અમેરિકામાં ચેતવણીની અવગણના કરી અનેક કોલેજો શરૂ, હજારો વિદ્યાર્થીઓ ચેપથી પ્રભાવિત

0
5

અમેરિકાના કોલેજ કેમ્પેસમાં વિદ્યાર્થીઓને બોલાવવા માટે અપનાવાયેલ મોડલ નિષ્ફળ ગયું છે. અનેક યુનિવર્સિટી અને કોલેજોમાં સંશોધકોના અનુમાન ભારે પડી ગયાં. ટેસ્ટિંગ, માસ્ક પહેરવા સહિત અન્ય સાવચેતીઓ રાખવાથી કોઈ ફેર પડ્યો નથી. વિદ્યાર્થીઓની વાપસીથી સમસ્યા વધુ વકરી છે. જ્યારે અનેક કોલેજોએ ચેતવણીની અવગણના કરી કેમ્પસ ખોલી મુશ્કેલી વધારી લીધી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ સુધી હજારો વિદ્યાર્થીઓ ચેપના શિકાર થયા હતા. એક યુનિવર્સિટીમાં તો 28 હજારથી વધુ વિદ્યાર્થી બીમાર થઈ ગયા છે.

ઈલિનોય યુનિવર્સિટીમાં ફિજિક્સના બે સંશોધકો નાઈજેલ ગોલ્ડનફેલ્ડ અને સર્જેઈ માસલોવે કેમ્પસ માટે એક મોડલ તૈયાર કર્યુ હતું. તે હેઠળ સપ્તાહમાં બે દિવસ વિદ્યાર્થીઓ અને સંપૂર્ણ સ્ટાફનું ટેસ્ટિંગ, માસ્ક પહેરવા અને કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે એપના ઉપયોગની જોગવાઈ હતી. અંદાજ લગાવાયો હતો કે આ ઉપાયોથી 46 હજાર લોકોના કેમ્પસમાં ચેપને 500 લોકો સુધી મર્યાદિત રાખી શકાશે. પણ આ મોડલ નિષ્ફળ રહ્યું. 16 ઓગસ્ટે કેમ્પસ ખૂલવા અને 13 સપ્ટેમ્બર વચ્ચે યુનિવર્સિટીમાં કોવિડ-19ના 1800થી વધુ નવા કેસ સામે આવ્યા છે. પહેલા સપ્તાહમાં એક હજાર લોકો ચેપગ્રસ્ત થયા હતા. ગોલ્ડનફેલ્ડ કહે છે કે વિદ્યાર્થીઓ પોતાને અલગ ન રાખી શક્યા.

દેશમાં અનેક કોલેજોએ વિદ્યાર્થીઓને કેમ્પસમાં પાછા લાવવા પગલાં ભર્યાં છે. અમુક કોલેજોએ કમ્પ્યૂટર મોડલથી જોયું કે કોવિડ-19 વિદ્યાર્થીઓ અને સ્ટાફ પર શું અસર કરશે. પણ ઈલિનોય યુનિવર્સિટી સમાન આ મોડલ અનુમાન પર આધારિત હતા. એટલા માટે અંતે ખોટા સાબિત થયા છે. અમુક મામલે યુનિવર્સિટીના અધિકારીઓએ સાવચેતીથી ઉપયોગ કરવાની ભલામણોને નેવે મૂકી દીધી. મોડલોમાં દર્શાવાયું કે નિયંત્રણનાં પગલાં ન ભરવાનાં પરિણામ શું હશે? તેમ છતાં તેના પર ધ્યાન ન અપાયું.

બંને સ્થિતિમાં અમેરિકાના કોલેજ કેમ્પસ કોવિડ-19 વાઈરસનું નવું ઠેકાણું સાબિત થયા છે. અમુક શૈક્ષણિક સંસ્થાનોની સ્થિતિ પર નજર કરો. સેન્ટ્રલ ફ્લોરિડા યુનિવર્સિટીમાં 8 ઓગસ્ટ પછી 286 કેસ સામે આવી ચૂક્યા છે. ટેક્સાસ ક્રિશ્ચિયન યુનિવર્સિટીમાં ઓગસ્ટ મહિનામાં 600 અને સપ્ટેમ્બરમાં અત્યાર સુધી 212 કેસ સામે આવ્યા છે. આયોવા યુનિવર્સિટીમાં 18 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર વચ્ચે 1732 કેસ આવી ચૂક્યા હતા. સાઉથ કેરોલિના યુનિવર્સિટીમાં એક ઓગસ્ટ પછી 2074 કેસ મળ્યા છે. અનેક કોલેજોએ વિદ્યાર્થીઓને ઘરે પાછા મોકલવાનું શરૂ કરી દીધું છે. ઈલિનોય યુનિવર્સિટીએ 2 સપ્ટેમ્બરથી બે અઠવાડિયાનું લૉકડાઉન લાગુ કર્યુ હતું. પેન સ્ટેટ યુનિવર્સિટીએ ચેપની ચેતવણીની અવગણના કરી હતી. ત્યાં હજારો વિદ્યાર્થીઓ બીમાર થઈ ગયા હતા. નોત્રે ડેમ યુનિવર્સિટીએ પ્રોફેસર એડવિન માઈકલના ચેપ ફેલાવાના મોડલ પર કોઈ ધ્યાન આપ્યું નહીં. ત્યાં 642 વિદ્યાર્થી ચેપની લપેટમાં આવ્યા હતા. જ્યોર્જિયા યુનિવર્સિટીમાં ચેપી રોગના સેન્ટરના ડિરેક્ટર જોન ડ્રેકે કેમ્પસ શરૂ કરવા પર 30 હજારથી વધુ લોકોના ચેપગ્રસ્ત થવાની આગાહી કરી હતી. કોઈએ તેમના મોડલ પર ધ્યાન ન આપ્યું.

પેન સ્ટેટ યુનિવર્સિટીમાં 28 હજાર વિદ્યાર્થીઓ ચેપગ્રસ્ત

પેન સ્ટેટ યુનિવર્સિટીમાં શિક્ષકોના એક ગ્રૂપ કોએલિશન ફોર અ જસ્ટ યુનિવર્સિટીએ એક મોડલ તૈયાર કર્યુ. તેમાં જણાવાયું કે યુનિવર્સિટી કેમ્પસ ખૂલવાથી ચેપની સ્થિતિ શું હશે? ગ્રૂપમાં એન્જિનિયરિંગ અને સાયન્સ ફેકલ્ટી સામેલ છે. તેમના મોડલે જણાવ્યું કે જો દરરોજ એક ટકા વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાશે તો 1800થી વધુ વિદ્યાર્થી બીમાર પડશે. બે હજાર વિદ્યાર્થી વાઈરસથી મૃત્યુ પામી શકે છે. 28 ઓગસ્ટ પછી યુનિવર્સિટી કેમ્પસમાં 28 હજાર 650 વિદ્યાર્થી ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. કેમ્પસમાં 47 હજાર વિદ્યાર્થી છે. ગ્રૂપે યુનિવર્સિટી તંત્રને મોડલ મોકલ્યું હતું પણ તેણે કોઈ પ્રતિક્રિયા ન આપી. પેન સ્ટેટ યુનિવર્સિટીના પ્રવક્તાએ એક સ્થાનિક અખબારને જણાવ્યું કે મોડલની રીત દોષપૂર્ણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here