રાજકોટ : સોલાર ફેક્ટરીનો માલિક હોવાનું પોલીસ કમિશનરનું ફેક ક્લિયરન્સ સર્ટિફિકેટ બનાવી લગ્ન કર્યાં, પત્નીએ જ ભાંડો ફોડ્યો.

0
13

રાજકોટમાં કાલાવડ રોડ પર પિયરમાં રહેતી પરિણીતાએ મવડી ક્રિષ્ના પાર્કમાં રહેતાં પતિ અને સસરા વિરુદ્ધ છેતરપિંડી અને માવતરથી પૈસા લાવવાનું કહી ત્રાસ આપતા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. લગ્ન પહેલા પતિએ પોતાને મેટોડામાં સોલાર ફેક્ટરી હોવાનું અને એ માટે પોલીસ કમિશનરે સર્ટી આપ્યાનું કહી ખોટું સર્ટી બતાવ્યું હતું. પણ આ સર્ટિફિકેટ ખોટું અને બોગસ હોવાનું પરિણીતાને જાણવા મળતા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

માવતરથી પૈસા લાવવાનું કહી ત્રાસ આપતા હતાં- ફરિયાદી

નિમીષાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે, હું પતિ અને દિયર મીત અને સસરા સાથે દોઢેક વર્ષથી રહેતી હતી. નિકુંજે લગ્ન વખતે અમને કહ્યું હતું કે મારે મેટોડા GIDCમાં સોલાર મેન્યુફેકચરીંગનું કારખાનું છે. તેમજ તે માટે રાજકોટ પોલીસ કમિશનરેએ સર્ટિફિકેટ પણ આપ્યા છે. તેવી વાત કરી હતી અને કાગળો બતાવ્યા હતાં. જેથી તેના પર વિશ્વાસ મુકી લગ્ન કર્યા હતાં. જે બાદ મારા પતિ કારખાને જતાં ન હતા, જેથી મે કહ્યું કે મારે પણ ફેક્ટરી આવવું છે. તો તેને ના પાડી હતી. જે બાદ પૂછ્યું કે ઘરે કેમ માણસો રૂપિયાની ઉઘરાણીએ આવે છે?, ત્યારે મારા પતિએ કહ્યું કે તાપા બાપ પાસેથી રૂપિયા લઇ આવ, આ બધાને દેવાના છે. તેમ કહીં મારકૂટ કરી ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. સસરાને વાત કરતાં તેણે પણ મને તારા પપ્પા પાસેથી રૂપિયા લઇ આવ તો બધાય માંગણાવાળાને આપી દઇએ તેમ કહીં મહેણાટોણાં માર્યા હતાં અને ત્રાસ આપતા હતાં.

તપાસ કરતા જાણવા મળ્યું કે GIDCમાં કોઈ ફેક્ટરી નથી- ફરિયાદી

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે સાસરીયાઓ વધુ ત્રાસ આપતા હું કાલાવડ રોડ પરના રામનગરમાં માવતર જતી રહી હતી. ત્યાં પણ પતિએ આવીને રૂપિયાની માંગણીઓ કરી હતી. તેમજ હું માવતરેથી રૂપિયા લઇ આવું તો જ મને પાછી લઈ જશે તેમ કહ્યું હતું. એ દરમિયાન મે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે મારા પતિને મેટોડામાં કોઇ જ ફેક્ટરી નથી. તેમજ રાજકોટ પોલીસ કમિશનરે પણ કોઇ સર્ટિફિકેટ આપ્યું નથી. જે સર્ટિફિકેટ તેણે બતાવ્યું હતું તે બોગસ હતું. આ ઉપરાંત રાણી ટાવર પાછળનું મકાન પણ પતિનું નહીં હોવાનું અને 30 હજારના ભાડાથી રાખ્યાનું જાણવા મળ્યું હતું.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

તાલુકા પોલીસે મવડી ચોકડી ક્રિષ્ના પાર્ક 12-એમાં મૂનલાઇટ મારબલ સામે સાસરૂ ધરાવતી અને હાલ રાજકોટના રામનગર ગામે રહેતી નિમિષાબેન નિકુંજ રામાવત (ઉ.વ.25)ની ફરિયાદ પરથી તેણીના પતિ નિકુંજ રામાવત અને સસરા કાલીદાસભાઇ ગોપાલદાસ રામાવત સામે આઇપીસી 406, 420, 465, 468, 471, 498 (એ), 323, 114 તથા દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here