વડોદરા : માથાભારે મયંકે બંટીની પત્નીના ખાતામાં 2 હજાર જમા કરાવ્યા અને હત્યા થઇ

0
39

વડોદરાઃ મંગળબજારના વોન્ટેડ પંડ્યા બંધુઓએ ભૂતકાળના મિત્ર મયંક ટેલરની તલવાર અને ગુપ્તીના 8 ઘા ઝીંકી કરેલી હત્યા પાછળ આડાસંબંધ જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે. બંટી પંડ્યાની પત્ની ધારાના બેંક એકાઉન્ટમાં 3 દિવસ પહેલા મયંક ટેલરે રૂા. 2 હજાર જમા કરાવ્યા હોવાની જાણ થઇ જતાં ખંડણીખોર બંટી અને તેના ભાઇએ ગુરુવારે રાત્રે નવાબજારના નાકે મયંક ટેલરની કરપીણ હત્યા કરી ફરાર થઇ ગયા હતાં. પોલીસે હત્યારા બંધુઓની શોધખોળ હાથ ધરી છે.

તલવાર વડે જાહેરમાં હત્યા
દોઢ મહિના પહેલા જ મંગળબજારના ખંડણીખોર સમીર ઉર્ફે બંટી અશોક પંડયા અને ચિરાગ અશોક પંડ્યાએ અગાઉની અદાવતે મયંક ટેલર સાથે મારામારી કરી હતી. પોલીસ ચોપડે વોન્ટેડ બંધુઓએ ગુરુવારે રાત્રે 9:30 કલાકે નવાબજારના નાકે શંકર પાનના ગલ્લા પર મિત્રો રાજુડી અને લાલુ સાથે ઉભેલા મયંક ટેલર પર ઘાતકી હુમલો કર્યો હતો. પંડ્યા બંધુઓએ તલવાર અને ગુપ્તીના ઉપરાછાપરી 8 ઘા ઝીંકી દેતાં મયંક લોહીલુહાણ હાલતમાં રોડ પર ફસડાઇ ગયો હતો. ગંભીર ઘાયલ મયંકને સયાજી હોસ્પિટલમાં ખસેડતાં ટૂંકી સારવારમાં જ તેનું મોત નીપજ્યું હતું. જાહેરમાં હત્યાના પગલે ક્રાઇમ બ્રાન્ચ સહિતની પોલીસ ટીમો એકશનમાં આવી ગઇ હતી. હત્યાના પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસે ઘટના સ્થળ અને હોસ્પિટલ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

હુમલાખોરોની શોધખોળ શરૂ
હત્યા પાછળ મયંક અને બંટીની પત્ની ધારા વચ્ચેના આડાસંબંધ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. સિટી પીઆઇ ડી.જે. સોસાએ જણાવ્યું કે, 3 દિવસ પહેલા મયંકે ધારાના બેંક એકાઉન્ટમાં રૂા. 2 હજાર જમા કરાવ્યા હતાં. તેની જાણ બંટીને થઇ જતાં મામલો બિચક્યો હતો. અગાઉના ગુનામાં બંને ભાઇ વોન્ટેડ હતા, રાત્રે અચાનક આવી મયંકની હત્યા કરી હતી. બંને હુમલાખોરની શોધખોળ ચાલી રહી છે.

મયંકને માથાથી લઇને પગ સુધી 20 જેટલા ઘા ઝીંકી દીધા હતા
સયાજી હોસ્પિટલમાં શુક્રવારે બપોરે દોઢથી બે કલાક સુધી મયંક ટેલરનું પોસ્ટમોર્ટમ ચાલ્યું હતું. જે સામાન્ય પોસ્ટમોર્ટમ કરતાં વધુ લાંબું હતું. આ પોસ્ટમોર્ટમ બે તબીબો દ્વારા થયું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેના શરીર પરના ઘાની વિગતનો ખયાલ આવે છે. તેના શરીરે 15થી 20 જેટલા ઘા હતા. તમામ ઘા તીક્ષ્ણ હથિયારોથી થયા હતા. માથા, ગળા, બોચી, બંને હાથ, બરડાના પાછળના ભાગ, પગ વગેરે અંગો પર હથિયારો વિંઝાયાં હતાં. બંને હાથનાં કાંડાં પર પણ તલવારના જોરદાર ઘા મારવામાં આવ્યા હતા. આ ઉપરાંત બરડા અને ગળાના ભાગે પણ વધુ ઊંડા તીક્ષ્ણ ઘા જોવા મળ્યા હતા. પોલીસે હત્યા કરી ભાગી છૂટેલા ચિરાગ અને બંટીની શોધખોળ હાથ ધરી છે. તેમજ આશ્રય સ્થાનો પર વોચ ગોઠવી છે.

