રામ મંદિર માટે દાન : વિશ્વ હિન્દુ પરિષદના અમદાવાદ કાર્યાલય ખાતે હિન્દુ સમાજના અગ્રણીઓ સાથે બેઠક.

0
5

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. ભૂમિપૂજન ભવ્ય રામ મંદિર બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓ વચ્ચે સમગ્ર દેશમાંથી મંદિરમાં કોઈ ને કોઈ રીતે યોગદાન આપવામાં આવી રહ્યું છે, જેને પગલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અમદાવાદમાં એક કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલય પર 14મી જાન્યુઆરીથી કાર્યકરો રામ મંદિર માટે દાન એકઠું કરશે, જેમાં 5,600 ગામ અને 30 લાખ જેટલા હિન્દુ પરિવારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પરિવારો પાસેથી ઓછામાં ઓછા 10 રૂપિયાની મદદ માગવામાં આવશે. એની સાથે સાથે કેટલાક હીરાના વેપારીએ 10 કરોડ સુધીનું દાન આપવાની તૈયારીઓ કરી છે.

આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના અમદાવાદ કાર્યાલય ખાતે હિન્દુ સમાજના અગ્રણીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસ સાથે શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને ધારાસભ્ય રાકેશ શાહ પણ હાજર રહ્યા હતા. VHPના જણાવ્યા અનુસાર, તમામ હિન્દુ પરિવાર પાસે જઈને રામ મંદિર માટે ઓછામાં ઓછા 10 રૂપિયાની મદદ મગીશું, જે માટે અનેક લોકોએ તૈયારી બતાવી છે.

સાડાત્રણ વર્ષમાં તૈયાર થશે મંદિર

રામમંદિરનો નકશો તૈયાર કરનારા ચીફ આર્કિટેક્ટ સોમપુરાના પુત્ર નિખિલ સોમપુરા મુજબ, સાડાત્રણ વર્ષમાં માત્ર મંદિર બનીને તૈયાર થશે, એ ટ્રસ્ટની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. તેના પરિસરનું કામ ચાલુ રહેશે. અમને માત્ર મંદિર બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. પરિસરનું કામ કોણ કરશે ? એ ટ્રસ્ટ નક્કી કરશે, જોકે ટ્રસ્ટે લિસ્ટ બનાવી લીધું છે કે પરિસરમાં શું સુવિધાઓ હશે. હવે જેમને બનાવવાનું કામ આપવામાં આવશે તેઓ બનાવશે. રામ મંદિરનો નકશો તૈયાર છે, બાકીના પરિસરનો નકશો બની રહ્યો છે.

દેશનું સૌથી ભવ્ય મંદિર હશે

નિખિલ વધુમાં કહે છે, આ દેશનું સૌથી ભવ્ય મંદિર હશે. એને નક્કી સમયમાં પૂરું કરવું એ અમારા માટે એક પડકાર છે. સાડાત્રણ વર્ષમાં એને તૈયાર કરવાનું છે. મંદિર અંગે લોકોની ઘણી અપેક્ષાઓ છે. અમે તેને ધ્યાનમાં રાખીને ઝડપથી મંદિર તૈયાર કરીશું. રામ મંદિર છે, બધું રામ જ કરશે.

પથ્થરનું કોતરકામ કઈ જગ્યાએ થશે

નિખિલે કહ્યું હતું, કાર્યશાળામાં જે પથ્થર કોતરવામાં આવ્યા છે એનો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય પણ બીજા પથ્થરો જોઈશે. એ રાજસ્થાનના બંશીપુર પહાડપુરથી આવશે. જોકે એને અયોધ્યા લાવીને જ કોતરવામાં આવશે કે રાજસ્થાનમાં જ કોતરવામાં આવશે ? એ L&T(લાર્સન એન્ડ ટૂબ્રો કંપની) નક્કી કરશે. કેટલો મેન પાવર કે મશીન લાગશે એ પણ L&T નક્કી કરશે. હાલ તેમનું રિસર્ચ વર્ક ચાલી રહ્યું છે.

જેટલી વધારે મશીનરીનો ઉપયોગ થશે, મેન પાવર એટલો જ ઓછો વપરાશે. હાલ ઘણી મોટી-મોટી મશીનરી છે, જે મંદિર બનાવવામાં ઉપયોગમાં લઈ શકાય છે. હવે L&T મંદિરના અલગ-અલગ ભાગોના નિર્માણ માટે અલગ-અલગ લોકોને કામ સોંપશે. એ પછી નક્કી થશે કે કેટલો મેન પાવર જોઈશે.

હજાર વર્ષ સુધી ઊભું રહેશે મંદિર

નિખિલના જણાવ્યા મુજબ, જ્યારે આપણે કોઈ મોટું મંદિર બનાવીએ છીએ તો દોઢ હજાર વર્ષની સ્ટેબિલિટીને લઈને ચાલીએ છીએ. એવું માનીને ચાલો કે આ મંદિર આગામી હજાર વર્ષ સુધી ઊભું રહેશે. નિખિલ ખજૂરાહોનું ઉદાહરણ આપીને કહે છે કે એને 800 વર્ષ થઈ ચૂક્યાં છે. હાલ પણ ઘણાં મંદિર છે, જે ખૂબ જ જૂનાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here