મહેસાણા : ખેડૂત પિતાએ ટીવી જોઇ ધો.4માં ભણતી દીકરીને યોગ શીખવ્યા; વર્લ્ડ મિસ યોગિની સહિત અનેક ગૌરવ હાંસલ

0
0

મહેસાણાના બહુચરાજી તાલુકાના અંબાલા ગામની પૂજા પટેલ જ્યારે 4 વર્ષની હતી ત્યારે ટીવીમાં બાબા રામદેવને યોગ કરતાં જોઇ ગઇ, બસ ત્યારથી તેને યોગની ધૂન લાગી. 15 વર્ષ પહેલાં જ્યારે યોગ વિશે આટલું કોઇ જાણતું નહોતું ત્યારે તેના ખેડૂત પિતા ઘનશ્યામભાઇએ દીકરીની યોગ શીખવાની તમન્ના પૂરી કરવા પહેલાં પોતે ટીવી જોઇને યોગ શીખ્યા અને પછી દીકરીના ગુરુ બની યોગાભ્યાસ કરાવ્યો. આમ ચોથા ધોરણથી લઇને હાલની કોલેજ લાઈફ સુધીમાં યોગામાં વર્લ્ડ મિસ યોગિની સહિત અનેક ગૌરવ હાંસલ કરી ચૂકી છે.

પૂજા જાણે રબરનું બનેલું હોય એમ આસાનીથી શરીરને વાળી વિવિધ યોગાસન કરી શકે છે. પૂજાના પિતા ઘનશ્યામ પટેલ કહે છે, પૂજા ચોથા ધોરણમાં ભણતી ત્યારે મેં તાલીમ આપવાનું શરૂ કર્યું હતું. તે અત્યાર સુધીમાં 160થી વધુ સ્પર્ધામાં ભાગ લઇ ચૂકી છે. ઇન્ટરનેશનલ લેવલે 6 ગોલ્ડ મેડલ અને 5 વાર વર્લ્ડ મિસ યોગિનીનું બિરુદ મેળવ્યું છે. 18 વખત મિસ ઇન્ડિયા યોગિની બની છે. 92 મેડલ, 125 ટ્રોફી અને 186 જેટલાં પ્રમાણપત્રો તેની પાસે છે. આજે તેને સજાવવા માટે હવે ઘરમાં કબાટ પણ નાનું પડે છે.

પૂજા પટેલે કહ્યું કે, ઈન્ટરનેશનલ સ્તરે ચાઈનાના શાંંઘાઈ ખાતે પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો ત્યારે ખૂબ આનંદ થયો હતો. બેઇજિંગમાં યોજાયેલી ઈન્ટરનેશનલ કોમ્પિટિશનમાં મિસ યોગિનીનું બિરુદ પ્રાપ્ત થયું હતું. આજે અનેક જગ્યાએ લોકો યોગ પ્રદર્શન માટે બોલાવે છે. નાનાં બાળકોને પણ યોગ કરતાં શીખવું છું. ગત વર્ષે સરકાર દ્વારા પ્રથમ વખત યોગને સ્પોર્ટ્સમાં સામેલ કરી રાષ્ટ્રીય કક્ષાની યોગાસન સ્પર્ધાનું ઓનલાઈન આયોજન કરાયું હતું. જેમાં દેશમાંથી 3400 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં ફિમેલ કેટેગરીમાં ગુજરાતમાંથી પૂજા પટેલે 78.18 સ્કોર સાથે પ્રથમ ઇનામ હાંસલ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here