31 માર્ચ ટેક્સ અને અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટેની છેલ્લી તારીખ

0
4

નાણાકીય વર્ષનો છેલ્લો મહિનો હોવાને કારણે માર્ચ મહિનાનું ઘણું મહત્ત્વ હોય છે. 31 માર્ચ ટેક્સ અને અન્ય યોજનાઓનો ફાયદો લેવા માટેની છેલ્લી તારીખ છે. આ સમયે જો તમે તમારું ઘર લેવા માગો છો તો તેના ફાયદાનો એક તબક્કો પૂરો થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સબ્સિડી હવે ફક્ત 13 દિવસ સુધી મળશે. તે 31 માર્ચ 2020-21ના રોજ સમાપ્ત થઈ જશે.

તે ઉપરાંત ટેક્સ બચાવવા માટે રોકાણ કરવું અને આધાર-પેન લિંક કરાવવા જેવા ઘણા જરૂરી કામ આ મહિને કરવાના છે. અમે તમને આવા જ 10 કામો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે 31 માર્ચ સુધી કરવાના છે.

1. ઈન્કમ ટેક્સ છૂટ મેળવવા માટે રોકાણ

જો તમે ઈન્કમ ટેક્સ છૂટનો ફાયદો લેવા માટે રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે 31 માર્ચ સુધીમાં કરવું પડશે. સરકાર ઈન્કમ ટેક્સ એક્ટની ઘણી સેક્શન જેમ કે, 80C અને 80D અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટનો ફાયદો આપે છે. ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવા પર ટેક્સ છૂટ લઈ શકાય છે.

2. મોડેથી ફાઈલ કરી દો અને રિવાઈઝ્ડ રિટર્ન

2019-20 માટે મોડું અથવા સંશોધિત ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ પણ 31 માર્ચ છે. કોઈપણ નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવાની મૂળ સમયમર્યાદા પૂરી થયા બાદ બિલેટેડ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે. તેના માટે કરદાતાને પેનલ્ટી આપવી પડે છે. રિવાઈઝડ્ રિટર્ન ત્યારે ફાઈલ કરવામાં આવે છે જ્યારે ઓરિજિનલ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈ ભૂલ થઈ હોય. બિલેટેડ ITR ઈન્કમ ટેક્સ એક્ટ, 1961ની સેક્શન 139(4) અંતર્ગત ફાઈલ કરવામાં આવે છે. તેમજ રિવાઈઝ્ડ ITRને સેક્શન 139 (5) અંતર્ગત દાખલ કરવામાં આવે છે. બિલેટેડ રિટર્ન 10 હજાર રૂપિયાની લેટ ફાઈલિંગ ફીની સાથે 31 માર્ચ 2021 પહેલા જમા કરવામાં આવે છે.

3. આધાર-પેન લિંક કરાવી લો

પેનકાર્ડને આધારની સાથે લિંક કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ છે. ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેને લિંક કરાવવાની છેલ્લી તારીખને લંબાવી રહી છે પરંતુ આ વખતે જો છેલ્લી તારીખ લંબાવવામાં નહીં આવે તો જેમનું પેન આધારની સાથે લિંક નથી તેમના માટે મુશ્કેલી થઈ શકે છે. 31 માર્ચ સુધી પેન કાર્ડને આધારની સાથે લિંક કરાવી લો. જો તમે 31 માર્ચ સુધી તમારા પેનને આધાર સાથે લિંક નથી કરાવતા તો તે ડિએક્ટિવેટ થઈ જશે. આવી સ્થિતિમાં ડિએક્ટિવ થવાથી બચવા માટે તેને 31 માર્ચ સુધી લિંક કરાવી લો.

4. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અપ્લાય કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) લોકોને સસ્તા દરે ઘર ઉપલબ્ધ કરાવવા માટે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક સ્કીમ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ સુધી લઈ શકાય છે. યોજના અંતર્ગત જે લોકો પહેલી વખત ઘર ખરીદશે તેમને ક્રેડિટ લિંક્ડ સબ્સિડી આપવામાં આવે છે. જે મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોય છે. વિવિધ આવક જૂથોને વિવિધ સબ્સિડી આપવામાં આવે છે.

