સુરત : કોરોના વોરિયર તરીકે સન્માન થાય તે અગાઉ જ માંડવીના નાયબ મામલતદારનું પતિ સાથે એક્સિડન્ટમાં મોત

0
7

સુરત. સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં સન્માનિત થવા જઈ રહેલા કોરોના વોરિયર અને તેમના પતિનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે.વાંકલ-ઝંખવાવ રોડ પર પાતલદેવી પાસે ડમ્પર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં માંડવીના નાયબ મામલતદાર અને તેમના પતિનું અવસાન થયું છે. પતિ-પત્નીના મોતના પગલે તેમના સંતાને માતા પિતાની છત્રછાયા ગુમાવી છે. બીજી તરફ માંડવીમાં તેમના અવસાનને લઈને શોકનું મોજુ ફરી વળ્યું છે.

ડમ્પર સાથે અકસ્માત સર્જાયો

માંડવીના નાયબ મામલતદાર અને જાન્યુઆરીથી પુરવઠા વિભાગમાં ફરજ બજાવતા સિમાબેન દેશમુખ અને તેમના પતિ સંદિપભાઈ વસાવા અંકલેશ્વરથી કાર લઈને સવારે નીકળ્યાં હતાં. આ દરમિયાન વાંકલ-ઝંખવાવ રોડ પર માંગરોળના કંટવાવ નજીક ડમ્પર સાથે તેમનો એક્સિડન્ટ થયો હતો. કારમાં ભારે નુકસાન સર્જાયું હતું અને બન્ને પતિ-પત્નીના મોત નીપજ્યાં હતાં.

નાયબ મામલતદારનું સન્માન થવાનું હતું

નાયબ મામલતદાર સિમાબેન દેશમુખનું આજે કોરોના વોરિયર તરીકે સેવા બજાવી હોવાથી સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં તેમનું સન્માન થવાનું હતું. જેથી સિમાબેન તેમના પતિ સાથે આ કાર્યક્રમમાં સહભાગી થવા માટે નીકળ્યાં હતાં. આ દરમિયાન એક્સિડન્ટમાં તેમના મોત નીપજ્યાં હતાં.

સંતાને માતા-પિતાની છત્રછાયા ગુમાવી

નાયબ મામલતદારના નજીકના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સિમાબેન અને સંદિપભાઈને એક સંતાન છે. બન્નેના મોતના પગલે નાયબ મામલતદારના સંતાને માતા પિતાની છત્રછાયા ગુમાવવી પડી છે.

કારને ભારે નુકસાન સર્જાયું

નાયબ મામલતદાર તેમની કારમાં અંકલેશ્વરથી માંડવી જવા નીકળ્યા હતાં. આ કારનો ડમ્પર સાથે એક્સિડન્ટ સર્જાયા બાદ ભારે નુકસાન થયું હતું. કારની ડ્રાઈવર સાઈડની જમણી બાજુના પતરા તૂટી ગયા હતાં. કારના પાછળના ભાગે વધારે નુકસાન થયું થયું હોવાથી એક્સિડન્ટ પ્રચંડ થયો હોવાનું સામે આવી રહ્યું છે.