Home દેશ મુંબઈ-પુણેમાં ભારે વરસાદ : મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાં, થાણે સહિત સમગ્ર...

મુંબઈ-પુણેમાં ભારે વરસાદ : મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાં, થાણે સહિત સમગ્ર કોંકણ માટે 24 કલાકનું રેડ એલર્ટ.

0
53

હૈદરાબાદ પછી હવે મહારાષ્ટ્રના મુંબઈ અને પુણે સહિત ઘણા વિસ્તારોમાં બુધવાર રાતથી મૂશળધાર વરસાદ ચાલુ છે. પુણેના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. અહીં ઘર, રસ્તાઓ, ગલીઓમાં ઘૂંટણથી વધુ પાણી ભરાઈ ગયાં છે. મૌસમ વિભાગે મુંબઈ, થાણે સહિત ઉત્તરી કોંકણના ઘણા વિસ્તારોમાં ગુરુવારે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. બીજી તરફ, તેલંગાણામાં મંગળવારે અને બુધવારે થયેલા વરસાદને કારણે ખરાબ થયેલી સ્થિતિને પગલે મૃત્યુ પામનારાઓનો આંકડો 30 થયો છે.

મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં પાણી ભરાયાં છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે રસ્તે ચાલતા જતા લોકોને મુશ્કેલીઓ પડી રહી છે.

અપડેટ્સ

  • નેશનલ ડિઝાસ્ટર રિલીફ ફોર્સે(એનડીઆરએફ) બે રેસ્ક્યૂ ટીમને કર્ણાટક અને ત્રણ મહારાષ્ટ્ર મોકલી છે. મહારાષ્ટ્રમાં મોકલવામાં આવેલી ટીમને સોલાપુર, પુણેના ઈન્દરપુર અને લાતુરમાં ડિપ્લોય કરવામાં આવી છે.
  • કર્ણાટક નીરાવરી નિગમ લિમિટેડના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે સોન્ના બેરેજમાંથી 2 લાખ 23 હજાર ક્યૂસેક પાણી અફઝલપુર, કલબુરગી જિલ્લામાં ભીમા નદીમાં છોડવામાં આવ્યું છે.
  • મૌસમ વિભાગના જણાવ્યા મુજબ, મધ્ય મહારાષ્ટ્રમાં આગામી 12 કલાકમાં 20થી 30 કિમી પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાઈ શકે છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પુણેના પૂરગ્રસ્ત વિસ્તારમાં 40ને રેસ્ક્યૂ કરાયા

પુણેના પૂરગ્રસ્ત નીમગામના કેતકીમાંથી બુધવારે 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. બારામતીના એસડીઓના જણાવ્યા મુજબ, 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 15 અન્ય લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે, જ્યારે ઈન્દાપુરમાં એક વ્યક્તિ ઝડપથી વહેતા પાણીમાં વહી રહી હતી. જોકે સ્થાનિક લોકોએ જેસીબીની મદદથી તેને બચાવી લીધી. જોરદાર વરસાદને કારણે મુંબઈના સાયન પોલીસ સ્ટેશન અને કિંગ્સ સર્કલમાં પણ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે.

ભારે વરસાદને કારણે શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની પાસે પણ રસ્તાઓ પર પાણી ભરાયાં છે. વરસાદને કારણે પુણેના ઘણા વિસ્તારોમાં મોડી રાતથી વીજળી નથી.

તેલંગાણામાં વરસાદને પગલે અત્યારસુધીમાં 30નાં મોત

તેલંગાણાના ઘણા વિસ્તારોમાં મંગળવારથી ચાલી રહેલા વરસાદને કારણે મૃત્યુ પામનારાઓનો આંકડો 30એ પહોંચી ગયો છે. તેમાંથી 19 મોત માત્ર ગ્રેટર હૈદરાબાદમાં નોંધાયાં છે, જ્યારે ચાર લોકો ગુમ છે. આ વિસ્તારમાં રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા છે. ઘણી કાર પાણીના ઝડપી વહેણમાં વહી ગઈ હતી. બુધવારે બંડલ ગામ વિસ્તારમાં એક ઘર પર પથ્થર પડવાથી બે મહિનાની બાળકી સહિત નવ લોકોનાં મોત થયાં હતાં.

વડાપ્રધાને તેલંગાણા અને આંધ્રના સીએમ સાથે વાત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવ અને આંધ્રપ્રદેશના સીએમ વાય. એસ. જગન મોહન રેડ્ડી સાથે વાત કરી છે. તેમણે બંને રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી સ્થિતિની માહિતી લીધી અને દરેક શકય મદદનો ભરોસો આપ્યો.

ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડી હૈદરાબાદ પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી. કિશન રેડ્ડીએ બુધવારે હૈદરાબાદના નીચલા વિસ્તારોની મુલાકાત લીધી, જ્યાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તેમણે કહ્યું હતું કે છેલ્લાં 40 વર્ષમાં હૈદરાબાદમાં આટલી ખરાબ સ્થિતિ ક્યારેય સર્જાઈ નથી. સમગ્ર શહેર પાણીમાં ડૂબી ગયું છે. શહેરનો મોટા ભાગનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Powered by Live Score & Live Score App