મહેફિલ : BJP ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મુકાય તેવો વીડિયો સામે આવ્યો

0
6

સુરત શહેર ભારતીય જનતા પાર્ટી ફરી એક વાર શરમજનક સ્થિતિમાં મુકાય તેવો વીડિયો સામે આવ્યો છે. મહાનગરપાલિકાની નગર શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપ દ્વારા 11 સભ્યોની પસંદગી કરવામાં આવી છે. રાકેશ ભીકડીયાએ 11માં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.ત્યારે ઉમેદવાર રાકેશ ભીકડીયાનો દારૂની મહેફિલ માણતો વીડિયો સામે આવ્યો છે. વિદેશી બનાવટના દારૂની બોટલ અને ભરેલા ગ્લાસ તથા સિગારેટના ચાલતા કશ સાથેનો વીડિયોથી વિપક્ષ આપે ભાજપની વ્યસની માનસિકતા બાળકોનું શું ભલુ કરશે તેવા સવાલો કરી ભાજપને આત્મમંથન કરવા સલાહ આપી છે.

રાકેશનું નામ અગાઉની ચૂંટણીમાં કપાયેલું
રાકેશ ભીકડીયા વોર્ડ નંબર 2 વરાછાના ભાજપના કાર્યકર્તા છે. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે તેઓ મજબૂત દાવેદાર હતાં. પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી.તેવા સંજોગોમાં ભાજપના મોવડી મંડળ તરફથી તેમને નગર શિક્ષણ સમિતિમાં અન્ય કોઈ સમિતિમાં સ્થાન આપવા માટે કહેવામાં આવ્યું હતું તેવી વિગતો સૂત્રો પાસેથી મળી રહી છે. સંખ્યાબંળની દ્રષ્ટિએ ભાજપના 10 અને આમ આદમી પાર્ટીના બે સભ્યોને નવી નગર શિક્ષણ સમિતિમાં સ્થાન મળે તો ચૂંટણી યોજવાની જરૂરીયાત રહેતી નથી પરંતુ ભાજપે ખેલ કરવા માટે 11માં ઉમેદવાર તરીકે રાકેશ ભીકડીયાને ઉમેદવાર બનાવી ફોર્મ ભર્યું છે.જેનો દારૂની મહેફિલ માણતા વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

વીડિયોથી સવાલો ઉઠ્યાં
નગર શિક્ષણ સમિતિ માટે ઉમેદવારી ફોર્મ ભરનાર પૈકી રાકેશ ભીકડીયા જો ઉમેદવારીપત્ર પરત ખેંચતા હોય તો ચૂંટણી યોજાવાની જરૂર રહેતી નથી. 18 તારીખ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ છે અને જો ફોર્મ ન ખેંચાય તો 25 તારીખે ચૂંટણી યોજાશે. રાકેશ ભીકડીયા દારૂની મહેફિલ મારી રહ્યા હોવાનો વીડિયો સામે આવતા ભારતીય જનતા પાર્ટી પણ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. આવા ઉમેદવારની પસંદગી કરીને મહત્વની આવી નગર શિક્ષણ સમિતિની સમિતિમાં સ્થાન આપવું કેટલું યોગ્ય છે.

આપના આક્ષેપ
આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું કે, નગર શિક્ષણ સમિતિએ ખૂબ જ મહત્વની સમિતિઓ પૈકીની એક છે. બાળકોના શૈક્ષણિક વિકાસ માટે આ સમિતિ મહત્વનું યોગદાન આપે છે. સ્વાભાવિક છે કે, આવી સમિતિમાં શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોને સ્થાન આપવું જોઈએ. તેને બદલે રાકેશ ભીકડીયા કે, જેઓ વ્યસની માનસિકતા ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે. તે ખૂબ જ શરમજનક બાબત છે. ભાજપે આવા ઉમેદવારની પસંદગી કરીને ફોર્મ ભરાઈ ગયો હોય તો તે ભાજપ માટે આત્મમંથન કરવા માટે પૂરતું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here