કોરોનાવાઈરસ : અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયાના અનેક વિસ્તારો ફરી લૉકડાઉન તરફ

0
2

વોશિંગ્ટન. કોરોનાના વધતા કેસને કારણે અમેરિકાનાં ડઝનેક રાજ્યોએ ફરીવાર લૉકડાઉન તરફ પગલું વધાર્યુ છે. એરિઝોનામાં સરકારે બાર, જિમ, સિનેમા થિયેટર અને વૉટરપાર્ક 30 દિવસ માટે ફરીવાર બંધ કરાવ્યાં છે. અહીં જાહેર કાર્યક્રમોમાં પણ 50થી વધુ લોકો એકસાથે સામેલ નહીં થઇ શકે. ગવર્નર ડોગ ડોકીએ તેની જાહેરાત કરી હતી.

એરિઝોનામાં અત્યાર સુધી 76,987 દર્દી મળ્યા છે. જોકે 1,588 મૃત્યુ થયાં છે. અહીં 7 દિવસથી સતત 3,000થી વધુ નવા કેસ આવી રહ્યા છે. ખરેખર ગત અઠવાડિયે અમુક એવા વીડિયો સામે આવ્યા હતા જેમાં અનેક લોકો બાર, રેસ્ટોરાંમાં માસ્ક વિના દેખાયા હતા એટલા માટે સરકારે ફરીવાર લૉકડાઉન લગાવવાનો નિર્ણય લીધો હતો.

ફ્લોરિડાએ તેના દક્ષિણ સમુદ્રકિનારે 4 જુલાઈ(વીકેન્ડ)માં ફરવા પર રોક લગાવી છે. સૂત્રો કહે છે કે સરકાર તેને આગળના વીકેન્ડ સુધી જારી રાખી શકે છે. ફ્લોરિડામાં અત્યાર સુધી 1,46,341 દર્દી મળ્યા છે અને 3,447 લોકો મૃત્યુ પામ્યા છે. ટેનેસીમાં સ્ટેટ ઈમરજન્સી 29 ઓગસ્ટ સુધી આગળ વધારાઈ છે. જ્યોર્જિયા પણ તેને બે અઠવાડિયાં વધારવાની યોજના બનાવી રહ્યું છે.

બ્રિટન: અઠવાડિયામાં દેશમાં મળેલા કુલ કેસમાંથી 10 ટકા લિસેસ્ટરના
બ્રિટનમાં લિસેસ્ટર ફરી લૉકડાઉન લગાવનાર પ્રથમ શહેર બની ગયું છે. અહીં 15 જૂનથી બિનઈમરજન્સી દુકાનો ખૂલી ગઈ હતી પણ હવે મંગળવારથી તે બંધ કરાઈ. અહીં 1 જૂનથી સ્કૂલો ખૂલી હતી તે પણ બંધ કરાવાઈ. એટલું જ નહીં બાકી બ્રિટનમાં પબ, રેસ્ટોરાં, સિનેમા, ધાર્મિક સ્થળો 4 જુલાઈથી ખૂલશે પણ લિસેસ્ટરમાં નહીં. લિસેસ્ટરમાં 1,000થી વધુ કેસ છે અને 271 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં ગત અઠવાડિયે દેશના 10 ટકા દર્દી મળ્યા હતા.

ઓસ્ટ્રેલિયા: મેલબોર્નના 32 ઉપનગરોમાં ફરી લૉકડાઉન
મેલબોર્નનાં 32 ઉપનગરોમાં ફરીવાર એક મહિનાનું લૉકડાઉન લગાવાયું છે. મેલબોર્ન વિક્ટોરિયા રાજ્યનો ભાગ છે. વિક્ટોરિયામાં 71 નવા દર્દી મળ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો. વિક્ટોરિયામાં અત્યાર સુધી 2100 કેસ સામે આવ્યા છે. વિક્ટોરિયાના પ્રશાસક ડેનિયલ એન્ડ્રયુએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટને બે અઠવાડિયાં માટે મેલબોર્ન આવતા અટકાવાઈ છે. ક્વિન્સલેન્ડે વિક્ટોરિયાને તેને ત્યાં આવતા લોકો માટે 14 દિવસ ક્વૉરન્ટીન ફરજિયાત કર્યુ છે.