Friday, September 17, 2021
Homeમહેસાણા : આખરે એ પગ કોના? 8 વર્ષેય રહસ્ય પરથી પડદો ઊંચકાયો...
Array

મહેસાણા : આખરે એ પગ કોના? 8 વર્ષેય રહસ્ય પરથી પડદો ઊંચકાયો નથી

મહેસાણાના ખેરવાની સીમમાં લીંબુડીના એક ખેતરમાંથી 8 વર્ષ અગાઉ સાથળથી નીચેના બે પગ કાપેલી હાલતમાં ચાદરમાં વીંટીને બંધ સૂટકેશમાં મૂકેલા મળ્યા હતા. જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલો આ કેસ હજુ પણ વણ ઉકલ્યો હોવાથી આખરે એ પગ કોના હતા તેનું રહસ્ય આજે પણ યથાવત રહ્યું છે.

ખેરવાની સીમમાં કીર્તિભાઈ ઈશ્વરભાઈ પટેલના લીંબુડીવાળા ખેતરમાંથી તા.31 જુલાઇ, 2013ના રોજ બંધ કરેલી સૂટકેશમાંથી અજાણ્યા પુરુષનું કોઈપણ જગ્યાએ ખૂન કરી સાથળથી નીચેના બે પગ કાપી ચાદરમાં વીંટાળેલા મળ્યા હતા.આ મામલે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી. તાલુકા પોલીસે એક માસ સુધી તપાસ કર્યા બાદ એલસીબીને તપાસ સોંપાઈ હતી.

એલસીબીએ 15 દિવસ સુધી તપાસ કર્યા બાદ એસઓજીને તપાસ સોંપાઈ હતી. જે-તે સમયે એસઓજીના પીઆઈ જે.એસ. ચાવડાએ એક વર્ષ સુધી તપાસ કર્યા બાદ કોઈપણ સુરાગ મળ્યો ન હતો. છેવટે કેસમાં કોઈ સુરાગ ન મળતાં તાલુકા પોલીસે મહેસાણા ડીવાયએસપીના માધ્યમથી ફાઈનલ રિપોર્ટ ભરી મહેસાણાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં મોકલી આપ્યો હતો.

એસઓજીએ અવાવરુ કૂવા, ખાડા અને ખેતરો ખૂંદયા હતા

સૂટકેશમાં સાથળથી નીચેના બે પગ મળ્યા હોવાથી એક્સરે પાડી, એક્સરે અને બોન્સના ટીસ્યુ એફએસએલમાં મોકલીને તપાસ કરાવતાં મૃતકની ઉંમર 16 વર્ષથી ઉપરની હોવાનું તેમજ ટીઈએલ વીઆઈએસના એક્સરે ઉપલબ્ધ ન થતાં મૃતકની જાતિ વિષે અભિપ્રાય મળ્યો ન હતો. તેમ છતાં એસઓજીના કર્મચારીઓએ અવાવરુ કૂવા, ખાડા, તળાવ, ખેતરો અને રોડની સાઈડોમાં ચાલતા ફરીને શરીરના અન્ય અંગો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

લીંબુ વીણનાર મજૂરોના કહેવાથી 2 માણસના સ્કેચ તૈયાર કરાયાં

લીંબુ વીણવા નીકળેલા મજૂરોએ ખેરવા રોડ ઉપર રામાપીરના મંદિર પાસે એક રિક્ષામાં ડ્રાઈવર અને તેની પાછળ બે માણસો બેસેલા હોવાની માહિતી આપતાં બે માણસોના સ્કેચ તૈયાર કરી તમામ પોલીસ સ્ટેશનોમાં તેમજ સોશિયલ મીડિયામાં મોકલી અપાયા હતા.

શકમંદોના સ્કેચ બનાવી મહેસાણા પંથકમાં પૂછપરછ કરાઈ હતી

પોલીસે શકમંદોના સ્કેચ બનાવી મહેસાણા, ખેરવા, જગુદણ, મેઉ, છત્રાલ, રાજપુર, અમદાવાદ હાઈવે, સાગરદાણ ફેક્ટરી, આખજ ત્રણ રસ્તા, જીઆઈડીસી, ONGC વિસ્તારમાં પરપ્રાંતિય શખ્સોની તપાસ કરી હતી.

મોબાઈલ ટ્રેકના આધારે બે રિક્ષાચાલકોની તપાસમાં પણ નિષ્ફળતા

સૂટકેશ જે ખેતરમાંથી મળી હતી તે જગ્યાના, આખજ ચોકડી, ખેરવા ચોકડી, જગુદણ ફાટક, અમદાવાદ-મહેસાણા હાઈવેના એન્ટ્રીના રસ્તાના મોબાઈલ સેલ ટ્રેક મેળવીને તપાસ કરાતા બે રિક્ષાચાલકોના નંબર જણાયા હતા. તેથી શકમંદ તરીકે બંનેની અટક કરી પૂછપરછ કરાતાં નિષ્ફળતા મળી હતી.

નનામી અરજીના આધારે એક સરપંચની પણ તપાસ કરી હતી

આ ગુનામાં મહેસાણા તાલુકાના એક ગામના સરપંચ અને એક જાડો રબારી બંને જણા ઉપર આક્ષેપ કરતી અનામી અરજી થયેલી હોવાથી ખાનગી રાહે સરપંચ અને જાડા રબારીનો નંબર મેળવી મોબાઈલનું લોકેશન ગુનાવાળી જગ્યાએ આવે છે કે કેમ તે અંગે પણ તપાસ કરાઈ હતી.

7 સ્થળના મોબાઈલના લોકેશન પણ ચેક કરાયા હતા

ખેરવા, જગુદણ વિસ્તારમાં રહેતા ખેતમજૂરો, ખેતર માલિકોની તપાસ કરી ગોઝારિયા-મહેસાણા રોડ, ખેરવા-લાંઘણજ રોડ અને અમદાવાદ-મહેસાણા હાઈવે સર્કલની અંદર ગુનાવાળી જગ્યા આવી હોવાથી 7 સ્થળોના મોબાઈલ સેલ ટ્રેક મગાવી તેના સીડીઆર મગાવતા અસંખ્ય મોબાઈલ નંબરોના લોકેશન ચેક કરાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments