પટના: લોકસભા ચૂંટણી પ્રચારમાં ‘દરેક મોદી ચોર’ કહેવાના મામલે રાહુલ ગાંધી શનિવારે પટનાની ખાસ કોર્ટમાં હાજર થયા હતા. અહીં જજે રાહુલને તેમના પર લાગેલા આરોપ કહીને સંભળાવ્યા હતા. તેના જવાબમાં રાહુલે કહ્યું હતું કે, આ દરેક આરોપો ખોટા છે. કોર્ટે રૂ. 10,000ના બોન્ડમાં રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા છે. આ માનહાનિ કેસ ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ દાખલ કર્યો છે.
રાહુલે કોર્ટની બહાર કહ્યું, હું ખેડૂતો અને મજૂરોની સાથે છું. જ્યાં પણ જવાનું થશે ત્યાં જઈશ. બંધારણને બચાવવા માટે આ મારી લડાઈ છે. હિન્દુસ્તાનના અવાજને દબાવવામાં આવી રહ્યો છે. હું કોંગ્રેસ અધ્યક્ષ નથી તો પણ મારી આ લડાઈ ચાલુ રહેશે. કોર્ટ બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું રાજીનામું પરત લેવાની માંગણી કરી હતી.
માનહાનિ કેસમાં મુંબઈ કોર્ટમાંથી જામીન મળ્યા
કન્નડ પત્રકાર ગૌરી લંકેશની હત્યા સાથે જોડાયેલા કેસમાં રાહુલ ગાંધીને 4 જુલાઈએ મુંબઈની શિવડી કોર્ટમાંથી પણ જામીન મળ્યા છે. અહીંના સંઘ કાર્યકર્તા ધ્રુતીમાન જોશીનો આરોપ હતો કે રાહુલે ગૌરી લંકેશની હત્યાના 24 કલાકમાં કહ્યું હતું કે, જે લોકો સંઘ અને ભાજપ સામે અવાજ ઉઠાવે છે તેમના પર હુમલા થાય છે. અહીં સુધી કે તેમની હત્યા પણ કરી દેવામાં આવે છે. 5 સપ્ટેમ્બર 2017ના રોજ બેંગલુરુમાં બાઈક પર આવેલા 4 લોકોએ ગૌરીની ગોળી મારીને હત્યા કરી હતી.
આ મહિને રાહુલને ગુજરાતમાં 3 વાર હાજર થવું પડશે
માનહાનિના અલગ અલગ કેસમાં રાહુલ ગાંધીને ગુજરાતમાં 3 વાર હાજર થવું પડશે. 9 અને 12 જુલાઈએ અમદાવાદ અને 24 તારીખે સુરત કોર્ટમાં હાજર થવું પડશે.
બિહારમાં મુખ્યમંત્રી સુશીલ મોદીએ કર્યો હતો કેસ
- હકીકતમાં લોકસભા ચૂંટણીના પ્રચાર-પ્રસાર દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, દરેક મોદી ચોર છે. રાહુલ ગાંધીએ એક રેલીમાં કહ્યું હતું કે, દરેક ચોરના નામ મોદી કેમ હોય છે? આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાગેડુ ઉદ્યોગપતિઓમાં નીરવ અને લલિત મોદીનું ઉદાહરણ તરીકે નામ પણ આપ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘દરેક ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે’.
- રાહુલ ગાંધીના આ નિવેદનથી બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે કોંગ્રેસ નેતા વિરુદ્ધ માનહાનિ કેસ નોંધાવતા કહ્યું હતું કે, રાહુલગાંધીના આ પ્રકારના ભાષણમાં મોદી ટાઈટલવાળા વ્યક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમને ચોર બતાવવામાં આવ્યો છે. આનાથી વડાપ્રધાન મોદીની છબી ખરાબ થાય છે. તેથી રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા સજા ચોક્કસ મળવી જોઈએ.