બેન્ક કૌભાંડ : માલ્યાએ હાથ જોડીને બેન્કોને અપીલ કરી કે તાત્કાલિક લોનની રકમ મારી પાસેથી પરત લઈ લો

0
14

મુંબઈઃ ભાગેડું કારોબારી વિજય માલ્યાએ ભારતીય બેન્કોને અપીલ કરી કે લોનની મૂળ રકમ મારી પાસેથી પરત લઈ લો. ભારતમાં પ્રત્યાર્પણ કરવાની વિરુદ્ધ કરવામાં આવેલી પોતાની અપીલ પર સુનાવણી દરમિયાન માલ્યાએ કહ્યું સીબીઆઈ અને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ(ED) તેમની સાથે જે કરી રહ્યાં છે, તે અયોગ્ય છે. માલ્યા ભારત પ્રત્યાર્પણ કરવાની વિરુદ્ધ પોતાની અપીલ પર સુનાવણી દરમિયાન રોયલ કોર્ટ ઓફ જસ્ટિસ આવ્યા હતા. પોતાના પરના દેવાને લઈને વિજય માલ્યાએ કહ્યું કે હું હાથ જોડીને ભારતીય બેન્કોને કહું છું કે તે પોતાની લોનની 100 ટકા મૂળ રકમ તાત્કાલિક પરત લઈ લે. જોકે કોર્ટે આ મામલા પર ચુકાદો અનામત રાખ્યો છે.

9 હજાર કરોડની છેતરપિંડીનો આરોપ

વિજય માલ્યા પર ભારતમાં 9,000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો આરોપ છે. માલ્યાએ પોતાની કંપની માટે લોન લીધા બાદ તેની ચૂકવણી કરી ન હતી. દેવું વધ્યા બાદ માલ્યા ભારત છોડીને છુપી રીતે લંડન ફરાર થઈ ગયા હતા.

માલ્યાના વકીલ માર્ક સમર્સે ગુરુવારે દલીલ કરતા કહ્યું કે કિંગફિશર એરલાઈને બેન્કોને નફાની જાણી જોઈને ખોટી માહિતી આપી હતી. સુનાવણી દરમિયાન લાર્ડ જસ્ટિસ સ્ટેફન ઈરાવિન અને જસ્ટિસ ઈલિસાબેથ લાઈંગે કહ્યું કે ખૂબ જટિલ મામલા પર વિચારણ કર્યા બાદ બીજી કોઈ તારીખે આ અંગે ચુકાદો આપવામાં આવશે.

જામીન પર છે માલ્યા

માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરવાના મામલા પર બે જજની બેન્ચ સુનાવણી કરી રહી છે. માલ્યા હાલ પ્રત્યાર્પણ વોરન્ટને લઈને જામીન પર છે. માલ્યા માટે એ જરૂરી ન હતું કે તે સુનાવણીમાં ભાગ લે છતાં પણ તે કોર્ટમાં હાજર રહ્યાં હતા.

માલ્યાના પક્ષ તરફથી એ વાતને ઠુકરાવવામાં આવી રહી છે કે તેમની વિરુદ્ધ છેતરપિંડી અને મની લોન્ડ્રિંગનો મામલો બને છે. બચાવ પક્ષનો ભાર એ વાત પર છે કે કિંગફિશર એરલાઈન આર્થિક દુર્ભાગ્યનો શિકાર થઈ છે, જેવી રીતે અન્ય ભારતીય એરલાઈન્સ થઈ છે.

બીજી તરફ ભારત તરફથી દલીલ કરવામાં આવી કે 32000 પાનામાં પ્રત્યાર્પણના દાયિત્વોને પુરા કરવા માટેના પુરાવા છે. વકીલે કહ્યું કે પ્રથમ દર્શનીય રીતે આ મામલો બને છે એટલું જ નહિ પરંતુ બેઈમાનીના પણ વધુ પ્રમાણમાં પુરાવા છે. અપીલ પર સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ, સીબીઆઈ અને લંડનમાં ઈન્ડિયન હાઈ કમિશનના અધિકારી પણ કોર્ટમાં હાજર રહ્યાં હતા.