વડોદરાઃ વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં વડોદરા શહેરમાં દોઢ ઇંચ, કરજણમાં અઢી ઇંચ, વાઘોડિયામાં બે ઇંચ અને ડભોઇમાં સવા ઇંચ વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી થઇ રહેલા બફારામાંથી લોકોને રાહત થઇ હતી.
મકરપુરા વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશાયી
વડોદરા શહેરમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઇ ગયો હતો. વરસાદને પગલે વડોદરા શહેરના કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. મકરપુરા વિસ્તારમાં રોડ પર જ મહાકાય વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જોકે વહેલી સવારે વાહનોની અવર-જવર ઓછી હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી.
વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
વડોદરા, કરજણ અને પાદરા પથંકમાં વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં થોડા સમય માટે પાણી ભરાઇ ગયા હતા. જેને કારણે સવારે નોકરી-ધંધા પર જતા લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.