બંટી, ચિરાગ સામે ખંડણી સહિતના ગુના, હત્યાનો પહેલો ગુનો નોંધાયો
મંગળબજારના વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવતા સમીર ઉર્ફે બંટી અને ચિરાગ પંડ્યાનો ગુનાઇત ભૂતકાળ છે. ચિરાગ વિરૂદ્ધ લૂંટનો એક, ખંડણીના 4 , હત્યાની કોશિશનો એક અનેે મારામારીના 2 મળી કુલ 8 ગુના નોંધાયા છે જ્યારે સમીર ઉર્ફે બંટી સામે હત્યાનો પ્રયાસ, મારામારી, ખંડણી અને લૂંટના 24 ગુના નોંધાયેલા છે. બંનેની અગાઉ પાસા હેઠળ પણ અટકાયત કરાઇ છે. સામા પક્ષે મયંક ટેલર સામે પણ હત્યાના પ્રયાસ સહિત 5 ગુના નોંધાયા છે, ધારાએ પણ અગાઉ તેની સામે ફરિયાદ કરી હતી તેવું પીઆઇ સોસાએ કહ્યું છે. મયંક પહેલા બંટી અને ચિરાગની ગેંગમાં જ હતો, તે છૂટો પડયા બાદ એકબીજાના લોહીતરસ્યા બન્યા હતાં.

ક્રાઇમ બ્રાન્ચ પંડ્યાબંધુઓ સામે લાચાર!
ક્રાઇમ બ્રાન્ચે અસલમ બોડિયો, અજ્જુ કાણિયો સહિતના ગુંડાઓને કાન પકડાવી દીધા છે. જમીન માફિયાઓ સામે પણ કડક કાર્યવાહી કરી છે પરંતુ ખંડણીખોર પંડ્યાબંધુઓ સામે લાચાર થઇ ગઇ છે. બંનેનું અગાઉ જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું છતાં દુકાનમાં ઘૂસીને વેપારીને માર માર્યો હતો અને તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. બંને મંગળબજાર અને નવાબજાર વિસ્તારમાં જાહેરમાં ફરતા હોવા છતાં પોલીસને દેખાતા ન હતાં.

રોડ પર લોહીલુહાણ મયંક છેલ્લા શ્વાસ ગણતો હતો અને લોકો વીડિયો ઉતારતા હતા
નવાબજાર શંકર પાનના ગલ્લા પાસે મયંક ટેલર પર જીવલેણ હુમલો થતાં તે વરસાદથી ભીના રોડ પર લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. આસપાસ લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. કેટલાક લોકો તેને શ્વાસ લેવા માટે કહી રહ્યા હતા જ્યારે અમુક પોલીસને બોલાવવાની વાતો કરી એમ્બ્યુલન્સની રાહ જોતા હતા. મયંક છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો ત્યારે કેટલાક લોકો મોબાઇલમાં તેનો વીડિયો ઉતારી રહ્યા હતા.

પાંચવાર સમાધાન કર્યું પણ ગેંગમાં ન ગયો એટલે મયંક પર હુમલો કર્યો: કાકા
મયંકના કાકા રાજેશ ટેલરે કહ્યું કે, ચિરાગ અને બંટીએ અમારી સાથે 10 વાર સમાધાન કર્યું છતાં મારી દુકાન સળગાવી દીધી હતી. 3 મહિના પહેલા મયંકને માર માર્યો હતો. 2 મહિના પહેલા તેની દુકાન પર પણ હુમલો કર્યો હતો. દોઢ મહિના પહેલા મયંકને છુટ્ટી ગુપ્તી મારીને પણ ભાગી ગયા હતાં. અમે દરેકમાં સંબંધ રાખી કશું કરતા ન હતાં અને ફરીવખત તલવારના ઘા મારી ઇજા કરી છે. અગાઉ અદાવત હતી પણ સમાધાન થઇ ગયું હતું. 5 વર્ષથી તેની સાથે જતો નથી, બોલતો નથી એટલે બંને ભાઇએ હુમલો કર્યો છે, તેને છોડવા માગતા નથી. કાકી ચૈતાલી ટેલરે જણાવ્યું કે મયંક સુધરી ગયો છે તેને આ લોકો બગાડવા માગે છે, તું ક્યારે આવે છે મારી પાસે તેવું જ કહ્યા કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here