાં આવેલા જંગલનું નિકંદન કાઢી રહ્યા છે પણ ત્યા વનવિભાગના અધિકારીઓ ધૃતરાષ્ટ્ર બનીને બેઠા છે.

અગાઉ આજ અધિકારીએ ફરિયાદીને ત્યાં રેડ કરી હતી

થોડા સમય અગાઉ બારડોલીના એક લાકડાના વેપારીએ વનવિભાગના અધિકારી સામે એ.સી.બી માં ફરિયાદ કરી હતી. જે બાદ ગણતરીના સમયમાં ફરિયાદીની શો મીલ પર વનવિભાગે આજ આરએફઓ ઉપેન્દ્ર રાઉલજીની આગેવાનીમાં રેડ કરી હતી. આ રેડ વનવિભાગ વિરૂદ્ધ ફરિયાદ કરનારાઓની સામે દાખલો બેસાડવાની સાથે વનવિભાગના લાંચિયા અધિકારીઓને છાવરવા માટે થઇ હોવાની પણ લોકોમાં ચર્ચા ચાલી હતી.

ભાગશે તો ગોળી મારી દેવા જણાવ્યું

ખેતરમાંથી ટેમ્પોમાં સાગનાં લાકડા ભરી બહાર નીકળ્યો કે તરત વનવિભાગના કર્મચારીઓએ અટકાવતાં ટેમ્પો ઊભો રાખી દીધો હતો. છતાં સાહેબે મને લાકડીનો સપાટો મારી બંદૂક બતાવી હતી અને કહ્યું કે ભાગવાની કોશિશ કરીશ તો ગોળી મારી દેવા જણાવ્યું છે. – નરેશ નાયકા, ટેમ્પો ચાલક

મે બંદૂક બતાવી ન હતી, જરૂર નહોતી

શીકેર ગામે કપાયેલા વૃક્ષો કદાચ અગાઉ પણ કપાયા હોય શકે, સ્થળ તપાસ કરીશુ તો જ ખબર પડશે. સ્ટાફમાં જાણ કરી યોગ્ય તપાસ કરાવું છુ અને બે દિવસ અગાઉ પકડાયેલા સાગી લાકડાના ટેમ્પો ચાલકને મે બંદૂક બતાવી ન હતી. બંદૂક બતાવવાની જરૂર જ ન હતી, ટેમ્પો ઊભો જ રાખ્યો હતો અને ચાલકે ભાગવાની કોશિશ કરી ન હતી. – ઉપેન્દ્રસિંહ રાઉલજી, ઇન ચાર્જ આરએફઑ, મહુવા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here