સિનેમાઘરોની ગાઇડલાઇન્સ : દરેક પ્રેક્ષકના મોબાઇલ નંબર લેવા ફરજિયાત : સ્ક્રીન રૂમમાં સમોસાં, કોલ્ડ્રિંકસ નહીં લવાય : ઇન્ટર્વલ લાંબો.

0
7

ગુજરાતમાં આગામી તા.15થી સિનેમાઘરો શરૂ થઈ રહ્યાં છે ત્યારે પહેલાં મલ્ટિપ્લેક્સ તથા સિંગલ સ્ક્રીન થિયેટરોમાં 7થી 8 શો ચલાવાતા હતા, એને બદલે કોરોના પ્રોટોકોલ ગાઈડલાઈન્સને કારણે 3થી 4 શો જ ચાલે એવી શક્યતા છે. દરેક પ્રેક્ષકે ફિલ્મ જોવા જતા પહેલાં બુકિંગ સમયે મોબાઈલ નંબર આપવો ફરજિયાત છે. સ્ક્રીન રૂમમાં સમોસાં, કોલ્ડ્રિંક્સ નહીં લઈ જઈ શકાય. એટલું જ નહીં, ફિલ્મના બે શો વચ્ચે અડધા કલાકનો ગેપ રાખવો પડશે.

બે શો વચ્ચે અડધા કલાકનો બ્રેક જરૂરી બનશે
કેન્દ્ર સરકાર દ્વારા જે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે, એમાં બે શોની વચ્ચે ભાગ્યે જ કોઈ સમય હોય છે અથવા તો પાંચ કે 10 મિનિટનો સમય હોય છે, એને બદલે હવે ઓછામાં ઓછો અડધો કલાકનો સમય જરૂરી બનશે. બે શો વચ્ચે સંપૂર્ણ સિનેમાઘરને સેનિટાઈઝ કરવાનું ફરજિયાત બનાવાયું છે. ઉપરાંત એક શો પૂરો થયા બાદ દરેક રોમાં બેસેલા લોકોને ક્રમ અનુસાર જ બહાર જવાની છૂટ આપવામાં આવશે અને એ રીતે સિનેમા શો પૂરો થયા બાદનો સમય વધી જશે.

ઇન્ટર્વલમાં વારાફરતી પ્રેક્ષેકોએ બહાર જવું પડશે
આ ઉપરાંત પહેલાં ઇન્ટર્વેલમાં પ્રેક્ષકો એકસાથે હાલ બહાર નીકળતા હતા, એને બદલે હવે વારાફરતી દરેકે બહાર નીકળવાનું રહેશે, જેને કારણે ઈન્ટર્વલનો સમય પણ વધી જશે. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન્સ મુજબ 50 ટકા કેપેસિટીની જે નવી વ્યવસ્થા છે એમાં એક સીટ છોડીને દરેક પ્રેક્ષકે બેસવાનું રહેશે અને જે સીટ ખાલી રાખવાની હશે તેના પર ટેપ કે માર્કર લગાવવું ફરજિયાત છે. ખાલી સીટની પાછળની સીટમાં બેસાડી શકાશે. હોલની અંદર પેકિંગમાં રહેલાં ફૂડ લઈ જઈ શકાશે.

બુકિંગ માટે પ્રેક્ષકના મોબાઈલ નંબર ફરજિયાત
સમોસાં અને કોલ્ડ્રિંક્સની જે સેવા આપવામાં આવતી હતી એ હવે આપી શકાશે નહીં. દરેક બુકિંગમાં રેલવેની જેમ પ્રેક્ષકના મોબાઈલ નંબર લેવા ફરજિયાત થઈ પડશે, જેના કારણે બુકિંગનો ટાઈમ પણ વધશે. સિંગલ સ્ક્રીન થિયેટરોમાં બુકિંગ માટે વધુ વિન્ડો ખોલવી પડે તેવી શક્યતા છે. એસીને 24થી 30 ડિગ્રી પર રાખી શકાશે.

કોરોના જાગૃતિની એક મિનિટની ફિલ્મ બતાવવી પડશે
દરેક શોમાં ઈન્ટર્વલ પહેલાં અને પછી કોરોના જાગૃતિની એક મિનિટની ફિલ્મ બતાવવી પડશે. હોલની બહાર માર્કર કરીને છ ફૂટના અંતરે લોકો ઊભા રહે એ નિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત પ્રેક્ષકો અંદર આવે ત્યારે તેના થર્મલ ચેકિંગ અને માસ્કની જોગવાઈનું પાલન થાય એ જોવાનું રહેશે તથા દરેક એન્ટ્રી પોઈન્ટ પર હેન્ડ સેનિટાઈઝર રાખવાના રહેશે.

પ્રેક્ષકોને ઇ-ટિકિટ મોકલાશે
સિનેમાઘરમાં ઓનલાઈન બુકિંગનો આગ્રહ રાખવો પડશે અને પ્રેક્ષકોને ફિઝિકલ ટિકિટને બદલે તેના મોબાઈલ પર ઇ-ટિકિટ આવી જાય તેવી વ્યવસ્થા બુકિંગ સમયે પણ કરવાની રહેશે. આ ઉપરાંત એડવાન્સ બુકિંગને મહત્ત્વ આપવાનું રહેશે. સિનેમાઘરના કર્મચારીઓના દર સપ્તાહે કોરોના ટેસ્ટ ફરજિયાત બનાવાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here