હારીજના મામલતદાર વિનુ પટેલના આપઘાતના મુદ્દે 6 દિવસ પહેલા કોઈએ નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતુ. તેમજ નકલી ફેસબુક એકાઉન્ટથી રૂપિયાની માંગણી કરાતી હતી. જેમાં વિનુ પટેલના નામે કોઈ પૈસા માગે તો ન આપવા જણાવ્યું હતુ. તથા વિનુ પટેલે પોસ્ટ વાયરલ કરી લોકોને જાણ કરી હતી.
વિનુ પટેલના ફોટા તેમજ તેમના નામનું વોટ્સપ આઇડી કોઈએ બનાવ્યું હતું. જેથી કોઈએ આવા ખોટા આઇડી પર વહેવાર ન કરવા વિનુ પટેલે પોસ્ટ વાયરલ કરી લોકોને જાણ કરી હતી. તથા આ બાબતે કોઈ પણ પ્રકારની સાયબર ક્રાઇમમાં વિનુ પટેલ દ્વારા ફરિયાદ કરાઈ નથી. પાટણ જિલ્લાના હારીજ તાલુકા મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતાં મામલતદારે ગઇકાલે વહેલી સવારે 9 વાગ્યાના અરસામાં પોતાની કચેરીના બીજા માળેથી પડતું મુકીને મોતની છલાંગ લગાવી હતી. મામલતદાર પડતાંની સાથે માથાના ભાગે ગંભીર ઈજાઓ પામતા તેમનું ધટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. સમગ્ર ધટનાની જાણ પોલીસ તથા સ્ટાફને થતાં ઘટના સ્થળે તાત્કાલીક દોડી આવ્યા હતા. પોલીસે તપાસ કરતાં શંકા જનક કોઈ ચીજ વસ્તુ મળી આવી ન હતી. જેમની લાશને હારીજ રેફરલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
પોલીસ તપાસના અંતે સચ્ચાઈ બહાર આવી શકે તેમ છે. દિયોદર તાલુકાના લીલાધર ગામના વતની મામલતદાર વી.ઓ.પટેલ હારીજ ખાતે છેલ્લા 1.5 વર્ષથી મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા. માહિતી મુજબ રવિવારના રોજ 51 શકિતપીઠ પરિક્રમા મહોત્સવ હોઈ 3 કલાકે હારીજ મામલતદાર કચેરી ખાતે મીંટીંગ બોલાવી હતી. મામલતદાર વી.ઓ.પટેલ સવારે 9 વાગ્યાના અરસામાં મામલતદાર કચેરી ખાતે આવીને જાતે ગેટ ખોલવા જતાં વોચમેન કિરીટભાઈ મોહનભાઈ પાઠક આવીને ગેટ ખોલી આપ્યો હતો. મામલતદાર કચેરી ખાતે આવી પોતાની કાર પાર્કીંગમાં મુકી બીજા માળે આવેલ તેમની ચેમ્બરમાં ગયાં હતા. અને વોચમેન નીચે બેઠો હતો ત્યારે અચાનક થોડા સમય બાદ કુતરાઓ ભસવાનો અવાજ આવતાં વોચમેન જોવા જતાં કોઈ બીજા માળેથી પડયું હતું અને લોહીલુહાળ હાલતમાં દેખાતાં વોચમેન બીજા માળે પહોચી મામલતદારને જાણ કરવા જતાં તેઓ ઓફિસમાં નહીં દેખાતાં નીચે આવી ફરી જોતા તો મામલતદાર વી.ઓ.પટેલ પોતે લોહી લુહાણ હાલતમાં પડયાં હોવાનું જાણવા મળતાં વોચમેને કિરીટભાઈ મોહનભાઈ પાઠકે નર્મદા વિભાગમાં જાણ કરી ત્યાંથી પોલીસ અને મામલતદાર કચેરીના સ્ટાફને જાણ થતાં તમામ લોકો તાત્કાલીક ધટના સ્થળે આવી પહોચ્યાં હતા.
ત્યારબાદ સમી એસ.ડી.એમ તથા પાટણ જિલ્લા કલેક્ટર રાધનપુર ડીવાયએસપી સહીત કાફલો ધટના સ્થળે દોડી આવ્યો હતો. હારીજ પોલીસે લાશને હારીજ રેફરલ ખાતે પીએમ અર્થે લઈ જવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ બહાર નહીં આવતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસના અંતે મામલતદારના મોતનું કારણ બહાર આવી શકે છે.