મધ્યસ્થતા પેનલ નિષ્ફળ, અયોધ્યા મામલે 6 ઓગસ્ટથી રોજ ઓપન કોર્ટમાં સુનાવણી થશે

0
22

અયોધ્યા ભૂમિ વિવાદનો ઉકેલ લાવવા માટે બનાવવામાં આવેલી મધ્યસ્થતા પેનલે ગુરુવારે સુપ્રીમ કોર્ટને બંધ કવરમાં અંતિમ રિપોર્ટ આપી દીધો હતો. આ વિશે આજે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતાં કહ્યું છે કે, મધ્યસ્થતા પેનલ નિષ્ફળ ગઈ છે. પરિણામે હવે આ કેસની 6 ઓગસ્ટથી રોજ ઓપનમાં સુનાવણી કરવામાં આવશે.

નોંધનીય છે કે, કોર્ટે એક અરજીના આધારે 11 જુલાઈએ મધ્યસ્થતા પેનલ પાસેથી આ રિપોર્ટ માંગ્યો હતો. સોમવારે દરેક પક્ષો વચ્ચે દિલ્હીમાં આવેલા ઉત્તર પ્રદેશ સદનમાં આ વિશે છેલ્લી મીટિંગ કરવામાં આવી હતી.

આ પહેલાં 18 જુલાઈએ મધ્યસ્થતા પેનલે કોર્ટને સ્ટેટસ રિપોર્ટ સોંપ્યો હતો. ત્યારે સીજેઆઈએ કહ્યું હતું કે, અત્યારે મધ્યસ્થતા રિપોર્ટને રેકોર્ડમાં નથી લેવામાં આવ્યો, કારણ કે હાલ તે ખાનગી છે. પેનલ ટૂંક સમયમાં અંતિમ રિપોર્ટ કોર્ટને સોંપશે. જો તેમાં કોઈ સકારાત્મક પરિણામ નહીં આવે તો 2 ઓગસ્ટથી રોજ સુનાવણી વિશે વિચાર કરવામાં આવશે. તે જ દિવસે સુનાવણીને લઈને આગામી મુદ્દાઓ અને દસ્તાવેજોના અનુવાદની ખામીઓ ચિન્હિત કરવામાં આવશે.

મધ્યસ્થતા પેનલથી નથી મળી રહ્યા સકારાત્મક પરિણામ
આ પહેલાં અરજીકર્તાએ કહ્યું કે, મધ્યસ્થતા પેનલથી કોઈ સકારાત્મક પરિણામ નથી મળી રહ્યું. તેથી કોર્ટે જલદી નિર્ણય લેવા માટે રોજ સુનાવણી પર વિચાર કરવો પડશે. આ વિશે કોર્ટે કહ્યું હતું કે, મધ્યસ્થતા પેનલનો સ્ટેટ્સ રિપોર્ટ જોયા પછી જ નક્કી કરીશું કે અયોધ્યાની મામલે રોજ સુનાવણી કરવી કે નહીં. અયોધ્યા વિવાદમાં પક્ષકાર ગોપાલ સિંહ વિશારદની અરજી અને જલદી સુનાવણીને નિર્મોહી અખાડાએ પણ સમર્થન આપ્યું છે. અખાડાએ કહ્યું છે કે, મધ્યસ્થતા પ્રક્રિયા યોગ્ય દિશામાં આગળ નથી વધી રહી. આ પહેલાં અખાડા મધ્યસ્થતાના પક્ષમાં હતા.

કોર્ટે માર્ચમાં મધ્યસ્થતા પેનલ બનાવી હતી
સુપ્રીમ કોર્ટે 8 માર્ચે આ મુદ્દાનો વાતચીતથી ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા સમિતિ બનાવી હતી. સમિતિમાં પૂર્વ જસ્ટિસ એફએમ કલિફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિ શંકર, સીનિયર વકીલ શ્રીરામ પંચૂ સામેલ છે. મેમાં જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.અબ્દુલ નઝીરની બેન્ચે મધ્યસ્થતા સમિતિને આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે 15 ઓઘસ્ટ સુધીનો સમય આપ્યો હતો. બેન્ચે સભ્યોને આદેશ આપ્યો હતો કે, આઠ સપ્તાહમાં આ મુદ્દાનો ઉકેલ લાવે અને સમગ્ર વાતચીત કેમેરાની સામે થવી જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ કરાઈ
2010માં અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અરજી દાખલ કરવામાં આવી હતી. હાઈકોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું હતું કે, અયોધ્યાના 2.77 એકરના વિસ્તારને 3 સમાન ભાગમાં વહેંચી દેવામાં આવે. પહેલો ભાગ સુન્ની વક્ફ બોર્ડ, બીજો-નિર્મોહી અખાડા અને ત્રીજા રામલલ્લાને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here