5. વિવાદથી વિશ્વાસ યોજના અંતર્ગત ડિટેઈલ આપવાની છેલ્લી તારીખ

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પ્રત્યક્ષ કર (ડાયરેક્ટ ટેક્સ) વિવાદ સમાધાન યોજના ‘વિવાદથી વિશ્વાસ ’અંતર્ગત ડિટેઈલ આપવાની ડેડલાઈનને લંબાવીને 31 માર્ચ અને ચૂકવણી માટે લંબાવીને 30 એપ્રિલ કરી દીધી હતી. આ સ્કીમનો હેતું બાકી કર વિવાદોનું સમાધાન કરવાનું છે.

6. સ્પેશિયલ ફેસ્ટિવ એડવાન્સ સ્કીમનો ફાયદો

સ્પેશિયલ ફેસ્ટિવ એડવાન્સ સ્કીમ અંતર્ગત સરકારે તેના કર્મચારીઓ માટે 10 હજાર રૂપિયાના વ્યાજ મુક્ત એડવાન્સની પણ જાહેરાત કરી હતી. આપેલા એડવાન્સને મહત્તમ 10 હપ્તામાં પરત કરવાના હતા. આ સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સનો ફાયદો ઉઠાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2021 છે. આ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે કર્મચારીઓને રૂપે પ્રી-પેડ કાર્ડ મળશે. તે પહેલાથી રિચાર્જ હશે. તેમાં 10 હજાર રૂપિયા મળશે. તે ઉપરાંત તેના પર જે બેંક ચાર્જ લાગે છે તે પણ સરકાર ઉઠાવશે. કર્મચારી 10 મહિનામાં એડવાન્સમાં લીધેલી રકમને પરત કરી શકે છે.

7. LTC કેશ વાઉચક સ્કીમનો ફાયદો

કોરોનાના કારણે ચાલુ નાણાકીય વર્ષ 2020-21માં લોકો મુસાફરી નથી કરી શક્યા. તેથી સરકારે વિશેષ લીવ ટ્રાવેલ કન્સેશન (LTC) કેશ વાઉચર સ્કીમની જાહેરાત કરી હતી. તેના અંતર્ગત 12 ઓક્ટોબર 2020થી 31 માર્ચ 2021 સુધી કોઈ વસ્તુ અથવા સર્વિસ ખરીદી પર પણ લોકો LTCનો લાભ ઉઠાવી શકે છે. શરત એટલી છે કે વસ્તુ પર ઓછામાં ઓછો 12% GST લાગુ કરવામાં આવ્યો છે અને પેમેન્ટ ડિજિટલ રીતે કરવામાં આવેલું હોવું જોઈએ. વ્યક્તિ દીઠ LTC ફેરની મર્યાદા 36,000 રૂપિયા છે. પરંતુ તેને લેવા માટે કર્મચારીને ત્રણ ગણી રકમ ખર્ચ કરવી પડશે.

8. PM કિસાનમાં રજિસ્ટ્રેશન

PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત અત્યાર સુધી 7 હપ્તા ખેડૂતોના ખાતામાં મોકલામાં આવ્યા છે. જે લોકોને અત્યાર સુધી PM કિસાન સન્માન નિધિ યોજનામાં પોતાનું રજિસ્ટ્રેશન નથી કરાવી શક્યા તેઓ 31 માર્ચ પહેલા અરજી કરે છે અને જો તેમની અરજીનો સ્વીકાર કરવામાં આવે છે તો હોળી બાદ તેમને 2000 રૂપિયા મળશે અને તેમજ એપ્રિલ અથવા મે મહિનામાં બીજા હપ્તા તરીકે 2000 રૂપિયા મળશે. આ યોજનામાં સરકાર વાર્ષિક 6000 રૂપિયા બે-બે હજારના ત્રણ હપ્તામાં આપે છે.

9. GST રિટર્ન ફાઈલિંગ

સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે વાર્ષિક GST રિટર્ન ફાઈલ કરવાની સમય મર્યાદા 31 માર્ચ 2021 સુધી લંબાવી દીધી હતી. છેલ્લી તારીખ બાદ રિટર્ન ફાઈલ કરવા પર તમારે 200 રૂપિયાનો દંડ ભરવો પડશે.

10. ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ અંતર્ગત લોન

સરકારે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs)ને લાભ આપવા માટે ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરંટી સ્કીમ (ECLGS) શરૂ કરી હતી. આ સ્કીમનો ઉદ્દેશ્ય કોરોના સંકટના કારણે તે MSME ફર્મ્સને આર્થિક સહાય પૂરી પાડવાનો છે જે મુશ્કેલીનો સામનો કરી રહી છે. આ સ્કીમ માટે સરકારે 3 લાખ કરોડની રકમ રાખી છે. આ સ્કીમ આ વર્ષે 31 માર્ચ સુધી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here