વિરમગામ: માંડલ તાલુકાના વરમોર ગામમાં દલિત યુવકની હત્યા મામલે આજે વધુ એક આરોપી તેમજ યુવતીના પિતા દશરથસિંહ ઝાલાની ગ્રામ્ય પોલીસે અટકાયત કરી છે. બનાવ બન્યાના દિવસથી જ યુવતી ગાયબ હોવાથી ગ્રામ્ય પોલીસે અલગ-અલગ 4 ટીમો બનાવી યુવતીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે યુવતીની ભાળ મેળવવા તેના પિતાની પણ પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ બેદરકારી દાખવનાર 181 અભિયમ હેલ્પ લાઇનના કાઉન્સલિંગ કરનાર ભાવિકા ભગોરા અને મહિલા પોલીસ કર્મચારી અર્પિતાને સસ્પેંડ કરી દેવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર મામલો
ગાંધીધામના યુવક હરેશ સોલંકી તથા વરમોર ગામની યુવતી ઉર્મિલા કડી ગામની કોલેજમાં અભ્યાસકાળ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં અને ત્યાર બાદ લગ્ન કરી લીધાં હતાં. હરેશ સોલંકી દલિત યુવક હતો જ્યારે ઉર્મીલા દરબાર જ્ઞાતિની હતી. ઉર્મિલાના આ પગલાંથી નારાજ તેનો પરિવાર બે મહિનાથી તેને વરમોર ગામે લઇ આવ્યા હતા અને ગાંધીધામ પતિના ઘરે પાછી મોકલી ન હતી. આથી હરેશ સોલંકીએ ઉર્મિલાના પરિવારને સમજાવવા 181 અભયમ્ હેલ્પ લાઈનની સહાય માંગી હતી.
ટોળાએ ધારદાર શસ્ત્રોથી હરેશને રહેંસી નાખ્યો
181 અભયમના કાઉન્સેલર અધિકારી ભાવિકાબેન ભગોરા તથા વુમન પોલીસ કોન્સ્ટેબલ અર્પિતાબેન અને ડ્રાઇવર સુનીલની સાથે હરેશ સોલંકીને લઇને સોમવારે વરમોર ગામે ગયાં હતાં. યુવક માત્ર તેમના ઘરનો રસ્તો બતાવવા સાથે ગયો હતો. ત્યારબાદ ભાવિકાબેન તથા કોન્સ્ટેબલ અર્પિતાબેને ઉર્મિલાના પિતા દશરથસિંહ ઝાલાને સમજાવવાની કોશિશ કરતા સમાધાન માટે તેમણે એકાદ મહિનાની રાહ જોવા કહ્યું હતું. આથી દશરથસિંહ ઝાલા ભાવિકા તથા અર્પિતાને ગાડી સુધી મહુવા સાથે આવ્યા હતા. સાંજના સાતેક વાગ્યાની આસપાસ હરેશ ડ્રાઇવરની સીટની બાજુમાં બેઠો હતો ત્યારે અચાનક એક ટોળું ધારદાર શસ્ત્રો સાથે આવ્યું અને હરેશ પર તલવાર અને ધારિયા વડે હુમલો કરી રહેંસી નાખ્યો હતો. આ અંગે માંડલ પોલીસે યુવતીના પિતા સહિત આઠ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ 8 આરોપી સામે ગુનો દાખલ
(1) દશરથસિંહ ઝાલા, (2) ઈન્દ્રજિતસિંહ ઉર્ફે કાનો ઝાલા, (3) હસમુખસિંહ, (4) જયદીપસિંહ, (5) અજયસિંહ, (6) અનોપસિંહ, (7) પરબતસંગ, (8) હરીશચંદ્રસિંહ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.