મહેસાણા : સમ્પ સાફ કરવા 3 લાખ લિટર પાણી ઉલેચાયું

0
9

મહેસાણાના રાધનપુર રોડ પર નર્મદાની પાઇપ લાઇનના શિફ્ટિંગ માટે ત્રણ દિવસ પાણી સપ્લાય બંધ હોઇ નગરપાલિકાએ આ સમયમાં પાણીની ટાંકી અને સમ્પની સફાઇનું કામ ગુરુવાર રાતથી શરૂ કર્યું હતું. જૂના એસટી ડેપો સામે આવેલા વોટરવર્કસ ખાતે 50 લાખ લિટરના સમ્પની સફાઇ કરવા રાત્રે 9 વાગ્યાથી પાણી ઉલેચવાનું શરૂ કરાયું હતું. જે શુક્રવારે બપોરે 1 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. જેમાં 3 લાખ લિટર પાણી બહાર કઢાયું હતું.

કેનાલ મારફતે આ પાણી ગોપીનાળામાં આવતાં બપોર સુધી પાણીનો આવરો ચાલુ રહ્યો હતો. જેને લઇ રાધનપુર ચોકડી સાઇડથી બસ સ્ટેશન તરફ જતા ગોપીનાળાના ભાગમાં વાહનોની ગતિ ધીમી પડતાં વારંવાર ટ્રાફિક જામ સર્જાયો હતો.

નગરપાલિકાની વોટરવર્કસ શાખાના સૂત્રોએ કહ્યું કે, હાલમાં નર્મદાનો પાણી સપ્લાય બંધ હોઇ વોટરવર્કસ હેડવર્કના મેઇન સમ્પના ત્રણ ભાગની ચોમાસા પહેલાં સફાઇ કરી લેવાનું આયોજન કરાયું હતું. જેમાં તળિયાના ભાગે રગડાવાળુ અઢીથી ત્રણ લાખ લિટર જેટલું પાણી ભરાયેલું હતું, જે મોટરથી ઉપાડી ન શકાય. એટલે આ ડહોળા, માટીવાળા પાણીને પાછળની સાઇડથી નિકાલ કરાયો હતો. જે ગોપીનાળાની અંદરના રસ્તેથી પમ્પિંગ પોઇન્ટનો કોક ખોલી નિકાલ કરાયો હતો. સમ્પમાં રાત્રે 3 વાગ્યાથી કામદારોએ સફાઇ કામગીરી શરૂ કરી હતી, જે શુક્રવારે બપોરે એક વાગે પૂર્ણ થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here