‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ ફૅમ પૂજા ગોરે બોયફ્રેન્ડ રાજ સિંહ અરોરા સાથેના સંબંધો તોડ્યા, કહ્યું- બહુ જ મુશ્કેલ નિર્ણય હતો

0
0

‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ ફૅમ ટીવી એક્ટ્રેસ પૂજા ગોર તથા રાજ સિંહ અરોરા વચ્ચે બ્રેકઅપ થયું હોવાના સમાચાર છેલ્લાં એક વર્ષથી ચર્ચાતા હતા. જોકે, તે સમયે આ બંનેએ પોતાના સંબંધો અંગે કોઈ પ્રતિક્રિયા આપી નહોતી. હવે પૂજા ગોરે સોશિયલ મીડિયામાં રાજ સાથેના બ્રેકઅપની વાત સ્વીકાર કરી છે.

પૂજા ગોરે લાંબી પોસ્ટ લખી
પૂજા ગોરે કહ્યું હતું, ‘2020નું વર્ષ ઘણાં બધા પરિવર્તનો લઈને આવ્યું છે. કેટલાંક સારા તો કેટલાંક ખરાબ. છેલ્લાં કેટલાંક મહિનાથી મારા તથા રાજના સંબંધો અંગે ઘણી જ અટકળો કરવામાં આવી રહી છે. મુશ્કેલ નિર્ણય લેવામાં સમય લાગે છે. તેથી જ આ મુદ્દે વાત કરતાં પહેલાં હું કેટલોક સમય લેવા માગતી હતી.’

‘રાજ અને મેં અલગ થવાનું નક્કી કર્યું છે. જીવન અમને બંનેને અલગ અલગ રસ્તે લઈ જશે પરંતુ એકબીજા પ્રત્યેનો પ્રેમ તથા આદર જીવનભર રહેશે. હું હંમેશાં રાજને સારા જીવનની શુભેચ્છા પાઠવું છું. તે મારા જીવનમાં ઘણો જ મહત્ત્વનો રોલ ભજવે છે અને તેના માટે હંમેશાં હું તેની આભારી રહીશ. અમે હંમેશાં મિત્રો રહીશું અને મિત્રતામાં કોઈ ફેરફાર થશે નહીં. આ મુદ્દે વાત કરવામાં મારે ઘણી જ હિંમત ભેગી કરવી પડી. ત્યારબાદ જ હું આ વાત કહી શકી. આ સમયે અમારી પ્રાઈવસીને સમજવા માટે તમારો આભાર.’

2009થી સાથે હતા
પૂજા ગોર તથા રાજ સિંહે સિરિયલ ‘કોઈ આને કો હૈ’માં સાથે કામ કર્યું હતું. ત્યારથી તેમની વચ્ચે સંબંધો બંધાયા હતા. પૂજા ગોર ટીવી સિરિયલ ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’થી ચાહકોમાં લોકપ્રિય થઈ હતી. લૉકડાઉન દરમિયાન ફરીવાર આ સિરિયલ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ અંગે પૂજાએ કહ્યું હતું કે તે ક્યારેય એક્ટિંગ સ્કૂલમાં ગઈ નહોતી. તે 18 વર્ષની હતી ત્યારે તેણે આ સિરિયલમાં કામ કરવાની શરૂઆત કરી હતી. તે સીનિયર એક્ટર્સ તથા ડિરેક્ટર્સ પાસેથી એક્ટિંગ શીખી છે.

પૂજા ગોર છેલ્લે 2016માં ‘પ્યાર તુને ક્યા કિયા’ સિરિયલમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે ‘કિચન ચેમ્પિયન 5’માં સ્પર્ધક તરીકે 2019માં જોવા મળી હતી. પૂજા ગોર વેબ સીરિઝ ‘શ્રીકાંત બશીર’માં પણ જોવા મળી હતી. પૂજાએ ફિલ્મ ‘કેદારનાથ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. રાજ સિંહ અરોરાની વાત કરવામાં આવે તો તેણે 2004માં ટીવી શો ‘રીમિક્સ’થી કરિયરની શરૂઆત કરી હતી. રાજ છેલ્લે 2016માં સિરિયલ ‘યે હૈ મહોબ્બતે’માં જોવા મળ્યો હતો. 2015માં આવેલી ફિલ્મ ‘ગબ્બર ઈઝ બેક’માં પણ રાજે કામ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here