માંજરેકરની BCCIને વિનંતી : વિવાદાસ્પદ ટિપ્પણી બાદ કોમેન્ટ્રી પેનલમાંથી હટાવાયેલા માંજરેકરે કહ્યું- મને પેનલમાં લઈ લો હું guidelineનું પાલન કરીશ

0
5

ભૂતપુર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ને ફરી તેમની કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવા વિનંતી કરી છે. આ માટે તેમણે BCCIને એક ઈમેલ પણ મોકલ્યો છે. જેમા તેમણે કહ્યું છે કે તેઓ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે કામ કરશે.

તેમણે બોર્ડને IPL 2020ની કોમેન્ટ્રી પેનલમાં સામેલ કરવા માટે વિનંતી કરી છે. સંજય માંજરેકરને આ વર્ષે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરિઝ અગાઉ કોમેન્ટ્રી બોર્ડમાંથી હટાવ્યા હતા. જોકે, કોરોના મહામારીને લીધે આ સિરીઝ શક્ય બની ન હતી.

બોર્ડની ગાઈડલાઈન પ્રમાણે કામ કરવામાં મને ખુશી થશેઃ માંજરેકર
અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે બોર્ડને પાઠવવામાં આવેલા ઈમેલમાં માંજરેકરે લખ્યુ છે કે આદરણિય અપેક્સ કાઉન્સિલના મેમ્બર્સ, હું આશા કરું છું કે આપ સૌ કૂશળ હશો. મે અગાઉ પણ એક ઈમેલ કર્યો હતો, જેમાં મે કોમેન્ટેટર તરીકે મારી ભૂમિકા અંગે કહ્યું હતું. હવે જ્યારે IPLની તારીખ જાહેર થઈ છે અને BCCI ટીવી કોમેન્ટ્રી માટે સિલેક્શન કરશે. મને BCCIની ગાઈડલાઈન પ્રમાણે કામ કરતા ખુશી થશે. અગાઉ આ અંગે ચિત્ર વધુ સ્પષ્ટ ન હતું.

જાડેજાની રમત અંગે ટિપ્પણી કરી હતી
ગયા વર્ષે ઈગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલી વનડે વિશ્વ કપ સમયે સંજયે ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની ટીકા કરી હતી. તેમણે જાડેજાને ટૂકડે- ટૂકડે પ્રદર્શન કરનાર ખેલાડી તરીકે ગણાવ્યો હતો. જેના જવાબમાં જાડેજાએ કહ્યું હતું કે હું તમારી તુલનામાં બમણી મેચ રમ્યો છું અને હજુ પણ રમી રહ્યો છું. જે લોકોએ કંઈક હાંસલ કર્યું છે તેનુ સન્માન કરતા શીખો.

હર્ષા ભોગલે અંગે પણ ટિપ્પણી કરી હતી
આ એકમાત્ર ઘટના ન હતી કે જેમાં માંજરેકરે તેમના નિવેદનથી વિવાદ ઉભો કર્યો હતો. તેમણે ગત વર્ષ કોલકાતામાં ભારત-બાંગ્લાદેશ વચ્ચે પિંક બોલથી રમાયેલી મેચ સમયે સાથી કોમેન્ટેટર હર્ષા ભોગલે અંગે પણ ટિપ્પણી કરી હતી. તે સમયે તેમણે કહ્યુ હતું કે તમે ક્રિકેટ રમ્યા નથી, ફક્ત ક્રિકેટ રમનાર અંગે મેદાન પર ચાલતી ચીજો અંગે જ વાત કરી શકો છો.

ગાંગુલી અને જય શાહ માંજરેકર અંગે નિર્ણય કરશે
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે એક બોર્ડ ઓફિશિયલે કહ્યું છે કે આ વિવાદનો હવે અંત આવવો જોઈએ અને માંજરેકરે માફ કરવો જોઈએ. તેમણે જાડેજા અંગે જે નિવેદન આપ્યુ હતું કે અંગે માફી માંગી વિવાદનો અંત લાવ્યા છે. તેમણે વચન આપ્યુ છે કે તે બોર્ડની ગાઈડલાઈનનું સંપૂર્ણપાલન કરશે. તે એક સારા ક્રિકેટર છે અને ક્રિકેટ વિશે ઘણી જાણકારી ધરાવે છે. હવે આ અંગે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સચિવ જય શાહ આ અંગે નિર્ણય લેશે.