આ રીતથી ઘરે બનાવો રેસ્ટોરન્ટ જેવું જ ટેસ્ટી પનીર બટર મસાલા

0
10

પંજાબી સબ્જી દરેકને ભાવે છે. પરંતુ તેને ઘરે બનાવવી ઝંઝટ લાગે છે. પરંતુ આ સબ્જીને ઘરે સરળ રીતે બનાવી શકાય છે. ખાસ વાત એ છે કે આ રીતે ગ્રેવી બનાવશો તો તેનો સ્વાદ રેસ્ટોરન્ટ જેવી જ સબ્જી જેવો થશે.

સામગ્રી

પનીર- 200 ગ્રામ
ટામેટા – 2 નંગ
ડુંગળી- 2 નંગ ઝીણી સમારેલી
સુકા લાલ મરચાં- 2
હળદર – એક ચમચી
ચપટી હિંગ
લવિંગ- 3થી4 નંગ
મરી – 3,4 દાણા
એક તમાલપત્ર
કશ્મીરી મરચું પાઉડર- 2 ચમચી
તજ- 1 ટુકડો
કસુરી મેથી- 1 ચમચી
દૂધની મલાઈ- 1 ચમચી
માખણ – 1 ચમચી
તેલ – 1 ચમચી
મીઠું સ્વાદ અનુસાર

રીત

સૌથી પહેલા ગ્રેવી બનાવવા માટે એક પેન લઈ અને તેમાં બટર અને તેલ ગરમ કરો. તેમાં તમાલપત્ર, લવિંગ, મરી, મરચાંના ટુકડા અને તજ નાખી શેકી લો. મસાલામાંથી સુગંધ આવે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી તેને ચઢવા દો. ડુંગળી ટ્રાંસપરન્ટ થાય એટલે તેમાં ઝીણાં સમારેલા ટામેટા ઉમેરી તેને ચઢવા દો. ટામેટા ગળી જાય એટલે તેમાં હળદર, હિંગ, મરચું પાવડર ઉમેરી 5 મિનિટ સાંતળો અને પછી ગેસ બંધ કરી દો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેની પેસ્ટ બનાવી લો. હવે અન્ય એક પેનમાં થોડું તેલ ગરમ કરો તેમાં પનીરના ટુકડા ફ્રાય કરી લો. હવે આ તેલમાં પહેલાથી પેસ્ટ કરેલી ગ્રેવી ઉમેરી ગરમ કરો. આ ગ્રેવીમાં તળેલું પનીર ઉમેરી દો. 5 મિનિટ માટે પનીરને ગ્રેવીમાં ઉકાળો અને પછી તેમાં કસુરી મેથી ઉમેરો. 5 મિનિટ પછી ગેસ બંધ કરી તેમાં મલાઈ અને બટર ઉમેરો અને ગરમાગરમ સર્વ કરો.