મહેસાણા : ઉનાવામાં ડુપ્લીકેટ વરિયાળીનું ગોડાઉન ઝડપાયું

0
20

મહેસાણા: ઉનાવા હાઇવે પર અતુલદાસ ખોડીદાસ પટેલના ગોડાઉનમાં બુધવારે સાંજે ગાંધીનગર અને મહેસાણા સીઆઇડી ક્રાઇમ તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંયુક્ત રેડ કરી ડુપ્લીકેટ વરિયાળી બનાવવાનું કૌભાંડ ઝડપ્યું હતું. પોલીસે રૂ.14,04,837ની બનાવટી વરિયાળી સીઝ કરી હતી. ફૂડ વિભાગે વરિયાળીના સેમ્પલ લઇ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલ્યા હતા.

ઉનાવા હાઇવે પર શનિદેવ મંદિર પાસે આવેલા અતુલદાસ ખોડિદાસ પટેલના ગોડાઉનમાં બનાવટી વરિયાળી બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારી વિપુલભાઈ ચૌધરી, ડી.એ.ચૌધરી, એસ.બી.પટેલની સાથે મહેસાણા અને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમે સાંજે ચાર વાગ્યાના અરસામાં ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન જૂની સુકાઈ ગયેલી વરીયાળીની પ્રોસેસ થઈ રહી હતી. તે સમયે ત્રાટકેલી પોલીસને જોઈ હાજર વ્યક્તિઓમાં ભય પ્રસર્યો હતો. આ સંયુક્ત રેડમાં પોલીસે કુલ 14,04,837 કિંમતની 37,452 કિલો વરિયાળી સિઝ કરી હતી.ફૂડ વિભાગે સેમ્પલ પરીક્ષણ માટે એફએસએલમાં મોકલી આપ્યા હતા.
30555 કિલો લુઝ વરિયાળીનો જથ્થો કબજે લીધો
પોલીસ, ફૂડ વિભાગ અને સીઆઈડીની રેડમાં રૂ.11,30,610ની કિંમતની 30555 કિલો લુઝ વરિયાળી કબજે કરી હતી. જ્યારે 50,727ની 2427 કિલો પ્રોસેસ થયેલી વરિયાળી સાથે રૂ.2,23,500નો 4470 કિલો લુઝ ગ્રીન કલર પોલીસે કબજે કર્યો હતો. આ રેડમાં સ્થાનિક પોલીસને પણ સાથે રાખી હતી.
ભૂખરી અને જૂની પડેલી વરિયાળી ઉપર લીલો કલર ચડાવાયો
ઝડપેલી વરિયાળી ઉપર ગ્રીન કલરની પ્રોસેસ થતી હતી. જેમાં ભૂખરી થઈ ગયેલી તેમજ જૂની પડેલી વરિયાળી ઉપર લીલો પાવડરનો ઉપયોગ કરી તેને પુનઃ વરિયાળી બનાવી બજારમાં વેચવા અર્થે મુકાતી હોય છે અને આમાં વેપારીઓને 60 ટકાથી વધુ નફો થતો હોવાનું પણ જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here