મહેસાણા : સાતેક વર્ષ બાદ વહીવટી તંત્રએ પોલીસની મદદથી 19 પૈકી 18 રસ્તા શનિવારે ખુલ્લા કરાયા

0
11

મહેસાણા દેદિયાસણ જીઆઇડીસીથી નાગલપુર તરફ જતાં રસ્તાનો વિવાદ 2013 માં શરૂ થયો હતો. આ રસ્તાને બ્લોક કરતા વિવાદ મામલતદાર અને પ્રાંતની કોર્ટમાં પહોંચતાં આખરે સાતેક વર્ષ બાદ વહીવટી તંત્રએ પોલીસની મદદથી 19 પૈકી 18 રસ્તા શનિવારે ખુલ્લા કરાવ્યા હતા. જોકે,11 નંબરનો રસ્તાનો કેસ કોર્ટમાં ચાલતો હોઇ તેની કાર્યવાહી મોકૂફ રખાઇ છે.

વર્ષ 2013માં દેદિયાસણ જીઆઇડીસીના 19 રસ્તાઓથી નાગલપુર તરફ જતાં રસ્તો સ્થાનિકોએ બંધ કર્યા હતા. બ્લોક કરાયેલા રસ્તાઓ પર દબાણ પણ કર્યું હતું. વિવાદીત રસ્તાનો કેસ પહેલાં મામલતદાર પછી પ્રાંત કચેરીમાં પહોંચ્યો હતો. ત્યાર બાદ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો.

જો કે, તમામ કોર્ટોમાંથી રસ્તો ખુલ્લો કરવાનો આદેશ કરાતાં ગત તા.16 માર્ચ, 2020 ના રોજ ફરી મહેસાણા પ્રાંતની કોર્ટમાં રીવિઝન અરજી દાખલ કરાઇ હતી. જો કે, પ્રાંત કોર્ટ દ્વારા ગત તા.26 ઓગષ્ટ 2020 ના રોજ હાઇકોર્ટનો ગત13 સપ્ટેમ્બર 2016ના હુકમને કાયમ રાખી જાહેર રસ્તા પર બનાવેલા ગેરકાયદે ગેટ હટાવી રસ્તો ખુલ્લો કરવા આદેશ કર્યો હતો.

હુકમની અમલવારી કરવા રાકેશભાઇ પટેલએ અરજી કરતાં મહેશભાઇ પટેલને ગત તા.14 ડિસેમ્બર 2020 ના રોજ દિન-15 માં રસ્તો ખુલ્લો કરવા નોટીસ આપવામાં આવી હતી. ત્યાર બાદ શનિવારે મામલતદારની ટીમએ પોલીસની મદદથી જેસીબી દ્વારા રસ્તા ખુલ્લા કરાવ્યા હતા. જો કે, રસ્તો ખુલ્લો થતાં હવે દેદિયાસણ જીઆઇડીસીથી નાગલપુર સીધુ જઇ શકાશે. નાગલપુર જવા લાંબુ અંતર કાપવું નહીં પડે.
11 નંબરના રસ્તાનો વિવાદ કોર્ટમાં હોઇ કાર્યવાહી મોકૂફ
11 નંબરના રસ્તાનો કેસ મહેસાણા સિવિલ કોર્ટમાં ચાલી રહ્યો છે. જેના કારણે તેના પર સ્ટેનો ઓર્ડર છે. જેને લઇ 11 નંબરના રસ્તાની સ્થિતિ યથાવત રખાઇ છે. કોર્ટના હુકમ બાદ આગળની કાર્યવાહી થઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here