Saturday, September 18, 2021
Homeમોરબી શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
Array

મોરબી શહેર અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

સૌરાષ્ટ્રમાં બરોબરનો અષાઢી માહોલ જામ્યો છે ત્યારે મોરબી જિલ્લામાં મેઘમહેર યથાવત છે. મોરબી શહેર જિલ્લા પર મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. મોરબી શહેરમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં ગોઠણસમા પાણી ભરાવાની સાથે અનેક ઘરોમાં પાણી ઘુસતા લોકોની કફોડી હાલત થઈ ગઈ છે. જ્યારે માર્ગો મદીના વહેણ બની જતા ટ્રાફિકજામની હાડમારી સર્જાઈ હતી.

ત્રણ ઈંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ

મોરબીમાં ગતરાત્રીથી મેઘરાજા દે ધનાદનની જેમ સતત ધીમીધારે હેત વરસાવી રહ્યા છે. પણ સતત વરસાદને પગલે ઠેરઠેર પાણી ભરાવવાની કાયમી સમસ્યાએ મોં ફાડ્યું છે. જો કે હજુ ત્રણથી વધુ ઈંચ જ વરસાદ પડ્યો છે. આટલા વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. તેમાંય નીચાણવાળા વિસ્તારમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. આ ઉપરાંત મોટાભાગના માર્ગો ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી ફરી વળ્યાં છે. રોડ ઉપર પાણી ભરાતા મુખ્ય રસ્તાઓ પર ઠેરઠેર ટ્રાફિકજામ સર્જાયો હતો. ખાસ કરીને શહેરમાંથી સામાકાંઠા તરફ સીરામીક એકમોમાં કામ સબબ નીકળેલા લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

લાતી પ્લોટ વિસ્તારમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાયા

મોરબીના શાકમાર્કેટની અંદર અને આજુબાજુના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તેમજ સરદાર બાગ સામેના રસ્તા ઉપર ગોઠણસમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત શનાળા રોડ તેમજ સુપર માર્કેટ ઉપર પાણી નદીના વહેણની જેમ ફરી વળ્યાં હતા. વાવડી રોડ અને લાતીપ્લોટ વિસ્તાર તેમજ આજુબાજુમાં 3-3 ફૂટ જેટલા પાણી ભરાતા હોડી લઈને પસાર થવું પડે એવી સ્થિતિ વચ્ચે વાહનોના વ્હીલ ડૂબી જાય તેવી કપરી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ વાવડી રોડની ગાયત્રીનગર સહિતની સોસાયટીઓમાં તથા વીસીપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા.

નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા

સામાકાંઠે ત્રાજપર ચાર રસ્તા પાસે, શોભેશ્વર રોડ જિલ્લા સેવા સદન, એસ.પી. કચેરી બહાર બાઈક ડૂબી જાય એટલે પાણી ભરાયા હતા. મોટાભાગના રસ્તાઓ ઉપર ફૂટ કે દોઢ ફૂટ સુધી પાણી ભરાતા અનેક વાહનો બંધ પડી ગયાની ફરિયાદ ઉઠી હતી. આ ઉપરાંત અવની ચોકડી તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. વરસાદી પાણીના નિકાલ સમાન ભૂગર્ભ ગટરો અને વોકળા ચોકઅપ હોવાને કારણે ત્રણ ઇંચ જેવા વરસાદમાં પણ શહેરની આવી કફોડી સ્થિતિ સર્જાતા લોકોને ટ્રાફિકની સાથે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો છે.

હળવદના રણછોડગઢ અને રાઈધ્રાંમાં ધોધમાર વરસાદ

​​​​​​​હળવદ તાલુકામાં આજે લાંબા સમય બાદ મમેઘરાજાએ દે ધનાધન તોફાની ઇનિંગ શરૂ કરતા ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ બન્યા છે. ભારે વરસાદને કારણે રણછોડગઢ અને રાઈધ્રાં ગામમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે તો ચરાડવા ગામે રાજબાઈ માતાના મંદિર પરિસરમાં પાણી ઘુસી ગયા છે.હળવદ તાલુકામાં મેઘરાજાએ દે ધનાધન વરસાદ વરસાવતા સરંભડા, સુંદરી ભવાની, માથક, રાયધ્રા, ચિત્રોડી, ભલગામડા, ડુંગરપુર, ચરાડવા કડીયાણા, રણછોડગઢ, સરંભડા પાંડાતીરથ, શિવપુર સહિતના ગામોમાં ભરપૂર વરસાદ વરસ્યો છે.

