ગાંધીનગર : રાજ્યમાં આગામી ત્રણ દિવસ માવઠુ થવાની આગાહી : શિયાળું પાકને નુકસાન થવાની ભીતિ.

0
6

રાજ્યમાં ખેડૂતોની હાલત વધારે કફોડી થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન ખાતાએ આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની આગાહી કરી છે. રાજ્યમાં કમોસમી વરસાદ કારણે ખેડૂતોની ચિંતામાં ફરી વધારો થયો હતો. સાઇક્લોનિક સર્ક્યુલેશન નબળું પડતા રાહત મળશે તેવું લાગી રહ્યું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે,દક્ષિણ ગુજરાત પર સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં 8થી 10 જાન્યુઆરીના કમોસમી વરસાદ થશે. જેમાં આઠમી જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી, નર્મદા, દાહોદમાં વરસાદની આગાહી છે. 9મી જાન્યુઆરીના રોજ છોટાઉદેપુર, નવસારી, ભરૂચ, દાહોદ અને 10 જાન્યુઆરીના રોજ દાહોદ ડાંગ, ભરૂચ, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી છે. અમદાવાદમાં માવઠું નહીં થાય પરંતુ વાદળો છવાશે.

ડાંગમાં સાપુતારા, આહવા, વઘઈ સહિતના વિસ્તારોમાં માવઠું

ડાંગ જિલ્લાના હવામાનમાં અચાનક પલટો આવતા વહેલી સવારથી જ વાદળો છવાયા હતા. જિલ્લાના અમુક વિસ્તારો માં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. જયારે હવામાન વિભાગની આગાહીને લઇને ડાંગ જિલ્લાના ગિરીમથક સાપુતારા સહિત આહવા, વઘઇના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. માવઠાની ભીતિથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થવાની શકયતાઓ સેવાઇ રહી છે. વરસાદી વાતાવરણના કારણે હવામાન ઠંડુગાર બની ગયું છે. જયારે ગિરીમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ સાથે માવઠું થતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ઠંડીના ચમકારાને લઇને સહેલાણીઓનો આનંદ બેવડાયો હતો.

આબુમાં તાપમાન માઈનસ એક ડિગ્રી

રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા પંદર દિવસથી કાતિલ ઠંડીએ જોર પકડયું છે. આમ છતાં પણ માઉન્ટ આબુમાં સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. મનાલી અને કુલુની જેમ હવે દેશભરમાંથી સહેલાણીઓ માઉન્ટ આબુની સહેલગાહે આવતા થયા છે. તેના કારણે માઉન્ટ આબુમાં હવે હાઈ-ફાઈ હોટેલો અને રેસ્ટોરન્ટ શરૂ થયા છે. હાલની કાતિલ ઠંડી વચ્ચે પણ માઉન્ટ આબુમાં સહેલાણીઓ આઈસ્ક્રીમની લિજ્જત માણતા નજરે પડે છે. આજે માઉન્ટ આબુમાં ઠંડીમાં સામાન્ય ફેરફાર સાથે તાપમાનનો પારો માઈનસ એક ડિગ્રી નોંધાયો હતો. જ્યારે મહત્તમ તાપમાન અઢાર ડિગ્રી નોંધાયુ હતું.