મહેસાણા : ખેતીને મરણતોલ ફટકો : જિલ્લામાં 5000 હેક્ટરમાં ઊભા પાકને નુકસાન

0
3

મહેસાણા જિલ્લામાં તાઉતે વાવાઝોડા અને વરસાદને લઇ થયેલા પાક નુકસાન માટે 35 ટીમોને સર્વે માટે ઉતારાઇ છે. આ ટીમો એક સપ્તાહમાં ખેતીવાડીની 42 હજાર હેક્ટર અને બાગાયતની 21 હજાર હેક્ટર જમીનનો સર્વે પૂર્ણ કરી નુકસાન અહેવાલ તૈયાર કરશે.

પ્રાથમિક તબક્કે જિલ્લામાં 5 હજાર હેક્ટર જમીનમાં નુકસાનનો અંદાજ છે. જેમાં સૌથી વધુ કડી, જોટાણા, સતલાસણા અને વિજાપુર પંથકમાં નુકસાનનો અંદાજ હોવાનું ખેતીવાડી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં વાવાઝોડા સાથે થયેલા વરસાદના કારણે બાજરી અને જુવારના પાક સાથે બાગાયતી પાકોમાં કેરી, લીંબુ અને શાકભાજીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. બાજરી,જુવારનો મોટાભાગનો પાક જમીનદોસ્ત થયો છે.

જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સર્વે થશે

વાવાઝોડા બાદ હાથ ધરાયેલા પાક નુકસાન સર્વેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. જેમાં સર્વે કરનાર ટીમે જે તે સ્થળની ફોટોગ્રાફી એક ખાસ પ્રકારના સોફ્ટવેર દ્વારા કરવાની રહેશે. આ ફોટોગ્રાફી જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા થતી હોવાના કારણે જે-તે સ્થળ અને પાકની વિગત આપમેળે સોફ્ટવેરમાં અંકિત થઇ જશે. જેના કારણે સર્વેનો રિપોર્ટ સચોટ મળશે.

કડી પંથકમાં વાવાઝોડાથી લીંબુના પાકને મોટું નુકસાન

તાલુકાના અલદેસણ, ઉંટવા, સરસાવ, ખેરપુર, માથાસુર, જાસલપુર, લક્ષ્મીપુરા, રાજપુર, નંદાસણ, નવાપુરા, ગણેશપુરા, ધનાલી, ભટાસણ, આલમપુર, સૂરજ, નગરાસણ, વિસલપુર, દીઘડી સહિતના ગામોના ખેડૂતોનો મુખ્ય પાક લીંબુ છે. તાઉતે વાવાઝોડાએ લીંબુડીના છોડ મૂળીયા સાથે ઉખેડીને ફેંકી દીધા છે, તો કાચા પાકા લીંબુ નીચે ખરી પડ્યા હતા.

હાલ લીંબુ છૂટક કિલોના રૂ.60- 70ના ભાવે તેમજ જથ્થાબંધમાં મણના રૂ.600- 700ના ભાવે વેચાય છે, જે જોતાં મોટું નુકસાન લીંબુ ઉત્પાદકોને થયું છે. મહેસાણા બાગાયત વિભાગમાં નુકસાની સર્વે માટે રજૂઆત કરાઇ હોવાનું અલદેસણના સરપંચ ધીરૂભાઈ બારોટે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here