મહેસાણા: કોંગ્રેસ શાસિત મહેસાણા નગર પાલિકામાં સત્તાધારી પક્ષના જ 15 કોર્પોરેટરોએ 25 મે પછીના ટેન્ડરના કામો નહીં કરવા આપેલી લેખિતની ઐસીતૈસી કરી ટાઉનહોલ અને સીવીક સેન્ટર એજન્સીરાહે ચલાવવાનાં ટેન્ડરો ખોલી દેવાયાં છે. જેમાં માસિક માત્ર રૂ. 21 હજારના ભાડેથી ટાઉનહોલ 36 માસ માટે અને સિવિક સેન્ટર રૂ.27100ના ભાડે ખાનગી એજન્સીને સોંપવાની હિલચાલને પગલે નવા જ વિવાદનો ફણગો ફૂટ્યો છે. માસિક રૂ.88 હજારથી વધુની આવક કમાઇ આપતો ટાઉનહોલ એજન્સીને માત્ર રૂ.21 હજારના સસ્તા ભાડમાં આપવાની તૈયારીને લઇ કોંગ્રેસના જ ઘણા કોર્પોરેટરોમાં ભવાં ખેંચાયાં છે. પાલિકાની આ ચાલમાં કેટલાક સભ્યોની ગોઠવણ હોવાની આશંકા વર્કઓર્ડર અપાય તે પહેલાં ચર્ચાસ્પદ બની છે.
સાંસદોની ગ્રાન્ટ, સરકારી નાણાં તેમજ મહેસાણાના સ્થાનિક લોકોનો ફાળો મળી કુ઼લ રૂ. 14 કરોડના ખર્ચે ટાઉનહોલ બન્યો છે. નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર દ્વારા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ અને સીવીક સેન્ટરના કોન્ટ્રાક્ટરાહે આવેલાં ટેન્ડર ખોલી પ્રક્રિયા કરાઇ છે. એક જ કંપનીના માણસ અલગ નામથી બીડ કરી ગોઠવણ કર્યાની આશંકા સેવાઇ રહી છે. જેમાં શુભમનો માસિક રૂ.18 હજાર અને તથ્ય એજન્સીનો ભાવ રૂ.21 હજાર છે. આ ભાવને લઇ વિરોધનો વંટોળ ઊઠ્યો છે.
ટેન્ડરના વિરોધનાં આ રહ્યાં સાત કારણો
પાલિકાને ટાઉનહોલની ભાડાપેટે 6 માસમાં રૂ.14,17,500 આવક થઇ.
સરેરાશ મહિને રૂ.88,593 આવક થઇ રહી છે. તો એજન્સીને માત્ર રૂ.21 હજાર ભાડે ન અપાય.
ટેન્ડરમાં કોઇ અપસેટ વેલ્યુ નક્કી કરી નથી.
બંને કંપનીને ટાઉનહોલ ચલાવવાનો અનુભવ જ નથી.
કામચલાઉ GST CSTમાં બંને મિલકતો ભાડે અપાશે.
નગરપાલિકાએ કાયમી GST CST ટેન્ડરમાં માંગેલી છે.
પાર્કિંગના અલગથી સુચિત ચાર્જ લેવાની એજન્સીને છૂટ.
મહિને રૂ.1.50 લાખના ખર્ચ સામે આવક રૂ.88,593 થાય છે
ટાઉનહોલમાં સફાઇ માટે ચાર સ્વીપરના રૂ.40 હજાર, બે લાઇટમેનના રૂ.30 હજાર, સિક્યુરિટીની ત્રણ શિફ્ટમાં કુલ 9 ગાર્ડના રૂ.90 હજાર એમ કુલ રૂ.1.50 લાખથી વધુનો ખર્ચ થઇ રહ્યો છે. તેની સામે આવક રૂ.88,593ની થાય છે. હાલ શહેરીજનોને રૂ.25 હજારના ભાડે હોલ મળે છે, એજન્સી મહત્તમ રૂ.20 હજાર જ લઇ શકશે. હાલ વીજ યુનિટદીઠ રૂ.20 ચાર્જ લઇએ છીએ,એજન્સી રૂ. 6 જ લઇ શકશે. જેથી નગર પાલિકા અને શહેરીજનોને ફાયદો થશે.છે. ઘનશ્યામ સોલંકી, પ્રમુખ નગરપાલિકા
કોંગ્રેસનો વિરોધ, ભાજપે વિરોધનો સૂર બદલ્યો
ટાઉનહોલ પાલિકાએ જ સંભાળવો જોઇએ
નગરપાલિકાના સ્ટાફથી જ ટાઉનહોલ ચલાવવો જોઇએ. અમારી જે-તે ટાઉનહોલની કમિટી વખતે એજન્સીને ભાડે આપવા બાબતે અમારો કોઇ અભિપ્રાય લેવાયો નથી. મહિને રૂ.88,593 આવક થાય છે ત્યાં રૂ.21 હજારમાં અપાય તો પાલિકાને જ ફટકો પડે. ટેન્ડરમાં બેઝ પ્રાઇઝ પણ નક્કી કરી નથી. ટેન્ડરમાં ભ્રષ્ટાચારની આશંકા છે. જયદિપસિંહ ડાભી, કોર્પોરેટર
મળતિયાને લાભ મળે તેવો કારસો રચાયો
ટાઉનહોલ ટેન્ડરમાં મળતિયાઓને લાભ મળે તેવો કારસો છે. કોડીઓના દરે ભાડે આપવાનું કારણ શું છે, અમે ચલાવી લેવાના નથી. ટાઉનહોલ મેન્ટેનન્સ પાલિકાનો સ્ટાફ જ કરે છે. શરતો તોડી મરોડીને અંગત મળતિયાને લાભનો પ્રયાસ જણાય છે. અમિત પટેલ, કોર્પોરેટર
ભાજપનો યુ ટર્ન, વિકાસના કામોમાં વિરોધ નથી
વિપક્ષ નેતાએ ટેન્ડર કામો ન કરવા વાંધો આપ્યા પછી એવું તો શું થયું કે તેમણે સ્ટેન્ડ બદલી વાંધો પરત લીધો?તેવા કોંગ્રેસના સવાલ સામે વિપક્ષ ભાજપના નેતા કિર્તીભાઇ પટેલે કહ્યું કે, વિકાસના કામોમાં વિરોધ નથી, શરતચૂકથી વાંધો આપ્યો હતો, જે પરત લીધો છે.
Array
મહેસાણા : ટાઉનહોલના માત્ર 21000ના ભાડાને લઇ વિવાદ, સત્તાધારી કોંગ્રેસના જ 15 કોર્પોરેટરો ધૂંઆપૂંઆ
- Advertisement -
- Advertisment -