27 – 27 જણાનો ભોગ લેનાર રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ પાછળ મુખ્યત્વે ભ્રષ્ટાચાર જ કારણભુત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સમક્ષ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા (Mansukh Sagathia)એ કબૂલ્યું છે કે તેણે લાંચ લઈ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડયું ન હતું તેમ એસીબીના એક અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું હતું. સાથો-સાથ એમ પણ કહ્યું કે મનસુખ સાગઠિયાએ અનેક પ્લાન પાસ કરી ભ્રષ્ટાચાર કર્યાનું પણ સ્વીકારી લીધું છે.
2021માં ટીઆરપી ગેમ ઝોન નાના પાયે શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદના વર્ષોમાં વધુને વધુ ગેરકાયદે બાંધકામ કરી તેને મોટા પ્રમાણમાં શરૂ કરવામાં આવ્યો હતો. જે-તે વખતે મનપાની ટીપી શાખાએ તેનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવા માટે નોટીસ આપી હતી. પરંતુ પછીથી કોઈ કાર્યવાહી કરી ન હતી. આખરે આ ગેરકાયદે બંધાયેલા ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. તે સાથે જ ટીપીઓ મનસુખ સાગઠિયાએ ગેરકાયદે બાંધકામ કેમ તોડયું ન હતું તેની પાછળના કારણો અંગે તરેહ-તરેહની ચર્ચાઓ થતી હતી. આ માટે ભ્રષ્ટાચાર કારણભુત હતો કે નેતાઓની ભલામણ તે બાબતે તર્ક-વિર્તકો થતા હતા.
જો કોઈ નેતાની ભલામણ હતી તો તેનું નામ શું છે અગર તો લાંચ લીધી હતી તો કેટલી તે બાબતેના કોઈ ખુલાસા અત્યાર સુધી થયા ન હતા કે પછી તપાસનીશો દ્વારા જાહેર કરાયા ન હતા. કરોડોની અપ્રમાણસર મિલકતના ગુનામાં એસીબી પાસે 6 દિવસના રિમાન્ડ પર રહેલા સાગઠિયાએ આખરે કબૂલ્યું હતું કે તેણે ટીઆરપી ગેમઝોનનું ગેરકાયદે બાંધકામ લાંચ લઈને તોડયું ન હતું. જોકે તેણે આ માટે કેટલી લાંચ લીધી તે અંગે એસીબીના અધિકારીઓએ ખુલાસો કરવાનું હાલ ટાળ્યું છે. એસીબીની તપાસમાં થયેલા આ ખુલાસાથી સ્પષ્ટ થયું છે કે જો જે-તે વખતે જ ટીઆરપી ગેમ ઝોનનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હોત તો કદાચીત 27 નિર્દોષ લોકોનો ભોગ ન લેવાત. એટલું જ નહીં એસીબી સમક્ષની સાગઠિયાની બીજી કબુલાતથી પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેણે મનપામાં મોટાપાયે, પેટભરીને કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હતો.
એટલું જ નહીં તેના ભાઈની ઓફિસમાંથી એસીબીને 15 કરોડની કિંમતનું 22 કિલો સોનું અને 3 કરોડની રોકડ મળી કુલ રૂપિયા 18 કરોડથી વધુની મત્તા મળી હતી, તે પણ ભ્રષ્ટાચારની જ હોવાનું પણ સાગઠિયાએ કબૂલી લીધું છે. એટલે કે સોનાના દાગીના ભ્રષ્ટાચારની રકમમાંથી જ ખરીદવામાં આવ્યા હતા. જયોરે 3 કરોડની રોકડ રકમ પણ ભ્રષ્ટાચારની જ હતી તેવો ખુલાસો પણ એસીબીની તપાસ પરથી થયો છે. એસીબીના અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે સાગઠિયાએ કોની-કોની પાસેથી લાંચની રકમ લીધી તેનો ખુલાસો કર્યો નથી અને તે બાબતેના હવે કોઈ પુરાવા મળશે કે કેમ તે પણ મોટો સવાલ છે.