જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના( PM સ્વનિધિ) યોજના અંતર્ગત શહેરમાં છૂટક વેપાર કરતા શેરી ફેરિયાઓનો તેમના પરિવાર સાથે સ્નેહમિલનનો કાર્યક્રમ શહેરના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજાવામાં આવ્યો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન મુખ્યમંત્રીના આદેશથી જી.ય.એલ.એમ.ગાંધીનગર વિભાગ દ્વારા શહેરના એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે જામનગરના શહેરી વિસ્તારના શેરી ફેરીયાઓ માટે સંગીત સંધ્યા અને સ્વરુચિ ભોજન સમારંભનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીએ પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં લોકડાઉનના લીધે રોજગાર-ધંધા બંધ હતા. તે સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સૂચના મુજબ શહેરી અને આવાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. જે યોજના અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના યુસીડી વિભાગ દ્વારા જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં વસવાટ કરતા શેરી ફેરીયાઓ માટે લોનની અરજીઓ પોર્ટલ પર મૂકવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 6 હજાર 433 જેટલા શેરી ફેરીયાઓને જુદી-જુદી બેંકો દ્વારા લોન આપવામાં આવી છે. જેમાં 10 હજારની લોન પૂર્ણ કરનારને 20 હજારની લોન આપવામાં આવે છે અને 20 હજારની લોનના હપ્તા ભરપાઈ કરનારને 50 હજારની લોન આ યોજના અંતર્ગત જુદી-જુદી બેંકો દ્વારા આપવામાં આવે છે.
M.P શાહ મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે શેરી ફેરીયાઓ સહ પરિવાર તથા આમંત્રિત મહેમાનો મળીને 600 થી વધુ લોકોએ સંગીત સંધ્યા અને સ્વરુચિ ભોજન સમારંભ સાથેના સ્નેહ મિલન સમારંભમા ઉપસ્થિત રહ્યા હતા. જેમા યૂસીડી શાખાની બહેનો અને શેરી ફેરી કરનાર બહેનો દ્વારા ગરબો રજુ કરવામા આવ્યો હતો. જેને મેયર એ રૂ.5 હજાર પ્રોત્સાહિત પુરસ્કાર આપીને બિરદાવ્યા હતા. સંગીત મય સંધ્યાનુ સંચાલન અશોકભાઈ રાણાએ કર્યું હતું જેમાં નામાંકિત કલાકસબીઓ એ સુમધુર ગીતો રજુ કર્યા હતા.