મોરબી જિલ્લાના 10 પૈકીના 9 જળાશયોમાં નવા નીરની આવક

છેલ્લા બે દિવસથી મોરબી જિલ્લામાં વરસી રહેલ સાર્વત્રિક મેઘકૃપાને પગલે મોરબી જિલ્લામાં આવેલા 10 જળાશયો પૈકી 9 જળાશયોમાં નોંધપાત્ર કહી શકાય તેટલો નવો જળ જથ્થો આવ્યો છે. જેમાં સૌથી વધુ બંગાવડી અને ડેમી-1 ડેમમાં વિશાળ જળરાશી આવી છે તો મચ્છુ-3 જળાશયમાં નવા નીરની જરાપણ આવક નોંધાઈ નથી.

રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળ આવતા મોરબી જિલ્લાના 10 જળાશયોમાં આજે સવારે પુરા થતા 24 કલાક દરમિયાન નવા પાણીની ધીંગી આવક નોંધાઈ છે. ઉપરાંત ડેમ સાઈટ ઉપર વરસાદ પણ નોંધપાત્ર વરસ્યો છે. સિંચાઈ વિભાગના સત્તાવાર આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન મચ્છુ-1 ડેમસાઇટ ઉપર 116 મીમી, મચ્છુ-2 ઉપર 65 મીમી, મચ્છુ-3 ઉપર 58 મીમી, ડેમી-1 ઉપર 85 મીમી, ડેમી-2 ઉપર 87 મીમી, ડેમી-3 ઉપર 150 મીમી, બંગાવડી ડેમ ઉપર 70 મીમી, ઘોડાધ્રોઇ ડેમ સાઈટ ઉપર 50 મીમી, બ્રાહ્મણી ડેમ ઉપર 55 મીમી, અને બ્રાહ્મણી-1 ડેમ સાઈટ ઉપર 30 મીમી વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ડેમ સાઈટ અને ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મોરબી જિલ્લાના તમામ 10 જળાશય પૈકી 9 જળાશયમાં નવો જળજથ્થો આવ્યો છે. જે પૈકી મચ્છુ-1માં 1.94 ફૂટ, મચ્છુ-2માં 1.97 ફૂટ, મચ્છુ-3માં 00.00 ફૂટ, ડેમી-1માં 10.76 ફૂટ, ડેમી-2માં 1.31 ફૂટ, ડેમી-3માં 4.27 ફૂટ, ઘોડાધ્રોઇમાં 3.44 ફૂટ, બંગાવડી ડેમમાં 13.10, બ્રાહ્મણી ડેમમાં 0.46 અને બ્રાહ્મણી-1 ડેમમાં 1.64 ફૂટ નવા પાણીની આવક નોંધાઈ હોવાનું સિંચાઈ વિભાગના સતાવાર આંકડા જણાવી રહ્યા છે.

મચ્છુ-3માં પાણીની ધીંગી આવક ચાલુ થતા ડેમના બે દરવાજા ખોલાયા મોરબી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને પગલે મચ્છુ-3 ડેમમાં પાણીની ધીંગી આવક શરૂ થતા છલોછલ ભરાવાની તૈયારીમાં રહેલા ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે. મોરબી નજીક આવેલા મચ્છુ-3 ડેમ 35.63 ફૂટની કુલ ઊંડાઈ ધરાવે છે. જેમાં અગાઉ વરસાદી પાણી આવતા 20.80 ફૂટ જીવંત જળજથ્થો હયાત છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ડેમ સાઈટ ઉપર 58 મીમી વરસાદ નોંધવાની સાથે મોરબી શહેરમાં સપ્રમાણ વરસાદ નોંધાતા આજે સવારથી 1796 ક્યુસેક નવા પાણીની આવક શરૂ થતા જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો હોય સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-3 ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મચ્છુ-3 ડેમ હાલમાં 85 ટકાથી વધુ ભરાયેલ હોય નવી આવકને પગલે ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હોય નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવા તાકીદ કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments